મુખ્ય સમાચાર
News of Monday, 22nd April 2019

શ્રીલંકામાં બોંબ બ્લાસ્ટ બાદ સ્થિતિ ઉપર ચાંપતી નજર છે

વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ દૂતાવાસના સંપર્કમાં : માહિતી મેળવવા ભારતીય લોકો માટે હેલ્પલાઈન નંબર જારી થયા : શ્રીલંકામાં મોટી સંખ્યામાં ભારતીય લોકો છે

નવી દિલ્હી, તા. ૨૧ : શ્રીલંકામાં એક પછી એક આઠ બ્લાસ્ટ કરવામાં આવ્યા બાદ ભારતીય સમુદાયના લોકોમાં પણ ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. મોટી સંખ્યામાં ભારતીય નાગરિકો અને ભારતીય મૂળના લોકો શ્રીલંકામાં રહે છે. હજુ સુધી કોઈપણ ભારતીયોના બ્લાસ્ટમાં મોતને લઈને સમાચાર મળી શક્યા નથી. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે નિવેદન કરતા કહ્યું હતું કે તેઓ કોલંબો સ્થિત ભારતીય દૂતાવાસ સાથે સતત સંપર્કમાં છે. સ્થિતિ ઉપર નજર રાખવામાં આવી રહી છે. ભારતીય દૂતાવાસે પણ ટ્વીટ કરીને કહ્યું છે કે સ્થિતિ ઉપર અધિકારીઓની બાજ નજર છે. ભારતીય નાગરિકો માટે હેલ્પલાઈન નંબરો પણ તાત્કાલિક ધોરણે જારી કરાયા છે. કોલંબો અને બત્તીપાલોઆમાં પ્રચંડ બ્લાસ્ટ થયા છે. મદદ અથવા તો કોઈપણ પ્રકારન માહિતી મેળવવા માટે ભારતીય સમુદાયના લોકો માહિતી મેળવી શકે છે. શ્રીલંકાના નંબરો ઉપરાંત ભારતીય નંબરો ઉપર પણ ફોન કરીને માહિતી મેળવી શકાય છે.

સમાચાર સંસ્થાઓ અને મીડિયા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે શ્રીલંકામાં સિરિયલ બ્લાસ્ટમાં મોટી સંખ્યામાં લોકોના મોત થયા છે. સુષ્મા સ્વરાજે કહ્યું છે કે સમગ્ર ભારત કટોકટીના સમયમાં શ્રીલંકાની સાથે છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ, કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી સહિત જુદી જુદી પાર્ટીના લોકો બ્લાસ્ટને લઈને દુઃખ વ્યક્ત કરી ચુક્યા છે. કોલંબોમાં બ્લાસ્ટ થયા બાદ ઘટના સ્થળ ઉપર દિલધડક નજારા રહ્યા હતા. ચારેબાજુ ખૂનની નદીઓ જોવા મળી હતી.

હેલ્પલાઈન નંબર જારી

શ્રીલંકામાં બોમ્બ બ્લાસ્ટ બાદ ભારતીય નાગરિકો માટે માહિતી મેળવવા હેલ્પલાઈન નંબરો જારી કરાયા છે. જે નીચે મુજબ છે.

*   + ૯૪૭૭૭૯૦૩૦૮૨

*   + ૯૪૧૧૨૪૨૨૭૮૮

*   + ૯૪૧૧૨૪૨૨૭૮૯

*   + ૯૪૭૭૭૯૦૨૦૮૨

*   + ૯૪૭૭૨૨૩૪૧૭૯

(12:00 am IST)