મુખ્ય સમાચાર
News of Thursday, 22nd April 2021

એમપી : હોસ્પિટલમાં દર્દીનાં સગાઓએ સિલિન્ડર લૂંટ્યા

ઓક્સિજનની અછતમાં જીવ બચાવવા હવાતિયાં :સ્ટાફે પરિવારજનો પાસે સિલિન્ડર પાછા માગ્યા ત્યારે તેમણે સ્ટાફને ગાળો આપતાં પોલીસ બોલાવવી પડી

નવી દિલ્હી, તા.૨૧ : કોરોના સંક્રમણના પગલે ઓક્સિજનની સર્જાયેલી અછતથી દર્દીઓ મરી રહ્યા છે અને હવે લોકો જીવ બચાવવા માટે કઈ પણ હદે જવા તૈયાર છે.

તેનો પૂરાવો મધ્યપ્રદેશના દમોહ જિલ્લામાં મંગળવારે રાતે મળ્યો હતો.અહીંની મુખ્ય સરકારી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓ માટે ઓક્સિજન સિલિન્ડર મંગાવવામાં આવ્યા હતા.સિલિન્ડર આવતાની સાથે જ અફરા તફરી મચી ગઈ હતી.હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સગાઓએ સિલિન્ડર લૂંટી લીધા હતા.

હાલત એટલી ખરાબ થઈ ગઈ હતી કે, હોસ્પિટલ સત્તાધીશોને પોલીસ બોલાવવી પડી હતી.જ્યારે સ્ટાફે પરિવારજનો પાસે સિલિન્ડર પાછા માંગ્યા ત્યારે તેમણે સ્ટાફને ગાળો આપવાનુ શરુ કરી દીધુ હતુ.લોકો એકની જગ્યાએ બે-બે સિલિન્ડર લૂંટી ગયા હતા.પોલીસે પણ સિલિન્ડર પાછા આપવા માટે કહ્યુ હતુ  અને આમ છતા સવાર સુધી પરિવારજનો સિલિન્ડર પાછા આપવા માટે તૈયાર થયા નહોતા.

હોસ્પિટલના નિયમ પ્રમાણે દરેક દર્દીને એક ઓક્સિજન સિલિન્ડર આપવાનો હતો પણ ડરના કારણે દર્દીના પરિવારજનોએ બે-બે સિલિન્ડર લઈ લીધા હતા.જેના કારણે લૂંટફાટ જેવી સ્થિતિ બની ગઈ હતી.એ પછી કેટલાકે વધારાના સિલિન્ડર પાછા આપ્યા હતા.

પોલીસે જોકે લૂંટફાટ થઈ હોવાનો ઈનકાર કરીને કહ્યુ હતુ કે, સિલિન્ડર હોસ્પિટલની અંદર જ હતા અને લૂંટી જવાની કોઈ વાત નથી.બીજી તરફ હોસ્પિટલનુ કહેવુ છે કે અમે ચાર દિવસથી પોલીસની સુરક્ષાની માંગણી કરતા હતા પણ કોઈ અમારી વાત સાંભળવા માટે તૈયાર નહોતું.

(12:00 am IST)