મુખ્ય સમાચાર
News of Wednesday, 21st April 2021

IPL 2021 : રોમાંચક મેચમાં કોલકતા નાઈટ રાઈડર્સ સામે ચેન્નાઇ સુપર કિંગ્સનો 18 રને શાનદાર વિજય : ચહલે 4 વિકેટ ઝડપી

લુંગી એનગીડીએ પણ 4 ઓવરમાં 3 વિકેટ ઝડપી: ફાફ ડુ પ્લેસિસે 60 બોલમાં અણનમ 95 રન અને ઋતુરાજ ગાયકવાડે 42 બોલમાં 64 રન ફટકાર્યા

મુંબઈ : આઈપીએલ 2021ની મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને કલકત્તા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ હતી. ચેન્નાઈનો રોમાંચક વિજય થયો હતો. કલક્તાએ ટોસ જીતીને પ્રથમ બોલીંગ પસંદ કરી હતી. ઓપનર ફાફ ડુ પ્લેસિસેએ 95 રન કર્યા હતા. ચેન્નાઈએ 20 ઓવરના અંતે 3 વિકેટે 220 રન કર્યા હતા. જવાબમાં આન્દ્રે રસેલ  અને પેટ કમિન્સેએ ચોગ્ગા છગ્ગા સાથે ઝડપી ફીફટી ફટકારી મુશ્કેલ સ્થિતીને રોમાંચક મોડ પર લાવી દીધી હતી. કલકત્તા 19.1 ઓવરમાં 202 રન કરીને ઓલઆઉટ થતા ચેન્નાઈનો 18 રને વિજય થયો હતો.

શરુઆત ખુબ જ કંગાળ રમત સાથે કરી હતી અને અંત ફેંસને ખુશ કરી દેનાર મનોરંજક રહી હતી. કલકત્તાએ 31 રનમાં જ તેની ટોપ ઓર્ડરની પાંચેય વિકેટો ગુમાવી દીધી હતી. આ તમામ વિકેટો મહત્વની હતી. પરંતુ ત્યારબાદ આંદ્રે રસેલ, દિનેશ કાર્તિક અને પેટ કમિન્સે ચેન્નાઈ અને ફેન્સની કલ્પના બહારની રમત દર્શાવી દઈ ભરપૂર મનોરંજન પુરુ પાડ્યુ હતુ. ઓપનર નિતિશ રાણા 12 બોલમાં 9 રન, શુભમન ગીલ શૂન્ય રને, રાહુલ ત્રિપાઠી 8 રન, ઇયોન મોર્ગન 7 રન, સુનિલ નરેન 4 રન કરીને પેવેલિયન પરત ફરતા કલકત્તાની ઈનીંગ જાણે કે સમાપ્ત થવા પર લાગી રહી હતી.

પરંતુ મેચને ફરી એકવાર આંદ્રે રસેલની ધમાકેદાર બેટીંગે જીવંત કરી દીધી. 22 બોલમાં 54 રન કરવા દરમ્યાન રસેલે 6 છગ્ગા લગાવ્યા હતા. દિનેશ કાર્તિકે 24 બોલમાં 40 રન કર્યા હતા. પેટ કમિન્સે ધમાકેદાર બેટીંગ કરતા એક જ ઓવરમાં લાગલગાટ ત્રણ છગ્ગા સાથે 30 રન ફટકારી દીધા હતા. તેણે 34 બોલમાં 66 રન અણનમ કર્યા હતા. કમિન્સે 6 છગ્ગા અને 4 ચોગ્ગા લગાવ્યા હતા. કમલેશ નાગરકોટી, વરુણ ચક્રવર્તી અને પ્રસિદ્ધ કૃષ્ણા શૂન્ય માં આઉટ થયા હતા.

દિપક ચાહરની બોલીંગને લઈને જાણે એમ લાગતુ હતુ કે કલકત્તાની ઈનીંગ ઝડપથી સમેટાઇ જશે. તેણે 4 ઓવરમાં 4 વિકેટ ઝડપી હતી. તેની બોલીંગ સામે કલકત્તા 31 રનમાં જ પાંચ વિકેટ ગુમાવી દેતા હારની કગાર પર એક સમયે આવી ચુક્યુ હતુ. લુંગી એનગીડીએ પણ 4 ઓવરમાં 3 વિકેટ ઝડપી હતી. સેમ કરન ખૂબ જ ખર્ચાળ સાબિત થયો હતો. તેણે એક જ ઓવરમાં 30 રન આપ્યા હતા. 4 ઓવર માં 58 રન આપ્યા હતા. રવિન્દ્રસિંહ જાડેજાએ 4 ઓવરમાં 33 રન આપ્યા હતા. શાર્દૂલ ઠાકુરે 3.1 ઓવરમાં 48 રન આપ્યા હતા.

ટોસ હારીને બેટીંગ માટે મેદાને આવેલી ચેન્નાઈએ શરુઆત શાનદાર કરી હતી. ઓપનીંગ જોડીએ શતકીય ભાગીદારી રમત રમીને ચેન્નાઈને મજબૂત સ્થિતીમાં મુકી દીધુ હતુ. ફાફ ડુ પ્લેસિસે 60 બોલમાં નોટ આઉટ 95 રન કર્યા હતા. તેણે 9 ચોગ્ગા અને 4 છગ્ગા લગાવ્યા હતા. ઋતુરાજ ગાયકવાડે 42 બોલમાં 64 રન ફટકાર્યા હતા. તેણે 6 ચોગ્ગા અને 4 છગ્ગા લગાવ્યા હતા. મોઈન અલીએ 12 બોલમાં 25 રન કર્યા હતા. તેણે 2 છગ્ગા અને 2 ચોગ્ગા લગાવ્યા હતા. એમએસ ધોનીએ 8 બોલમાં 17 રન કર્યા હતા. રવિન્દ્ર જાડેજા ને એક જ બોલ રમત માટે નસિબ થયો હતો, જે ઇનીંગના અંતિમ બોલે સિક્સર લગાવી દીધી હતી.

ચેન્નાઈની બેટીંગને નિયંત્રીત કરવી અને વિકેટ ઝડપવી કલકત્તાના બોલર્સ માટે સંઘર્ષ ની સ્થિતી બની ગઈ હતી. વરુણ ચક્રવર્તીએ ઓપનર ઋતુરાજનની વિકેટ ઝડપીને ભાગીદારી રમત આગળ વધતી અટકાવી હતી. વરુણે 4 ઓવર કરીને 27 રન આપી એક વિકેટ ઝડપી હતી. સુનિલ નરેને 2 ઓવર કરીને 34 રન આપીને એક વિકેટ ઝડપી હતી. આન્દ્રે રસેલે 2 ઓવર માં 27 રન આપી એક વિકેટ ધોનીના સ્વરુપમાં ઝડપી હતી. પ્રસિદ્ધ કૃષ્ણાએ 4 ઓવરમાં 49 રન આપ્યા હતા.

(1:31 am IST)