મુખ્ય સમાચાર
News of Monday, 22nd April 2019

આતંકવાદ ઉપર કોંગ્રેસની ખુબ જ નબળી નીતિ હતી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો દાવો

આતંકવાદીઓને હવે ઘરમાં ઘુસીને મારવાની નીતિ અપનાવાઈ : મજબૂર, મૃતપાય અને ભ્રષ્ટ સરકાર હોય છે ત્યારે તમામને નુકસાન થાય છે છેલ્લા પ વર્ષના ગાળામાં વિકાસના તમામ કામોનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉલ્લેખ કરાયો

નંદુરબાર-જયપુર, તા.૨૨ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પણ મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં આગામી તબક્કાની ચૂંટણીને લઇને ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત રહ્યા હતા. આજે મોદીએ મહારાષ્ટ્રના નાસિક અને નંદુરબારમાં ચૂંટણી સભા યોજી હતી જ્યારે રાજસ્થાનમાં ઉદયપુર અને જોધપુરમાં સભાઓ કરી હતી. તમામ સભાઓમાં મોદીએ આતંકવાદના મુદ્દા ઉપર કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યા હતા અને દાવો કર્યો હતો કે, ત્રાસવાદના મુદ્દા પર કોંગ્રેસની કાયર નીતિને બદલી દેવામાં આવી છે. નંદુરબારમાં જનસભાને સંબોધતા મોદીએ કહ્યું હતું કે, બાબાસાહેબના અનામત પર કોઇ આંચ આવશે નહીં. એક મજબૂર, મૃતપાય અને ભ્રષ્ટ સરકાર હોય છે ત્યારે તમામને નુકસાન થાય છે. કોંગ્રેસ અને મહામિલાવટના લોકોના ઇતિહાસમાં આવા દાખલા રહેલા છે. બીજી બાજુ નાસિકમાં પણ ચૂંટણી પ્રચારમાં મોદીએ આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો હતો. જોધપુર અને ઉદયપુરની રેલીમાં પણ મોદીએ કોંગ્રેસ પાકિસ્તાન ઉપર આક્ષેપ કર્યા હતા. મોદીએ કહ્યું હતું કે, પહેલા પાકિસ્તાન આતંકવાદી હુમલા બાદ પણ ભારતને ધમકી આપતું હતું અને ભારતની સરકારો મૌન રહેતી હતી પરંતુ હવે આ નીતિ બદલાઈ ચુકી છે. આતંકવાદને ઘરમાં ઘુસીને મારવાની રણનીતિ અપનાવવામાં આવી છે. સમગ્ર દુનિયા પણ હવે મજબૂતી સાથે ભારતની સાથે છે.  મોદીએ કહ્યું કે, દેશમાં એક એવી જમાત પણ છે જે એક દિવસ સરકાર બનાવે છે તો બીજા દિવસે તોડી પાડે છે. હુું જ્યારે ૨૦૧૪માં પહલી વખત ચૂંટણી લડી રહ્યો હતો ત્યારે તેઓએ મને કહ્યું હતું કે, વિદેશ નીતિ કઈ રીતે સંભાળીશું  ત્યારે મેં કહ્યું હતું કે અમે દુનિયાની સાથે આંખ નીચી રાખીને કે આંખી ઊંચી કરીને નહીં પણ તેમની આંખમાં આંખ નાખીને વાત કરીશું. મોદીએ કહ્યું કે, ઈસ્ટરના દિવસે જ્યારે શ્રીલંકામાં લોકો શાંતિનો સંદેશ આપી રહ્યા હતા. ત્યારે નર રાક્ષસોએ આવીને ખુની ખેલ ખેલ્યો. મારી સરકાર પહેલા ભારતમાં પણ અનેક જગ્યાએ બોંબ વિસ્ફોટ થતા હતા અને ત્યારે અહીં કોંગ્રેસ અને એનસીપીની સરકાર હતી. તેઓ વિસ્ફોટ પછી માત્ર શ્રદ્ધાંજલિ સભાઓ રાખતા હતા. ત્યારે સરકાર રોતી હતી કે પાકિસ્તાન અમારા દેશમાં આવીને આવું કરે છે, તેવું કરે છે. હવે તમારા આ ચોકીદારે કોંગ્રેસ-એનસીપીનો આ ડર ખતમ કરી દીધો છે. વડાપ્રધાને કહ્યું કે, હું તમને કોંગ્રેસની એક ચાલાકી પણ જણાવવા માગું છું. વચેટિયાને ફાયદો આપવા માટે પાકની કિંમતમાં તેઓ રમત કરતા હતા. કોંગ્રેસ સરકારે વચેટિયાઓને હંમેશા બચાવ્યા છે. અમારી સરકારે વચેટિયાઓને પકડવાનું કામ કર્યું છે. કોંગ્રેસ મહારાષ્ટ્રમાં નદીઓને લઈને પણ ખોટું ફેલાવે છે. મોદીએ કહ્યું કે, આદિવાસી બાળકોના અભ્યાસ માટે એકલવ્ય મોડલ સ્કૂલ ખોલવામાં આવી રહ્યા છે. આદિવાસી હસ્તશિલ્પ કલાના પ્રચાર-પ્રસાર માટે ઓનલાઈન માધ્યમનો વિકાસ કરાયો છે. અન્નદાતા ખેડુતો માટે બીજથી લઈને બજાર સુધી મજબુત ઢાંચો તૈયાર કરાયો છે. અનેક ખેડુત પરિવારના ખાતાઓમાં સહાયતા રાશિ અને યોજનાઓની રકમ આવી પણ ગઈ છે. ફરીથી મોદી સરકાર આવવા પર મહારાષ્ટ્રમાં પાંચ એકરની જમીનના નિયમ હટાવી દેવાશે. ડુંગરીના ટ્રાંસપોર્ટેશનમાં લાગતા ખર્ચને પણ ઘટાડવામાં આવશે.

(9:16 pm IST)