મુખ્ય સમાચાર
News of Monday, 22nd April 2019

કોંગ્રેસની સરકાર આવશે તો રાફેલ મામલામાં તપાસ થશે

અમેઠીમાં રાહુલ ગાંધી દ્વારા જોરદાર પ્રચાર : ચૂંટણી બાદ લોકસભા, રાજ્યસભા, વિધાનસભામાં ૩૩ ટકા મહિલાઓ નજરે પડશે : રોજગારીને મહત્વ અપાશે

અમેઠી, તા. ૨૨ : કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી આજે અમેઠીમાં ચૂંટણી પ્રચાર કરવા પહોંચ્યા હતા. પોતાના મતવિસ્તાર અમેઠીમાં રાહુલ આક્રમક દેખાયા હતા. રાહુલ પ્રચાર દરમિયાન સભાને સંબોધતા કહ્યું હતું કે, રાફેલ વિમાનની ખરીદીના મામલામાં ૩૦૦૦૦ કરોડ રૂપિયા અપાવવાને બદલે અનિલ અંબાણીએ તેમને શું આપ્યું છે તેવો પ્રશ્ન કર્યો હતો. અમેઠીના તિલોઈમાં રાહુલે જનસભા યોજી હતી. રાહુલે દાવો કર્યો હતો કે, લોકસભા ચૂંટણી બાદ કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર આવતા જ રાફેલ મામલામાં તપાસ કરાશે અને વાસ્તવિકતા સપાટી ઉપર આવશે. ફ્રાંસના પૂર્વ પ્રમુખ દ્વારા જે વાત કરાઈ હતી તે બાબત બહાર આવશે. ફ્રાંસના સંરક્ષણ મંત્રાલયની ફાઇલમાં શું લખ્યું છે તે પણ બહાર આવશે. આમા માત્ર બે લોકોના નામ આવશે જેમાં અનિલ અંબાણી અને નરેન્દ્ર મોદીનો સમાવેશ થાય છે. બેરોજગારી અને નોટબંધીનો મુદ્દો રાહુલે ઉઠાવ્યો હતો. ન્યાય યોજના હેઠળ ૬૦૦૦ રૂપિયા ખાતામાં આવશે ત્યારે લોકો ખરીદી કરી શકશે. ૨૦૧૯ બાદ લોકસભા, રાજ્યસભા અને વિધાનસભામાં ૩૩ ટકા મહિલાઓ જોવા મળશે. પંચાયતોમાં પણ ૧૦ લાખ યુવાનોને રોજગારી અપાશે. અમેઠી સીટ પર ૨૦ એપ્રિલે રાહુલ ગાંધીની ઉમેદવારી સ્ક્રૂટની થવાની હતી. આ દરમિયાન રિટનિંગ ઓફિસમાં સ્ક્રુટનીની પ્રક્રિયા શરૂ થતાં જ રાહુલ ગાંધીનું નામ બોલવામાં આવ્યું હતું. ત્યારપછી ચાર લોકોએ તેમની ઉમેદવારી સામે વાંધો ઉઠાવ્યો હતો. વિરોધ કરવામાં અપક્ષના ઉમેદવાર ધ્રુવ લાલે બ્રિટનમાં રજિસ્ટર્ડ કંપનીના દસ્તાવેજો દર્શાવતા દાવો કર્યો હતો કે તેમાં રાહુલ ગાંધીને બ્રિટિશ નાગરિક દર્શાવવામાં આવ્યા છે. ધ્રુવ લાલના વકીલ રવિ પ્રકાશે દાવો કર્યો છે કે, આ બ્રિટિશ કંપની પાંચ વર્ષથી ચાલી રહી છે અને તેમાં તેમણે નફો પણ કર્યો છે. પરંતુ એફિડેવિટમાં આ વિશે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. આ આરોપમાં બીજેપીએ પણ રાહુલ ગાંધી સામે સવાલ કર્યા છે અને નાગરિકતાની સ્થિતિ સ્પષ્ટ કરવા કહ્યું છે. બીજી બાજુ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એક ડગલુ વધીને રાહુલ ગાંધીના નામ ઉપર પણ સવાલ ઉભા કર્યા છે. યોગીએ રવિવારે એક જનસભામાં દાવો કર્યો હતો કે રાહુલ ગાંધી તેમના નામથી પણ દેશને મુરખ બનાવી રહ્યા છે. તેમનું અસલી નામ તો રાઉલ વિંસી છે. અમેઠી પછી વાયનાડમાં પણ રાહુલ ગાંધી સામે ફરિયાદ કરવામાં આવી છે. વાયનાડ લોકસભા સીટથી એનડીએ ઉમેદવાર ટી. વેલ્લાપલ્લીએ આરોપ લગાવ્યો છે કે, રાહુલ ગાંધી પાસે અન્ય દેશનો પણ પાસપોર્ટ છે. પરંતુ તેમણે આ વિશે તેમણે એફિડેવિટમાં કોઈ ઉલ્લેખ કર્યો નથી. તેથી રાહુલ ગાંધીની ઉમેદવારી સ્વીકારવી જોઈએ નહીં.

(9:14 pm IST)