મુખ્ય સમાચાર
News of Monday, 22nd April 2019

કેરળની પથાનામથિટ્ટા લોકસભા બેઠકના બીજેપીના ઉમેદવાર પર નોંધાયા છે ર૪ર કેસ

ગુનાહિત રેકોર્ડ છાપવા માટે અખબારનાં ૪ પેજ ભરાયાઃ ૬૦ સેકન્ડનો વિડીયો પણ બનાવાયો

કોચી તા. રર :.. લોકસભાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે એક એવો ઉમેદવાર સામે આવ્યો છે જેની વિરૂધ્ધ કેરળનાં વિવિધ પોલીસ  સ્ટેશનોમાં ર૪ર કેસ નોંધાયેલા છે. કેરળના પથાનામથિટ્ટા લોકસભાની સીટ પરથી ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ના ઉમેદવાર તરીકે ઉભા રહેલા સુરેન્દ્રન પર ર૪ર કેસ ચાલી રહ્યા છે. ચૂંટણીપંચે નિર્દેશ આપ્યા હતા કે લોકસભાની ચૂંટણીમાં ઉભા રહેલા ઉમેદવારોને અખબાર અને ટીવીમાં પોતાના ગુનાહીત રેકોર્ડની જાણકારી ફરજીયાત આપવી પડશે.

જયારે બીજેપીના સુરેન્દ્રને પોતાના ગુનાહિત રેકોર્ડ પોતાની પાર્ટીના મુખપત્રમાં છપાવ્યા ત્યારે અખબારનાં ચાર પેજ ભરાઇ ગયા હતાં. ત્યાં પાર્ટીની ટીવી-ચેનલ જન્મ ટીવી પર તેમના ગુનાહીત રેકોર્ડની જાણકારી આપવા માટે ૬૦ સેકન્ડનો લાંબો વિડીયો પણ બન્યો હતો.

ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રન પર જે ર૪ર કેસ ચાલી રહ્યા છે એમાંથી રરર કેસ તો સબરીમાલા આંદોલન દરમિયાન નોંધાયા હતાં. પાર્ટીનાં સુત્રોએ કહયું છે કે જો પાર્ટીના મુખપત્ર પર કે. સુરેન્દ્રનના ગુનાહિત રેકોર્ડની જાણકારી આપવામાં ન આવી હોય તો તેમની ઉમેદવારી પર ખતરો હતો, કારણ કે જો કોઇપણ અખબારમાં આ છાપવામાં આવત તો એનો ખર્ચ ૬૦ લાખ સુધી થઇ શકે એમ  હતું અને ચૂંટણીપંચ દ્વારા ઇલેકશનમાં ખર્ચ કરવાની એક સીમા નકકી કરવામાં આવી છે.

(11:28 am IST)