મુખ્ય સમાચાર
News of Monday, 22nd April 2019

ભાજપ પર હવે ગુજરાતીઓનો કબ્જો :અટલજીની પાર્ટી રહી નથી :મંત્રીપદેથી હટાવવા પડકાર ફેંકતા ઓમપ્રકાશ રાજભર

પૂર્વીય ઉત્તર પ્રદેશમાં તેમની પાર્ટી ભાજપને કારમો પરાજય આપશે

લખનૌ :યુપીમાં યોગી સરકારમાં કેબિનેટ મંત્રી અને ભાજપથી છેડો ફાડીને સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીની રચના કરનારા ઓમ પ્રકાશ રાજભરે સલેમપુરથી પોતાના ચૂંટણી પ્રચાર અભિયાનની શરુઆત કરી હતી. 

  પ્રચાર દરમિયાન તેમણે ભાજપની આગેવાની પર પ્રહારો કર્યા હતા અને ગુજરાતી લોકોએ તેના પર કબજો જમાવી લીધો છે તેવો આક્ષેપ કર્યો હતો. આ ઉપરાંત તેમણે ભાજપને પોતાને મંત્રીપદેથી હટાવવા માટે પડકાર પણ ફેંક્યો હતો. સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના અધ્યક્ષ ઓમ પ્રકાશે ભાજપ અટલજીની પાર્ટી ન રહી હોવાનો અને તેના પર ગુજરાતીઓએ કબજો જમાવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો.

   આ ઉપરાંત તેમણે પોતે મંત્રી પદેથી રાજીનામુ નહીં આપે તેમ કહીને ભાજપ ભલે પોતાને મંત્રી પદેથી બરતરફ કરે તેમ જણાવેલું. વધુમાં તેમણે દાવો કર્યો હતો કે પૂર્વીય ઉત્તર પ્રદેશમાં તેમની પાર્ટી ભાજપને કારમો પરાજય આપશે અને આઝમગઢ લોકસભા બેઠક પર સપા અધ્યક્ષ અખિલેશ યાદવ ભાજપના ઉમેદવારને હરાવશે. રાજભરની પાર્ટીએ યુપીમાં ૩૯ લોકસભા ઉમેદવારો ઉતાર્યા છે જે પૈકીના ચાર રાજ્યની વિધાનસભામાં ધારાસભ્યો છે.

(11:26 am IST)