મુખ્ય સમાચાર
News of Monday, 22nd April 2019

વડાપ્રધાન નરેન્દ્રમોદીના દિવાળી નિવેદન પર મહેબુબા મુફ્તી ભારે નારાજ

મહેબુબા મુફ્તી પાકિસ્તાની પ્રેમ ફરી દેખાયો : ભારતે પરમાણુ બોંબ દિવાળી મનાવવા માટે રાખ્યા નથી તો પાકિસ્તાને ઇદ માટે અણુ બોંબ રાખ્યા નથી : મહેબુબા મુફ્તી

શ્રીનગર, તા. ૨૨ : જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપીના પ્રમુખ મહેબુબા મુફ્તીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનને લઇને આકરી પ્રતિક્રિયા આપી છે જેમાં પાકિસ્તાનની તરફેણ પણ મહેબુબાએ કરી છે. ચૂંટણી પ્રચાર દરમિયાન મોદીએ હાલમાં પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું હતું કે, દિવાળી મનાવવા માટે અમે પરમાણુ બોંબ મુક્યા નથી. મોદીના આ નિવેદન પર વળતા આક્ષેપ કરતા મુફ્તીએ કહ્યું છે કે, ભારતે જો પરમાણુ બોંબ દિવાળી મનાવવા માટે રાખ્યા નથી તો સ્વાભાવિક છે કે, પાકિસ્તાને પણ આને ઇદ માટે મુકી રાખ્યા નથી. મોદીના ચૂંટણી ભાષણોના સ્તરને લઇને પણ નારાજગી વ્યક્ત કરી હતી. રાજસ્થાનના બાડમેરમાં ચૂંટણી પ્રચાર કરતા મોદીએ પડોશી દેશને ચેતવણી આપતા કહ્યું હતું કે, પરમાણુ બોંબને દિવાળી મનાવવા માટે અમે રાખ્યા નથી. મોદીએ એમ પણ કહ્યું હતુ ંકે, પાકિસ્તાનની ધમકીઓને લઇને ભારત હવે ભયભીત રહેતું નથી. પહેલા પાકિસ્તાન દરરોજ પરમાણુ બોંબ હોવાની ધમકી આપતું હતું. પાકિસ્તાનના લોકો કહેતા હતા કે, તેમની પાસે ન્યુક્લિયર બટન છે. મોદીએ કહ્યું હતું કે, જો તેમની પાસે ન્યુક્લિયર બટન છે તો પરમાણુ બોંબને અમે દિવાળી મનાવવા માટે મુકી રાખ્યા નથી. અમે પાકિસ્તાનમાં ઘુસીને ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી રહ્યા છીએ ત્યારે પીડા ભારતમાં રહેલા લોકોને થઇ રહી છે. મહેબુબાએ કહ્યું છે કે, મોદીએ બિનજરૂરીરીતે ઉશ્કેરણીજનક નિવેદન જારી રાખ્યા છે. મોદી રાજનીતિને આટલા નીચલા સ્તરે કેમ લઇને જઈ રહ્યા છે. મોદીએ રાજકીય ચર્ચાના સ્તરને ખુબ નીચલા સ્તર પર લઇ જવામાં ભૂમિકા ભજવી છે. રાજસ્થાનમાં પોતાના ભાષણમાં કોંગ્રેસ પર પ્રહાર કરતા મોદીએ કહ્યું હતું કે ૧૯૭૧ની લડાઈમાં જમ્મુ કાશ્મીરની સમસ્યાને ઉકેલી લેવાનો સમય હતો અને તક મળી હતી પરંતુ તક ગુમાવી દેવામાં આવી હતી. પાકિસ્તાનને મળેલી ખુલ્લી છુટના કારણે પહેલા આતંકવાદીઓ વારંવાર હુમલા કરતા હતા પરંતુ હવે કેન્દ્રમાં મજબૂત સરકાર હોવાથી આતંકવાદીઓની હાલત કફોડી બનેલી છે. પાકિસ્તાનની તમામ હિંમતને તોડી પાડવામાં આવી છે. પાકિસ્તાન હવે દુનિયાભરમાં સહાયતા માટે ફરી રહ્યું છે પરંતુ તેને કોઇ સહાય આપવા તૈયાર નથી. તેમની સરકારના ગાળા દરમિયાન જ ભારતે દુનિયાની એવી શક્તિમાં સામેલ થયું છે જે ત્રણેય જગ્યાઓથી પરમાુ બોંબ ઝીંકવાની સ્થિતિ ધરાવે છે.

 

 

 

 

(7:56 pm IST)