મુખ્ય સમાચાર
News of Thursday, 22nd April 2021

ખુબ જ અસરકારક છે રસી, ૧૦ હજારની વસ્તી પર પ્રથમ ડોઝ બાદ ૪ અને બીજા ડોઝ બાદ ૨ લોકોને થયો કોરોના

હવે સરકારે નવા આંકડા આપ્યા છે, જેનાથી થોડા લોકોમાં વેકિસનને લઈને જે આશંકાઓ છે તે પણ દૂર થશે

નવી દિલ્હીઃ દેશભરમાં કોરોના વાયરસની બીજી લહેર તબાહી મચાવી રહી છે. છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયથી જારી મહામારીમાં ગઇ કાલે પ્રથમવાર બે હજારથી વધુ લોકોના મોત થયા, જયારે ત્રણ લાખની નજીક નવા કેસ સામે આવ્યા છે. આ બધા વચ્ચે સરકારે વેકિસનેશન પ્રક્રિયાને ઝડપી બનાવવામાં લાગી છે. એક મેથી ૧૮ વર્ષના લોકોને વેકિસન આપવાની જાહેરાત થઈ ચુકી છે.  હવે સરકારે નવા આંકડા આપ્યા છે, જેનાથી થોડા લોકોમાં વેકિસનને લઈને જે આશંકાઓ છે તે પણ દૂર થશે. હકીકતમાં કેન્દ્રએ બુધવારે આંકડા જાહેર કરી જણાવ્યું કે, જે લોકોએ વેકિસનના બન્ને ડોઝ લગાવી લીધા છે, તેમાંથી માત્ર ૫૫૦૦ લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. એટલે કે ૧૦ હજારમાંથી માત્ર ૩ લોકોને કોરોના થયો છે.

કેન્દ્ર સરકારે વૈકિસનેશનને લઈને જણાવ્યું કે, કોવિશીલ્ડ કે કોવૈકસીનનો પ્રથમ ડોઝ લઈ ચુકેલા ૨૧૦૦૦થી વધુ લોકો સંક્રમિત થયા છે, જયારે બન્ને ડોઝ લઈ ચુકેલા ૫૫૦૦થી વધુ લોકો સંક્રમિત થયા છે. અત્યાર સુધી કોવૈકસીન અને કોવિશીલ્ડના ૧૩ કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. કોવૈકસીનના ૧.૧ કરોડ ડોઝમાં ૯૩,૫૬,૪૩૬ લોકો પ્રથમ ડોઝ લગાવી ચુકયા છે. પ્રથમ ડોઝ બાદ પોઝિટિવ થનારની સંખ્યા ૪૨૦૨ છે, જે ૦.૦૪ ટકા છે. તો ૧૭,૩૭,૧૭૮ લોકો કોવૈકસીનનો બીજો ડોઝ લઈ ચુકયા છે. માત્ર ૬૯૫ લોકો પોઝિટિવ આવ્યા છે. આ બીજો ડોઝ લઈ ચુકેલા લોકોના માત્ર ૦.૦૪ ટકા છે.

સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા (એસઆઈઆઈ) દ્વારા બનાવવામાં આવી રહેલી ઓકસફોર્ડ-એસ્ટ્રાઝેનેકાની વેકિસન કોવિશીલ્ડના સાડા અગિયાર કરોડથી વધુ ડોઝ લાગી ચુકયા છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ૧૦,૦૩,૦૨,૭૪૫ લોકોએ પ્રથમ ડોઝ લીધો, જયારે તેમાં ૧૭૧૪૫ (૦.૦૨ ટકા) પોઝિટિવ આવ્યા છે. તો બીજો ડોઝ ૧૫૭૩૨૭૫૪ આપવામાં આવ્યો છે, જેમાંથી ૫૦૧૪ લોકો કોવિડ પોઝિટિવ આવ્યા છે. તે માત્ર ૦.૦૩ ટકા છે. સરકારના આ આંકડાથી સ્પષ્ટ છે કે વેકિસનના બન્ને ડોઝ લગાવનાર લોકોને કોરોનાની બીજી લહેરમાંથી રાહત મલી છે અને તેના સંક્રમિત થવાની સંખ્યા ખુબ ઓછી છે.

વેકિસન કોરોનાના ગંભીર સંક્રમણથી પણ બચાવે છે. એમ્સના ડાયરેકટર  ડો. રણદીપ ગુલેરિયાએ બુધવારે જણાવ્યુ કે, વેકિસન તમને ગંભીર સંક્રમણથી બચાવે છે. બની શકે કે તે તમને સંક્રમિત થવાથી ન બચાવે. તે સમજવુ જરૂરી છે કે વેકિસન બાદ પોઝિટિવ રિપોર્ટ આવી શકે છે, તે માટે રસી લીધા બાદ માસ્ક પહેરવું જરૂરી છે. તો સરકાર જણાવે છે કે હાલ તે જોવાનો સમય નથી કે આપણે શું તૈયારી કરી, શું ચુક થઈ, આજે એક થઈને મહામારીનો સામનો કરી તેમાંથી બહાર આવવાનો સમય છે.

(10:23 am IST)