મુખ્ય સમાચાર
News of Monday, 22nd April 2019

કવોટામાં વધારોઃ મોટા રાજ્યોમાંથી અરજી કરનારા તમામ હજયાત્રીઓ જઇ શકશે

ચાલુ વર્ષે વિક્રમી બે લાખ ભારતીય મુસ્લિમો હજયાત્રાએ જશે

નવી દિલ્હી તા.રરઃ ભારતના હજ કવોટામાં વધારો કરવામાં આવતા હવે ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ અને બિહાર સહિતના મોટા રાજ્યોમાંથી ચાલુ વર્ષે યાત્રા માટે અરજી કરનારા તમામ લોકો હજ યાત્રાએ જઇ શકશે. મોદી સરકાર સત્તામાં આવ્યા બાદથી હજ કવોટામાં ત્રીજી વખત વધારો કરવામાં આવ્યો છે. આ વધારાનો લાભ અંદમાન અને નિકોબાર દ્રીપસમુહ, દાદરાનગરા હવેલી, ગોવા, લક્ષદીપ, મણિપુર, ઓરિસ્સા, પુડુચેરી, આસામ, ચંદીગઢ, દમણ અને દીવ, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, પંજાબ અને ત્રિપુરાના લોકોને મળશે. આઝાદી બાદથી પ્રથમ વખત એવું બન્યું છે કે, અરજી કરનારા તમામ લોકો હજયાત્રાએ જઇ શકશે. ભારતા હજ કવોટામાં વધારો કરવા અંગે સઉદી અરેબિયાની સરકારે ગઇકાલે સત્તાવાર રીતે ઘોષણા કરી હતી. ગત ફેબ્રુઆરીમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિદેશ મંત્રી સુષમા સ્વરાજ અને લઘુમતિ બાબતોના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીની સઉદીના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિનસલમાન સાથે થયેલી મુલાકાતના પરિણામે ભારતના હજ કવોટામાં રપ હજાર સુધીનો વધારો કરવામાં આવ્યો હતો. ચાલુ વર્ષે હજ યાત્રાએ જનારા ભારતીય યાત્રાળુઓની સંખ્યા વિક્રમી બે લાખ જેટલી હશે. તેઓ કોઇપણ સબસિડી વિના હજયાત્રાએ જશે. જેમાં ''મહેરમ'' વિના હજયાત્રાએ જનાર ૨૩૪૦ ભારતીય મુસ્લિમ મહિલાઓ પણ સામેલ છે.

(3:27 pm IST)