મુખ્ય સમાચાર
News of Monday, 22nd April 2019

સરકારી મહેમાન

જ્યારે પંડિત નહેરૂએ કહ્યું- આ યુવાન MP એક દિવસ ભારતનો વડાપ્રધાન બનશે, અને બન્યો

1952માં હાર્યા પછી વાજપેયીએ 1957માં ત્રણ જગ્યાએથી ચૂંટણી લડી-- પાંચ વખત હાર્યા છે : વડાપ્રધાન બન્યા પછી વાજપેયીએ નહેરૂની તસવીર પાછી લગાવી, વિદેશ નીતી બદલી નહીં : રિક્ષા માટે ઉભા પણ ના મળી એટલે પત્રકારના સ્કૂટર પર બેસી કોન્ફરન્સ સ્થળે પહોંચી ગયા

ગુજરાતમાં ચૂંટણી પ્રચારની બઘી મર્યાદાઓ તૂટી છે. માત્ર 2019ની ચૂંટણીમાં જ ગાળો બોલાય છે તેવું નથી. 2001 પછી આવેલી તમામ ચૂંટણીમાં રાજકીય નેતાઓએ મર્યાદા ઓળંગી છે. દેશમાં વિકાસ થાય તે માટેના મુદ્દાઓ ચૂંટણીમાં ચર્ચાતા નથી. એક બીજા નેતાઓને હલકા ચિતરવાની ગંદી રાજનીતિની આ શરૂઆત છે. ચૂંટણીની જનસભાઓમાં જનતા એકત્ર થતી નથી તેનું આ મોટું કારણ છે. ભારતમાં જ્યારે જ્યારે અટલ બિહારી વાજપેયીની સભાઓ થતી હતી ત્યારે દૂર દૂરથી લોકો તેમને સાંભળવા જતા હતા. કોંગ્રેસના નેતાએ પ્રથમ હરોળમાં બેસવા માટે સભાસ્થળે વહેલા પહોંચી જતા હતા.

અત્યારે રાજનેતાઓમાં મર્યાદા રહી નથી...

આજે શાલિનતા રહી નથી. તમામ પક્ષના નેતાઓ બોલવામાં કોઇ મર્યાદા રાખતા નથી. જનરેશન બદલાઇ ગઇ છે. કુતરા, હરામજાદા, હિટલર, ફેંકુ, પપ્પુ, ગેંડો, ભેંસ, શિયાળ, કાગડો, નીચ, હલકટ, નાલાયક, મૌત કા સૌદાગર, નપુસંક, બુદ્ધિનો બળદ અને કાચિંડા જેવા શબ્દ પ્રયોગો છેલ્લી ત્રણ-ચાર ચૂંટણીમાં સાંભળવા મળ્યાં છે. આપણા રાજકારણનું સ્તર આ લેવલ સુધી પહોંચી ગયું છે છતાં કહેવાય છે મેરા ભારત મહાન. લોકસભાની ચૂંટણીમાં વાજપેયી એ જ્યારે સભાઓ સંબોધી હતી ત્યારે પ્રતિસ્પર્ધીઓ માટે કેવા શબ્દ પ્રયોગ કરતા હતા તે તેમની સભાના આ અંશો પરથી માલૂમ પડે છે. કોઇ હલકો શબ્દ પ્રયોગ તેમના પ્રવચનમાં જોવા મળતો ન હતો.

વાજપેયીના સાંસદ જીવનના અંશો...

1952માં લખનૌમાં પહેલી લોકસભા ચૂંટણી હારી ગયેલા અટલ બિહારી વાજપેયીને જનસંઘે 1957માં ફરીથી ઉમેદવાર બનાવ્યા હતા પરંતુ એ વખતે જનસંઘે સલામત ગેઇમ રમીને તેમને લખનૌ, મથુરા અને બલરામપુરથી ચૂંટણી લડાવી હતી. લખનૌમાં વાજપેયી બીજા ક્રમે રહ્યાં હતા. કોંગ્રેસના પુલિન બિહારી બેનરજીએ તેમને હરાવ્યા હતા. મથુરામાં પણ વાજપેયીને હારનો સામનો કરવો પડ્યો હતો. અપક્ષ ઉમેદવાર રાજા મહેન્દ્ર પ્રતાપે વાજપેયીને ચોથાનંબરે મોકલી દીધા હતા પરંતુ બલરામપુરની બેઠકે વાજપેયીને લોકસભામાં મોકલી દીધા હતા. જો કે વાજપેયીને મળેલા મતની સરસાઇ માત્ર 9812 હતી. પાર્ટીના સ્થાપક શ્યામાપ્રસાદ મુકરજીના નિધન પછી જનસંઘ પાસે કોઇ સારો વક્તા ન હતો. પંડિત દિનદયાલ ઉપાધ્યાયની ઇચ્છા હતી કે વાજપેયી સંસદમાં પહોંચે. તે સમયે વાજપેયી 33 વર્ષના હતા.

સુભદ્રા જોષીએ વાજપેયીને હરાવ્યા હતા...

કિંશુક નાગ એ લખેલા એક પુસ્તક વાજપેયી-- એ મેન ફોર ઓલ સિઝન --માં ઉલ્લેખ છે કે જનસંઘમાં ટિકીટ લેવા કોઇ તૈયાર ન હતું. મોટાભાગના ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થતી હતી. 1962માં લોકસભાની ચૂંટણીમાં વાજપેયી સામે કોંગ્રેસમાં જવાહરલાલ નહેરૂએ સુભદ્રા જોશીને મેદાનમાં ઉતાર્યા હતા. તેણીએ વાજપેયીને 2052 મતોથી હરાવ્યા હતા. વાજપેયી 1962માં રાજ્યસભામાં ગયા હતા પરંતુ 1967માં ચૂંટણી આવતા તેઓ બલરામપુર બેઠક પરથી ઉમેદવાર બન્યા હતા. ફરીવાર તેમની સામે સુભદ્રા જોષી હતા પરંતુ આ વખતે જવાહરલાલ નહેરૂ ન હતા તેથી સુભદ્રા જોષી હારી ગયા હતા. 1971માં વાજપેયી અને સુભદ્રા જોષી બલરામપુરથી ચૂંટણી લડ્યા ન હતા.

વાજપેયી પાંચ વખત લોકસભા હાર્યા છે...

વાજપેયી 1952 થી 2004 સુધી લોકસભાની ચૂંટણી લડ્યા હતા પરંતુ પાંચ વખત હારી ગયા હતા. 1967માં તેઓ ફરી લોકસભા લડ્યા હતા પરંતુ સફળતા મળી ન હતી પરંતુ પેટાચૂંટણીમાં તેઓ જીતી ગયા હતા. 1971માં ગ્વાલિયર બેઠક પરથી ચૂંટાઇને તેઓ સંસદમાં પહોંચ્યા હતા. ઇમરજન્સી પછી 1977માં અને 1980માં થયેલી ચૂંટણી તેઓ નવી દિલ્હીથી લડ્યા હતા અને વિજયી બન્યા હતા. 1984માં ફરીથી તેઓ ગ્વાલિયરથી ઉમેદવાર બન્યા પરંતુ કોંગ્રેસે માધવરાવ સિંધિયાને ઉમેદવાર બનાવી દેતાં વાજપેયી 1.75 લાખ મતોથી ચૂંટણી હાર્યા હતા.

માધવરાવ અને વાજપેયીનો સંવાદ...

વાજપેયીએ સંસદ પરિસરમાં જ્યારે માધવરાવને કહ્યું કે તમે ગ્વાલિયરથી ચૂંટણી લડવાના છો તો તેમણે ઇન્કાર કર્યો હતો પરંતુ કોંગ્રેસે અચાનક તેમની ઉમેદવારી ગ્વાલિયરથી કરાવી હતી. વાજપેયીને બીજી બેઠક પસંદ કરવાનો મોકો મળ્યો ન હતો અને સિંધિયાથી હારનો સામનો કરવો પડ્યો હતો. 1991માં લખનૌ અને વિદિશા બેઠકથી ચૂંટણી લડી અને બન્ને જગ્યાએથી તેઓ જીત્યા હતા. 1996માં હવાલા કાંડમાં નામ આવતાં અડવાણી ગાંધીનગરથી ચૂંટણી લડ્યા ન હતા. તેમણે વાજપેયી માટે બેઠક ખાલી કરી આપી હતી. વાજપેયી આ સમયે પણ ગાંધીનગર અને લખનૌ એમ બે જગ્યાએથી ચૂંટણી લડ્યા હતા અને બન્ને જગ્યાએ જીત્યા હતા. 1998, 1999 અને 2004ની લોકસભા ચૂંટણીમાં લખનૌથી તેઓ સંસદસભ્ય થયા હતા. તેઓ પાંચ વખત લોકસભાની ચૂંટણી હારી ગયા હતા.

નહેરૂ નવા સાંસદોનો બોલવાનો મોકો આપતા...

સંસદમાં વાજપેયીની ખાસિયત હતી કે કોઇપણ કાગળ વિના તેઓ કોઇપણ મુદ્દે બોલતા હતા. તેમની સભામાં તમામ વિચારશરણી વાળા લોકો સાંભળવા આવતા હતા. તેમનું વ્યક્તિત્વ એવું હતું કે હારેલી બાજી જીતી લેતા હતા. ચૂંટણી માટે જ્યાં પણ જતા હતા ત્યાં તેમનો સમર્થન ગ્રાફ ભાષણ પછી વધી જતો હતો. 1957માં પહેલીવાર તેઓ સંસદમાં ગયા હતા. તે સમયે જવાહરલાલ નહેરૂ વડાપ્રધાન હતા. તેઓ નવા સાંસદોને બોલવાનો મોકો આપતા હતા અને ધ્યાનથી સાંભળતા હતા. સંસદમાં ગયા પછી વાજપેયી પાસે બે હથિયાર-- મર્યાદા અને આચરણ હતા. આ કારણોથી એવો મોકો નથી આવ્યો કે તેમની વાતોથી કોઇએ વિરોધ કર્યો હોય કે સંસદમાં તોફાન થયું હોય.

તો પછી અમને બોલવા કેમ દેતા નથી...

લોકસભાના પૂર્વ અધ્યક્ષ અનંતશયનમ અયંગારે એક વખત કહ્યું હતું કે લોકસભામાં અંગ્રેજીમાં હીરેન મુખરજી અને હિંદીમાં અટલ બિહારી વાજયેપીથી સારા બીજા કોઈ વક્તા નથી. જ્યારે વાજપેયીના અંગત મિત્ર એવા અપ્પા ઘટાટેએ તેમને આ વાત જણાવી તો વાજપેયી જોરથી હસ્યા અને બોલ્યા, 'તો પછી બોલવા કેમ નથી દેતા.' જોકે, એ સમયમાં વાજપેયી બૅક બૅન્ચર ગણાતા હતા પણ નહેરુ બહુ જ ખંતપૂર્વક વાજપેયી દ્વારા ઉઠાવાતા મુદ્દાઓને સાંભળતા હતા.

બાબરી મસ્જીદ તોડનારા સામે આવે...

અયોધ્યા મામલા પછી વાજપેયીએ લોકસભામાં જે ભાષણ આપ્યું હતું તે કોઇ રાજનેતા આપી શકે નહીં. તેમણે કહ્યું હતું કે જે લોકોએ બાબરી મસ્જીદ તોડવામાં હિસ્સો લીધો છે તેઓએ સામે આવવું જોઇએ અને જવાબદારી લેવી જોઇએ. તેઓ તેમના ભાષણોમાં એવા શબ્દોનો પ્રયોગ કરતા હતા કે બીજા નેતાઓને થોડા સમય પછી સમજાતું હતું. વિષય બહુ કઠીન હોય તો તેઓ કહેવતો અને કાવ્યોથી તેને સરળ બનાવી દેતા હતા. સાંભળતા વ્યક્તિને લાગે કે વાજપેયી કોઇ નવી વાત કહી રહ્યાં છે.

ઇન્દિરાજી મને હિટલર કેમ કહો છો...

1971ની એક સભામાં વાજપેયીએ કહ્યું હતું કે ઇન્દિરા ગાંધી મારી તુલના હિટલર સાથે કરે છે. એક વખત તેમણે ઇન્દિરાને પૂછ્યું કે-- મારી તુલના હિટલર સાથે કેમ કરો છો... તો ઇન્દિરાએ જવાબમાં કહ્યું કે-- તમે બાંહ્યો ચઢાવીને સભાઓમાં બોલો છે એટલે તમારી હિટલરથી કરૂં છું. આ સમયે વાજપેયીએ કહ્યું કે-- શું હું તમારી જેમ પગ ઉઠાવીને ભાષણ કરૂં... આ તેમના વ્યંગની રીત હતી. આ વ્યંગથી તેમનું ભાષણ રોચક બની જતું હતું. આ સાથે ગંભીર મુદ્દાઓ પણ હતા. ચિંતા પણ હતી જે કોઇપણ રાષ્ટ્રીય નેતાના ભાષણમાં હોવી જોઇએ.

યુએનમાં આપેલું ભાષણ વખણાયું હતું....

1977માં યૂએનમાં તેમણે આપેલું ભાષણ ખૂબ મશહૂર થયું હતું. તેમણે કહ્યું હતું કે સમગ્ર સંસાર એક પરિવાર છે. હું રાષ્ટ્રોની સત્તા અને મહત્તા અંગે વિચારતો નથી. આમ આદમીની પ્રતિષ્ઠા અને પ્રગતિ મારા માટે ખૂબ મહત્વની છે. રંગભેગ દૂર થવો જોઇએ. ભારત તમામ દેશો સાથે મિત્રતા ઇચ્છે છે અને કોઇપણ દેશ ઉપર પ્રભુત્વ સ્થાપિત કરવા માગતો નથી. પોખરણ પરમાણું પરિક્ષણ પછી આપેલું વક્તવ્ય પણ વખણાયું હતું. વાજપેયીએ કહ્યું હતું કે દેશની રક્ષા માટે આત્મનિર્ભર હોવું જરૂરી છે.

અવિશ્વાસ પ્રસ્તાવ આજે પણ લોકો યાદ કરે છે...

પાર્લામેન્ટમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર વાજપેયીએ જે પ્રવચન કર્યું હતું તેને આજે પણ નેતાઓ યાદ કરે છે. તેમણે કહ્યું હતું કે આ સંસદમાં એક એક વ્યક્તિ પાર્ટી છે અને તેઓ અમને દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. આવી પાર્ટીઓનો દેશની સેવા કરવાનો ઇરાદો અલગ છે. તેઓ તેમના રાજ્યમાં અલગ હોય છે પરંતુ દિલ્હી આવીને બીજી પાર્ટીથી હાથ મિલાવે છે. અમારી પાસે નંબર નથી પણ અમે સૌથી મોટી પાર્ટી છીએ. અમે સંસદ ચાલે તેમાં મદદ કરીશું. કોંગ્રેસના નેતાઓને બુદ્ધિપૂર્વક કટાક્ષ કરી વાજપેયી જનતાને ખુશ કરી દેતા હતા. કોંગ્રેસના નેતાઓની વચ્ચે બેસીને ભોજન પણ તેઓ કરતા હતા. ચૂંટણી પ્રચારમાં ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીની હસતા હસતા મજાક પણ કરી લેતા હતા.

જવાહરલાલ નહેરૂના શબ્દો સાચા પડ્યા...

કિંગશુક નાગ પોતાના પુસ્તક 'અટલ બિહારી વાજપેયી : અ મૅન ફૉર ઑલ સીઝન'માં લખે છે કે એક વખત નહેરુએ ભારત પ્રવાસ પર આવેલા બ્રિટિશ વડાપ્રધાન સાથે વાજપેયીની મુલાકાત કરાવતા કહ્યું હતું, 'આમને મળો, આ વિપક્ષના ઊભરી રહેલા યુવા નેતા છે. હંમેશાં મારી ટિકા કરે છે. પણ એમનામાં ભવિષ્યની ભારે સંભાવના છે.' તો વધુ એક વિદેશી મહેમાનને નહેરુએ વાજપેયીની ઓળખ સંભવિત ભાવી વડા પ્રધાનના રૂપે પણ કરી હતી. સામે પક્ષે વાજપેયીના મનમાં પણ નહેરૂ ઉપર ભારે સન્માન હતું. 1977માં વાજયેપી વિદેશ મંત્રી બન્યા હતા. તેમની ઓફિસ સાઉથ બ્લૉક સ્થિત હતી જ્યાં અંદર દિવાલ પર નહેરુની તસવીર ગાયબ હતી. વાજપેયીએ તાત્કાલિક તેમના સચિવને પૂછ્યું કે અહીં દિવાલ પર નહેરૂની તસવીર હતી એ ક્યાં છે? વાજપેયીએ આદેશ આપ્યો કે એ તસવીર ફરીથી એ જગ્યાએ લગાવવામાં આવે જ્યાં તે હતી. વાજપેયી એ ખુરશી પર બેઠા જ્યાં નહેરુ બેસતા હતા. ત્યારબાદ તેમના મોઢામાંથી નીકળ્યું, 'ક્યારેય વિચાર્યું પણ નહોતું કે એક દિવસ આ રૂમમાં બેસીશ.' વિદેશમંત્રી બન્યા બાદ તેમણે નહેરુની વિદેશ નીતિમાં કોઈ ખાસ્સો બદલાવ કર્યો ન હતો.

સભામાં નહીં સંસદમાં ભાષણની તૈયારી કરતા હતા...

વાજપેયીના અંગત સચિવ શક્તિ સિન્હા કહેતા હતા કે સાર્વજનિક ભાષણ માટે વાજપેયી કોઈ ખાસ તૈયારી નહોતા કરતા પરંતુ લોકસભાના ભાષણ માટે તેઓ ખૂબ તૈયારીઓ કરતા હતા. સંસદના પુસ્તકાલયમાંથી પુસ્તકો, પત્રિકાઓ અને છાપાંઓ મંગાવીને વાજપેયી મોડી રાત સુધી પોતાનાં ભાષણો પર કામ કરતા હતા. તેઓ પૉઇન્ટ્સ બનાવતા અને તેમની પર વિચાર્યા કરતા. તેઓ સમગ્ર ભાષણ ક્યારેય નહોતા લખતા પરંતુ તેમને ખબર રહેતી કે આગલા દિવસે લોકસભામાં શું-શું બોલવું છે. જો કે ચૂંટણીની જનસભામાં વાજપેયી લખેલું વાંચતા ન હતા.

એલકે અડવાણીની નિખાલસ કબૂલાત...

અટલ બિહારી વાજપેયીના અંગત મિત્ર લાલકૃષ્ણ અડવાણીએ એક વખત બીબીસીને જણાવ્યું કે અટલજીના ભાષણોથી તેઓ હંમેશાં લઘુગ્રંથિથી પિડાતા હતા. અડવાણીએ જણાવ્યું હતું, જ્યારે અટલજી ચાર વર્ષ સુધી ભારતીય જનસંઘમાં રાષ્ટ્રીય અધ્યક્ષ હતા ત્યારે તેમણે મને અધ્યક્ષ બનાવવાની દરખાસ્ત કરી હતી. મેં એવું કહીને ના પાડી દીધી હતી કે મને તેમની જેમ ભીડ સામે ભાષણ આપતા નથી આવડતું. તેમણે કહ્યું કે સંસદમાં તો તું સારું બોલે છે. મેં કહ્યું કે સંસદમાં બોલવું અને ભીડ સમક્ષ બોલવું અલગ બાબત છે. ત્યારબાદ હું પક્ષમાં અધ્યક્ષ બન્યો પરંતુ મને આજીવન અફસોસ રહ્યો કે હું તેમની જેમ ભાષણ ન આપી શક્યો.

શરમાળ પ્રકૃત્તિના કારણે લોકોને સાંભળતા હતા...

રસપ્રદ બાબત એ છે કે હજારોની ભીડ સામે ભાષણ આપનાર વાજપેયી અંગત જીવનમાં અંતર્મુખી અને શરમાળ હતા. જો ચાર-પાંચ લોકો તેમને ઘેરી વળ્યાં હોય, તો તેઓના મુખમાંથી ખૂબ ઓછા શબ્દો નીકળતા હતા. પરંતુ તેઓ બીજાની વાત કાળજીપૂર્વક સાંભળતા અને સમજી વિચારીને તેનો જવાબ આપતા. એક-બે મિત્રો સાથે તેઓ ખુલ્લીને ચર્ચા કરતા હતા. મણીશંકર ઐયરે લખ્યું હતું કે વાજપેયી પહેલીવાર 1978માં વિદેશમંત્રી તરીકે પાકિસ્તાન ગયા, ત્યારે તેમણે શુદ્ધ ઉર્દૂમાં ભાષણ આપ્યું હતું. તે સમયે પાકિસ્તાનના વિદેશ મંત્રી આગા શાહી હતા. ચૈન્નઈમાં જન્મવાને કારણે તેમને વાજપેયીની શુદ્ધ ઉર્દૂ સમજાઈ નહોતી. એક વખત નવાઝ શરીફ ન્યૂયૉર્કમાં વાજપેયી સાથે વાતો કરી રહ્યા હતા. થોડીવાર બાદ શરીફને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરવાની હતી. તેમને એક કાપલી મોકલવામાં આવી કે હવે વાતચીત બંધ કરવામાં આવે જેથી કરીને તેઓ ભાષણ માટે જઈ શકે. કાપલી વાંચીને શરીફે વાજપેયીને કહ્યું, 'ઇઝાઝત હૈ...' શરીફ થોભ્યા અને ફરીથી કહ્યું, 'આજ્ઞા હૈ...વાજપેયીએ હસતા જવાબ આપ્યો કે, ઇઝાઝત હૈ...

એક પત્રકારના સ્કૂટર પર બેસી ગયા...

જાણીતા પત્રકાર અને અનેક અખબારના સંપાદક રહેલા એચ. કે. દુઆ કહે છે-- એક વાર હું મારા સ્કૂટર પર એક પત્રકાર પરિષદને કવર કરવા માટે કૉન્સ્ટિટ્યૂશન ક્લબ જઈ રહ્યો હતો. આ પરિષદને અટલ બિહારી વાજપેયી સંબોધિત કરવાના હતા. હું એ જમાનામાં યુવા1ન રિપોર્ટર હતો. રસ્તામાં મેં જોયું કે જનસંઘના અધ્યક્ષ વાજપેયી એક ઑટો રોકવાનો પ્રયાસ કરી રહ્યા હતા. મેં સ્કૂટર ધીમું કરીને વાજપેયીને ઑટો રોકાવવાનું કારણ પૂછ્યું. તેમણે કહ્યું કે તેમની કાર ખરાબ થઈ ગઈ છે. મેં કહ્યું કે તમારી ઇચ્છા હોય તો મારા સ્કૂટર પર આવી શકો છો. વાજપેયી મારા સ્કૂટર પર પાછળ બેસીને પત્રકાર પરિષદ સંબોધિત કરવા માટે આવ્યા હતા. અમે જ્યારે ત્યાં પહોચ્યા તો જગદીશ ચંદ્ર માથુર અને જનસંઘના કેટલાક નેતાઓ અમારી રાહ જોઈ રહ્યા હતા. માથુરે અમને જોતા જ મજાક કરી "કાલે એક્સપ્રેસમાં છપાશે વાજપેયી રાઇડ્સ દુઆસ સ્કૂટર" વાજપેયીએ હસતા હસતા જવાબ આપ્યો ના હેડલાઇન હશે "દુઆ ટૅક્સ વાજપેયી ફોર રાઇડ."

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

 

 

(8:44 am IST)