મુખ્ય સમાચાર
News of Thursday, 22nd April 2021

૧ દિવસમાં ૩,૧૪,૮૩૫ કેસઃ ૨૧૦૪ મોતઃ વર્લ્ડ રેકોર્ડ તુટયો

ભારતમાં કોરોના વાયરસથી સ્થિતિ વિકરાળ બનીઃ સૌથી વધુ કેસનો રેકોર્ડ અમેરિકા પાસે હતોઃ હવે ભારતના નામે થઇ ગયો : દેશનો કુલ મૃત્યુઆંક ૧,૮૪,૬૫૭: કુલ કેસનો આંકડો ૧,૫૯,૩૦,૯૬૫: ૨૨,૯૧,૪૨૮ સારવાર હેઠળ

નવી દિલ્હી, તા.૨૨: ભારતમાં કોરોના વાયરસનો કેર સતત વધી રહ્યો છે. નવા કેસમાં રોકેટ ગતિથી વધારો થઈ રહ્યો છે આ બધા વચ્ચે ભારતમાં કોરોનાએ દૈનિક કેસ મામલે અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા ૨૪ કલાકમાં ૩ લાખથી વધુ નવા કેસ નોંધાયા છે. કોરોનાની શરૂઆતથી લઇને આજ સુધી સૌથી વધુ કેસ ભારતમાં નોંધાયા છે. આ પહેલા આ રેકોર્ડ અમેરિકા પાસે હતો. ૮ જાન્યુ ૨૦૨૧ના રોજ ૩,૦૭૫૭૦ કેસ હતાં જયારે હવે ભારતમાં ૩૧૪૮૩૫ કેસ અને ૨૧૦૪નાં મોત નોંધાયા છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા ૨૪ કલાકમાં ૩,૧૪,૮૩૫ નવા કોરોના દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો ૧,૫૯,૩૦,૯૬૫ પર પહોંચી ગયો છે. જેમાંથી ૧,૩૪,૫૪,૮૮૦ લોકો કોરોનાને માત આપીને સાજા થયા છે. જયારે ૨૨,૯૧,૪૨૮ લોકો સારવાર હેઠળ છે. એક જ દિવસમાં કોરોનાએ ૨૧૦૪ લોકોનો ભોગ લીધો છે. આ સાથે કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો ૧,૮૪,૬૫૭ પર પહોંચી ગયો છે. રસીકરણ અભિયાન હેઠળ ૧૩,૨૩,૩૦,૬૪૪ લોકોને અત્યાર સુધી કોરોનાની રસી આપવામાં આવી છે.

ભારતમાં કોવિડ-૧૯ના નવા કેસ પહેલીવાર ૩ લાખને પાર કરી ગયા અને અમેરિકાના દૈનિક કેસનો રેકોર્ડ પણ તોડ્યો. આ અગાઉ ૮ જાન્યુઆરીએ અમેરિકામાં સૌથી વધુ કોરોનાના કેસ ૩ લાખ ૭ હજાર ૫૮૧ નોંધાયા હતા.

ભારતમાં અમેરિકાથી પણ વધુ ઝડપથી નવા કેસની સંખ્યા વધી રહી છે અને ૧ લાખ દૈનિક કેસથી ૩ લાખ સુધી પહોંચવામાં ફકત ૧૭ દિવસનો સમય લાગ્યો છે.

આ દરમિયાન દૈનિક કેસની સંખ્યામાં પ્રતિદિન ૬.૭૬ ટકાની વૃદ્ઘિ થઈ છે. અમેરિકામાં ૧ લાખથી ૩ લાખ સુધી દૈનિક કેસ પહોંચવામાં ૬૭ દિવસનો સમય લાગ્યો હતો અને આ મામલે રોજનો વૃદ્ઘિ દર ૧.૫૮ ટકા હતો.

(10:57 am IST)