મુખ્ય સમાચાર
News of Thursday, 22nd April 2021

દેશને તમારા ભાષણ નહીં, ઓક્સિજનની જરૂર : વિપક્ષ

કટોકટીભરી સ્થિતિમાં વિપક્ષો વડાપ્રધાન નરેન્દ્રના ભાષણથી ખફા : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે દેશને આપેલા સંદેશાની વિરોધ પક્ષો દ્વારા ભારે ટીકા કરવામાં આવી

નવી દિલ્હી, તા.૨૧ : પીએમ મોદીએ દેશમાં કોરોનાના કારણે સર્જાયેલી કટોકટીભરી પરિસ્થિતિ અંગે મંગળવારે રાત્રે દેશવાસીઓને સંદેશ આપ્યો હતો.

જોકે હવે વિપક્ષી નેતાઓ પીએમ મોદીના ભાષણની મજાક ઉડાવી રહ્યા છે. પીએમ મોદીએ રાજય સરકારોને લોકડાઉનને અંતિમ વિકલ્પ ગણવા માટે અનુરોધ કર્યો હતો ત્યારે વિપક્ષી પાર્ટીઓએ આ ભાષણની જોરદાર ટીકા કરીને કહ્યુ છે કે, દેશને અત્યારે તમારા ભાષણની નહીં પણ ઓક્સિજનની જરુર છે.

પીએમ મોદીએ ૧૯ મિનિટના ભાષણમાં  લોકોને સાવધ રહીને કોરોનાની ગાઈડલાઈનનો અમલ કરવાનો સંદેશ પણ આપ્યો હતો. નેશનલ કોન્ફરન્સના નેતા ઉમર અબ્દુલ્લાએ કહ્યુ હતુ કે, એક વર્ષ પહેલા જ્યારે કોરોનાની પહેલી લહેર આવી ત્યારે કેન્દ્ર સરકારે તમામ નિયંત્રણો પોતાની પાસે રાખ્યા હતા . ત્યાં સુધી કે કેન્દ્ર સરકારે જ લોકડાઉન લગાવ્યુ હતુ અને હવે એક વર્ષ બાદ જ્યારે કોરોનાની બીજી લહેરને કાબૂમાં રાખવાની સ્થિતિ આવી છે ત્યારે કેન્દ્ર સરકારે તમામ જવાબદારી રાજ્ય સરકારો પર નાંખી દીધી છે.  કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા સૂરજેવાલાએ ટ્વિટ કરીને કહ્યુ હતુ કે, પીએમ મોદીના ભાષણનો સાર એ છે કે મારા હાથમાં કશું છે નહી, પોતાના જીવની રક્ષા લોકોએ જાતે જ કરવાની છે.  કોંગ્રેસના નેતા મનીષ તિવારીએ કહ્યુ હતુ કે, પીએમ મોદીએ સંદેશ આપ્યો છે કે મિત્રો તમે જ તમારી સુરક્ષા કરો. તમે જો કોરોનાને પરાજીત કરશો તે આપણે કોઈ ઉત્સવ મનાવતી વખતે મળીશું. ત્યાં સુધી તમને શુભેચ્છાઓ. યુવક કોંગ્રેસના અધ્યક્ષ શ્રીનિવાસે પણ કહ્યુ હતુ કે, પીએમ મોદી માફ કરજો પણ દેશને તમારા ભાષણની નહીં પણ ઓક્સિજનની જરુર છે.

(12:00 am IST)