મુખ્ય સમાચાર
News of Monday, 22nd April 2019

શું ભાજપ ફરી ૨૬ બેઠકો જીતી શકશે ? ગુજરાતભરમાં એક જ ચર્ચા

૨૦૧૪માં તમામ ૨૬ બેઠકો જીતનાર ભાજપ માટે આ વખતે બધી બેઠકો જીતવાનો સરળ નથીઃ છેલ્લા પાંચ વર્ષમાં અનેક રાજકીય ઘટનાઓ બની જેની અસર પડી શકે છેઃ પાટીદાર સમુદાયના મત ભાજપ અને કોંગ્રેસ વચ્ચે વહેંચાઈ શકે છેઃ જીએસટી, પટેલ અનામત, નોટબંધી અને ખેડૂતોનું ફેકટર મહત્વનું બનશે

નવી દિલ્હી, તા. ૨૨ :. લોકસભાના ત્રીજા તબક્કાની ચૂંટણીમા ભાજપ માટે ગુજરાત સૌથી મહત્વનુ છે. આના અનેક કારણો છે. એક તો પીએમ મોદી અને ભાજપ અધ્યક્ષ શાહનુ ગૃહરાજ્ય છે. બીજુ ગત ચૂંટણીમાં રાજ્યની તમામ ૨૬ બેઠકો ભાજપે જીતી હતી પરંતુ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે ભાજપને જોરદાર ટક્કર આપી હતી. એવામાં ભાજપ માટે આ વખતે રાજ્યની તમામ લોકસભાની બેઠકો બચાવવાનું સરળ નહિ રહે.

૨૦૧૪ની ચૂંટણીમાં હિન્દુ રાજ્યોમાં ભાજપે જોરદાર દેખાવ કર્યો હતો. માત્ર એક બીન હિન્દી રાજ્ય ગુજરાત હતુ જ્યાં ભાજપે તમામ ૨૬ બેઠકો જીતી હતી. ત્યારે એવુ માનવામા આવ્યુ હતુ કે પીએમ મોદીના મુખ્યમંત્રીકાળની ઉપલબ્ધિઓ અને તેમને પીએમ બનાવવા માટે લોકોએ એક જુથ થઈ ભાજપને જીતાડયુ હતું. પરિણામ એ આવ્યુ કે ૨૦૦૯માં ગુજરાતની ૧૧ બેઠક જીતનાર કોંગ્રેસ ગત ચૂંટણીમાં ગુજરાતથી એક પણ બેઠક જીતવામાં નિષ્ફળ રહી હતી. ભાજપે રેકોર્ડ ૫૯ ટકા મત મેળવ્યા હતા. જ્યારે કોંગ્રેસને ૩૩ ટકા મતો મળ્યા હતા.

છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં અનેક રાજકીય ઘટનાઓ બની છે. જે આ વખતની ચૂંટણીમાં અસર પાડી શકે છે. સૌથી મોટો ઘટનાક્રમ ઓબીસી દરજ્જા માટે પાટીદાર આંદોલન છે. હાર્દિક પટેલના નેતૃત્વમાં ૨૦૧૫માં મોટું આંદોલન થયુ હતું. હાર્દિક હવે કોંગ્રેસમાં છે અને ભાજપને હરાવવામાં લાગ્યો છે. ગુજરાતમાં ૨૧ ટકા પાટીદારો છે. જેમણે ગત ચૂંટણીમાં ભાજપનો સાથ આપ્યો હતો. માનવામાં આવે છે કે આ વખતે પટેલ સમુદાયના મત ભાજપ અને કોંગ્રેસ વચ્ચે વહેંચાય શકે છે.

ગુજરાતમાં ડીસેમ્બર ૨૦૧૭માં વિધાનસભાની ચૂંટણીના પરિણામો આ ચૂંટણીમાં અસર પાડી શકે છે. વિધાનસભાની ચૂંટણીના પરિણામો દર્શાવે છે કે રાજ્યમાં કોંગ્રેસ મજબુત થઈ છે. લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ૩૩ ટકા વોટ મળ્યા હતા જ્યારે વિધાનસભાની ચૂંટણીમાં આ ટકાવારી વધીને ૪૧ ટકા થઈ હતી. એટલે કે ૮ ટકાનો વધારો થયો હતો. જ્યારે ભાજપની મતોની ટકાવારી ૫૯થી ઘટીને ૪૯ ટકા થઈ ગઈ હતી. વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની ૨૦ બેઠકો વધી તો ભાજપની ૧૬ બેઠકો ઘટી હતી. રાજકીય પંડીતોના જણાવ્યા પ્રમાણે જો વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખવામાં આવે તો ભાજપને ૯ બેઠકોની નુકશાન થઈ શકે છે.

રાજ્યના મહત્વના મુદ્દાઓમાં આ વખતે જીએસટી, પાટીદાર અનામત, નોટબંધી અને ખેડૂતોની સમસ્યાઓ છે. સૌથી મોટા પટેલ સમુદાય વચ્ચે આ બધા મુદ્દા હાવી છે, કારણ પટેલ ખેડૂત પણ છે, વેપારી પણ છે અને અનામતની માંગણી સાથે જોડાયેલા છે.

ભાજપ ગુજરાતના ગૌરવના મુદ્દે આ ચૂંટણીમા ઉતર્યુ છે. ભાજપના અધ્યક્ષ શાહ અહીંથી ચૂંટણી લડી રહ્યા છે. મોદીને ફરીથી પીએમ બનાવવા ગુજરાતની જનતાને અપીલ કરવામાં આવી રહી છે. ભાજપનો તર્ક છે કે જ્યારે મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા તો કેન્દ્રમાં ૧૦ વર્ષ કોંગી સરકાર હતી જેણે રાજ્યનો વિકાસ થવા દીધો નહતો. જ્યારે છેલ્લા ૫ વર્ષમાં મોદી સરકારે રાજ્ય માટે ઘણુ કર્યુ અને આગળ પણ કરશે.

(10:08 am IST)