મુખ્ય સમાચાર
News of Monday, 22nd April 2019

દક્ષિણ મુંબઈથી કોંગ્રેસના ઉમેદવાર મિલિંદ દેવડાની સામે ફરિયાદ:ધર્મના આધારે મત માંગવાનો આરોપ

શિવસેનાએ દેરાસરો સામે નોન વેજનો વિરોધ કર્યાનો ઉલ્લેખ કરીને પાઠ ભણાવવા અપીલ

મુંબઈ :દક્ષિણ મુંબઈથી કોંગ્રેસના ઉમેદવાર મિલિંદ દેવડાની સામે FIR નોંધાઈ છે મિલિંદ દેવડા પર ધર્મના આધારે વોટ માંગવાનો આરોપ લાગ્યો છે.

  ફરિયાદમાં લખ્યુ છેકે, મિલિંદ દેવડાએ બીજી એપ્રિલે દક્ષિણ મુંબઈમાં પ્રચાર દરમ્યાન કહ્યુ હતુકે, શિવસેનાએ પર્યુષણ દરમ્યાન જૈન દેરાસરોની સામે નોનવેજ બનાવીને શાકાહારનો વિરોધ કર્યો હતો. એટલે જૈન સમુદાય તેમને ઈલેક્શનમાં પાઠ ભણાવે. મિલિંદ દેવડાની સામે IPC ધારા 171,125 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

    અત્રે ઉલ્લેખનીય છેકે, મિલિંદ દેવડા મુંબઈ કોંગ્રેસનાં અધ્યક્ષ પણ છે. તેમને આ પદ હાલમાં જ સામાન્ય ચૂંટણી પહેલા જ આપવામાં આવ્યુ છે. કોંગ્રેસની મુંબઈ ઓફિસના અધ્યક્ષ સંજય નિરૂપમને તેના પદ પરથી હટાવીને તેમની જગ્યાએ પૂર્વ કેન્દ્રિય મંત્રી મિલિંદ દેવડાને મુંબઈમાં કોંગ્રેસની કમાન સોંપવામાં આવી છે.

  એક તરફ જ્યાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સતત રિલાયન્સ ગ્રુપનાં ચેરમેન અનિલ અંબાણી પર નિશાન સાધી રહ્યા છે. ત્યારે તેમના જ મોટા ભાઈ મુકેશ અંબાણી દક્ષિણ મુંબઈનાં કોંગ્રેસનાં ઉમેદવાર મિલિંદ દેવડાનું સમર્થન કરી રહ્યા છે. મિલિંદ દેવડાએ કારોબારીઓ અને અધિકારીયોનાં સમર્થન સાથે જોડાયેલો વિડિયો શેર કર્યો હતો. જેમાં નાના કારોબારીઓ સિવાય રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનાં ચેરમેન મુકેશ અંબાણી અને કોટક મહિન્દ્રા બેંકનાં એમડી ઉદય કોટક પણ દેવડાને સમર્થન આપતા જોવા મળ્યા હતા.

(11:31 am IST)