મુખ્ય સમાચાર
News of Sunday, 22nd April 2018

દિલ્‍હીમાં શિક્ષણ સલાહકારને હટાવવાથી બાળકોને ઘણુ ભોગવવુ પડશેઃ નરેન્‍દ્રભાઇ મોદીને પત્ર પાઠવતા મનીષ સિસોદીયા

નવી દિલ્હીઃ દિલ્‍હીના મંત્રી મનીષ સિસોદીયા શિક્ષણમાં સુધારા અંગે સલાહકારને હટાવવાના કેન્‍દ્રના નિર્ણય સામે રોષ વ્‍ય‌ક્ત કર્યો છે.

મનિષ સિસોદિયાએ વડાપ્રધાન મોદીને લખેલા ત્રણ પાનાનાં પત્રમાં લખ્યું છે કે, 'અતિશી માર્લેનાને હટાવીને તમે શું સાબિત કરવા માંગો છો. અમારી અને તમારી વચ્ચે રાજકીય મતમતાંતર હોઈ શકે છે. પરંતુ આના કારણે દિલ્હીના બાળકોએ સહન કરવું પડે એવું પગલું ન ભરો.'

દિલ્હી સરકારની સફળતાઓ ગણાવતા સિસોદિયાએ લખ્યું છે કે, 'અમે દિલ્હીમાં છેલ્લા ત્રણ વર્ષથી શિક્ષણ ક્ષેત્રમાં સતત કામ કરી રહ્યા છીએ. અમે આ માટે 25% બજેટ ફાળવ્યું છે. આ તમામ અતિશીના પ્રયાસોને કારણે શક્ય બન્યું હતું.'

સિસોદિયાએ પત્રમાં આગળ લખ્યું છે કે, 'રાજકીય કિન્નાખોરી રાખીને બાળકો માટે સારું કાર્ય કરનાર વ્યક્તિને હટાવી દેવામાં આવે છે, આ કેવા પ્રકારની દેશભક્તિ છે? દિલ્હીના બાળકોના શિક્ષણ માટે કામ કરી રહેલી એક દેશભક્ત, શિક્ષિત અને ખૂબ જ હોશિયાર મહિલાને પોતાના પદ પરથી હટાવીને તમે(મોદી) શું સંદેશ આપવા માંગો છે?' સિસોદિયાએ લખ્યું છે કે અતિશી માર્લેના ફક્ત રૂ. 1 પગાર લેતી હતી.

સિસોદિયાએ આગળ લખ્યું છે કે 'આપણા દેશમાં, શિહણ મંત્રી, શિક્ષણ સચિવ કે પછી શિક્ષણ સંચાલક પાસે શિક્ષણના નિષ્ણાતો નથી. મારા મતે આપણા દેશમા શિક્ષણનું સ્તર નીચું હોવા પાછળનું એક કારણ આ પણ છે. આ જ કારણે દિલ્હી સરકારે માર્લેનાને શિક્ષણ સલાહકાર બનાવી હતી. તેની નિમણૂકથી સારું પરિણામ પણ પ્રાપ્ત થયું છે. એટલે સુધી કે અમારા વિરોધીએ પણ માની રહ્યા છે કે દિલ્હીમાં શિક્ષણ ક્ષેત્રે સારું કામ થઈ રહ્યું છે. તમારા પ્રતિસ્પર્ધી કે વિરોધીને આવી રીતે ખતમ કરીને તમે ક્યારેય મોટા નહીં બની શકો. તમે અમને કંઈ આપી નથી શકતા તો જે ચાલી રહ્યું છે તેને બંધ તો ન જ કરો.' સાથે જ સિસોદિયાએ પીએમ મોદીની દિલ્હીની સ્કૂલોની મુલાકાત લેવા માટે આમંત્રણ પણ પાઠ્યું હતું.

(5:11 pm IST)