મુખ્ય સમાચાર
News of Monday, 22nd April 2019

શ્રીલંકા : બોંબ ધડાકા બાદ દેશભરમાં સુરક્ષા વધારાઈ

મુંબઈ સહિત મોટા શહેરોમાં સુરક્ષા વધી : દેશના તમામ ધાર્મિક સ્થળો, મોટા મોલ, સિનેમા હોલ, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન સહિતની જગ્યા ઉપર સલામતિ

નવી દિલ્હી, તા. ૨૧ : શ્રીલંકામાં વિનાશકારી સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યા બાદ વાણિજ્ય પાટનગર મુંબઈ સહિત દેશના જુદા જુદા ભાગોમાં સુરક્ષા વ્યવસ્થા વધારે મજબૂત કરવામાં આવી છે. એલર્ટની પણ જાહેરાત કરવામાં આવી છે. શ્રીલંકા બોમ્બ બ્લાસ્ટની ઈફેક્ટ ભારતમાં જોવા મળી રહી છે. લોકસભા ચુંટણી માટેના તબક્કા હાલ ચાલી રહ્યા છે ત્યારે શ્રીલંકામાં કરાયેલા આ બોમ્બ બ્લાસ્ટને લઈને સુરક્ષા સંસ્થાઓ વધારે સાવચેત થઈ ગઈ છે. મુંબઈ સહિત દેશના જુદા જુદા ભાગોમાં પેટ્રોલિંગ અને કોમ્બીંગની પ્રક્રિયા વધારે તીવ્ર કરી દેવામાં આવી છે. ધાર્મિક સ્થળો, મોટા મોલ, સિનેમા હોલ, વિમાની મથક, રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડની આસપાસ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. વાહનોની ચકાસણી તીવ્ર કરવામાં આવી છે. વિશ્વના કોઈપણ દેશમાં હુમલા કરવામાં આવ્યા બાદ આ પ્રકારના પગલા લેવામાં આવે છે. શ્રીલંકા પડોશી દેશ હોવાથી વધારે સાવચેતી રાખવામાં આવી રહી છે. અત્રે નોંધનિય છે કે ભારતમાં પણ આતંકવાદી હુમલાઓ નિયમિત ગાળામાં થતા રહ્યા છે. જમ્મુ-કાશ્મીરના ઉરી અને પુલવામામાં સુરક્ષા બળો પર હુમલા કરવામાં આવ્યા બાદ ભારતે બંને વખત આતંકવાદીઓ સામે જવાબી કાર્યવાહી કરી હતી. હવે શ્રીલંકામાં આતંકવાદીઓએ ટાર્ગેટ બનાવીને ધાર્મિક સ્થળો પર હુમલા કર્યા છે. જેના પરિણામ સ્વરૂપે સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી છે. માત્ર મુંબઈ જ નહીં બલ્કે દેશના તમામ મોટા શહેરોમાં તકેદારીને વધારી દેવાઈ છે. આગામી દિવસોમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ ચોક્કસ રાખવામાં આવશે. શ્રીલંકામાં હુમલા બાદ પડોશી દેશના તમામ ઘટનાક્રમ ઉપર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

(12:00 am IST)