મુખ્ય સમાચાર
News of Monday, 22nd April 2019

લોકસભા ચુંટણી : ત્રીજા ચરણના પ્રચારનો અંત : મંગળવારે મતદાન

ગુજરાતની ૨૬ સહિત ૧૧૬ સીટ પર મંગળવારે મતદાન યોજાશે : ત્રીજા તબક્કાની ચુંટણી માટે પ્રચારનો અંત આવે તે પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, રાહુલ ગાંધી સહિતના બધા દિગ્ગજોએ પ્રચારમાં તમામ તાકાત લગાવી

નવી દિલ્હી, તા.૨૧ : ૧૩ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોને આવરી લેતી લોકસભાની ૧૧૬ બેઠકો પર ત્રીજા તબક્કા માટે મતદાનને લઈને ભારે ઉત્સુકતા છે. આજે ત્રીજા તબક્કા માટે ચુંટણી પ્રચારનો અંત આવ્યા બાદ હવે ઘરે ઘરે જઈને પ્રચારની શરૂઆત થશે. આ વખતે ત્રીજા તબક્કામાં ગુજરાતમાં પણ તમામ ૨૬ બેઠક પર મતદાન યોજાનાર છે. તમામ ઉમેદવારોના ભાવિ ૨૩મી એપ્રિલના દિવસે મતદાન બાદ સીલ થશે. ૧૧૬ બેઠકો, ૧૩ રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આવેલી છે. ત્રીજા તબક્કામાં જ્યાં મતદાન યોજાનાર છે તેમાં ગુજરાતમાં તમામ ૨૬, કેરળમાં ૨૦, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ૧૪-૧૪ ઉત્તરપ્રદેશમાં ૧૦, છત્તીસગઢમાં સાત બેઠકો પર મતદાન થશે. જમ્મુ-કાશ્મીરમાં એક બેઠક ઉપર મતદાન થશે. બીજી બાજુ આજે લોકસભા ચુંટણીના પાંચમાં તબક્કા માટે ઉમેદવારી ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. ઉમેદવારી પાછી ખેંચવા માટેની તારીખ હવે સોમવારના દિવસે રહેશે. પાંચમાં તબક્કામાં સાત રાજ્યોને આવરી લેતી ૫૧ બેઠકો પર મતદાન થશે. ચુંટણીને લઈને અભૂતપૂર્વ તૈયારીઓ કરી લેવામાં આવી છે. હજુ સુધી બે તબક્કામાં મતદાન થઈ ચુક્યું છે. ૧૮૬ બેઠક પર મતદાન થયું છે. ૧૧મી એપ્રિલના દિવસે પ્રથમ તબક્કામાં અને ૧૮મી એપ્રિલના દિવસે બીજા તબક્કામાં મતદાન થયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી માટેના કાર્યક્રમની ચૂંટણી પંચે ૧૦મી માર્ચના દિવસે  જાહેરાત કરી દીધી હતી. આની સાથે લોકસભા ચૂંટણી માટેનું રણશિંગુ ફુંકાઈ ગયું હતુ.  ચૂંટણી પંચે લોકસભાની કુલ ૫૪૩ સીટો ઉપર સાત તબક્કામાં ચૂંટણી માટેના કાર્યક્રમની જાહેરાત કરી હતી જે સાત તબક્કામાં મતદાન યોજાનાર છે તે પૈકી પ્રથમ તબક્કામાં ૧૧મી એપ્રિલના દિવસે અને બીજા તબક્કામાં ૧૮મી એપ્રિલના દિવસે મતદાન થયું હતું. હવે ત્રીજા તબક્કામાં ૨૩મી, ચોથા તબક્કામાં ૨૯મી એપ્રિલના દિવસે મતદાન યોજાશે જ્યારે પાંચમાં તબક્કામાં છઠ્ઠી મે, છઠ્ઠા તબક્કામાં ૧૨મી મે અને ૧૯મી મેના દિવસે સાતમાં તબક્કામાં મતદાન થશે.તમામ તબક્કાની મતગણતરી એક સાથે ૨૩મી મેના દિવસે યોજાશે. આનો મતલબ એ થયો કે, ૧૭મીલોકસભામાં સત્તાની ચાવી કોની પાસે આવશે તે અંગેનો ફેંસલો ૨૩મી મેના દિવસે થશે. પ્રથમ તબક્કામાં ૨૦ રાજ્યોમાં ૯૧ સીટો ઉપર મતદાન થયુ હતુ.   બીજા તબક્કામાં ૧૨ રાજ્યોની ૯૫ સીટ પર મતદાન થયું હતું. ત્રીજા તબક્કામાં મંગળવારના દિવસે ૧૩ રાજ્યોને આવરી લેતી ૧૧૬ બેઠકો ઉપર મતદાન થશે. ચોથા તબક્કામાં નવ રાજ્યોમાં સાત સીટો ઉપર મતદાન થનાર છે. પાંચમાં તબક્કામાં સાત રાજ્યોની ૫૧ સીટો ઉપર મતદાન યોજાનાર છે.  છઠ્ઠા તબક્કામાં સાત રાજ્યોની ૫૯ સીટો ઉપર મતદાન થશે જ્યારે સાતમા અને અંતિમ તબક્કા માટે આઠ રાજ્યોની ૫૯ સીટ ઉપર મતદાન થશે. આ વખતે  તમામ મતદાન મથકો ઉપર વીવીપેટની વ્યવસ્થા કરવામાં આવી હતી. આનાથી વોટરો એ બાબતને જાણી શકે છે કે  તેમના મત યોગ્ય ઉમેદવારને પડ્યા છે કે કેમ. આ વખતે ઇવીએમની અનેક સ્તર પર સુરક્ષાની ખાતરી કરવામાં આવી છે.તમામ મતદાન કેન્દ્રો ઉપર આ વખતે સીસીટીવી કેમેરા પહેલાથી જ ગોઠવી દેવામાં આવ્યા છે.  જેના મારફતે મતદાન પર નજર રાખવામાં આવી રહી છે.  ચૂંટણી પ્રક્રિયાની વિડિયોગ્રાફી કરવામાં આવી રહી છે. સામાન્ય ચૂંટણીમાં આ વખતે કુલ ૯૦ કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. રસપ્રદ બાબત એ છે કે, આ પ્રથમ એવી ચૂંટણી છે જ્યારે ૨૧મી સદીમાં જન્મેલા લોકો મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે.  ૨૦૧૪માં ચૂંટણી દરમિયાન આ સદીમાં જન્મેલા લોકોની વય ૧૮ વર્ષની ન હતી. લોકસભાની ચૂંટણીને લઇને મતદારોમાં ભારે ઉત્સાહ દેખાઇ રહ્યો છે. કરોડો મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરવા માટે સજ્જ દેખાઇ રહ્યા છે.  ત્રીજા તબક્કાની ચૂંટણી માટે  પ્રચારનો આજે રવિવારના દિવસે અંત આવ્યો હતો. ત્રીજા તબક્કા માટે ચૂંટણી પહેલા પ્રચારમાં ભાજપ તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, રાજનાથ સિંહ,  તેમજ કેન્દ્રિય પ્રધાનોએ જવાબદારી સંભાળી હતી. કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધીએ તમામ તાકાત લગાવી દીધી હતી. પ્રચારનો અંત આવ્યા બાદ હવે ડોર ટુ ડોર પ્રચાર કરી શકાશે. લાઉડ સ્પીકરોનો ઉપયોગ થઈ શકશે નહીં.

ત્રીજા દોરમાં ક્યાં કેટલી બેઠકો પર મતદાન થશે

૧૩ રાજ્યોની બેઠકો પર મતદાન

૧૭મી લોકસભાન ચુંટણી માટે મતદાનનો સીલસીલો જારી છે. બે તબક્કામાં મતદાન પૂર્ણ થયા બાદ હવે મંગળવારના દિવસે ત્રીજા તબક્કામાં મતદાન થશે. ત્રીજા તબક્કામાં ક્યાં કેટલી બેઠક પર મતદાન થશે તે નીચે મુજબ છે.

રાજ્ય........................................................... બેઠક

ગુજરાત.......................................................... ૨૬

કેરળ............................................................... ૨૦

મહારાષ્ટ્ર......................................................... ૧૪

કર્ણાટક........................................................... ૧૪

ઉત્તરપ્રદેશ...................................................... ૧૦

છત્તીસગઢ....................................................... ૦૭

ઓરિસ્સા......................................................... ૦૬

બિહાર............................................................. ૦૫

બંગાળ............................................................ ૦૫

આસામ........................................................... ૦૪

ગોવા.............................................................. ૦૨

જમ્મુ-કાશ્મીર................................................... ૦૧

દાદરાનગર હવેલી.......................................... ૦૧

દમણ અને દીવ.............................................. ૦૧

કુલ.............................................................. ૧૧૬

નોંધ : ૧૩ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશમાં મતદાન

(12:00 am IST)