મુખ્ય સમાચાર
News of Wednesday, 22nd March 2023

કાજૂ-બદામ ખાય છે આ ઘોડોઃ ૧ કરોડ રૂપિયા છે કિંમત

રાજસ્‍થાનમાં આ ઘોડાની ખાસિયત જાણી ચોંકી જશો : રાજ્‍યના દરેક પશુમેળામાં સર્વશ્રેષ્ઠ ઘોડાનો ખિતાબ જીતી ચુકેલો બાજ ગુજરાતની કેટલીય હરીફાઈઓમાં પોતાનો દબદબો સાબિત કરી ચુકયો છે

બાડમેર, તા.૨૨ : કહે છે કે, કોઈ જાનવરની કિંમત તેની ખાસિયતો પર નિર્ભર કરે છે. કદાચ આ જ કારણ છે કે, સરહદી બાડમેરના એક ઘોડાની કિંમત કરોડોમાં આંકડવામાં આવી હોવા છતાં પણ તેના માલિક તેને વેચવા માગતા નથી. પોતાના બાળકોથી વધારે ખ્‍યાલ રાખનારા બાડમેરના રુપસિંહ ખારા માટે તેમનો ઘોડો ‘બાજ' જિગરનો ટુકડો છે. બાજને તે કાજૂ બદામ ખવડાવે છે અને તેને રહેવાનું ઠેકાણુ પમ હવામાન હિસાબે બદલાતું રહે છે.

રાજ્‍યના દરેક પશુમેળામાં સર્વશ્રેષ્ઠ ઘોડાનો ખિતાબ જીતી ચુકેલો બાજ ગુજરાતની કેટલીય હરીફાઈઓમાં પોતાનો દબદબો સાબિત કરી ચુકયો છે. બાડમેરના ખારા રાઠોડાન નિવાસી રુપસિંહ ૧૫ વર્ષથી ઘોડાના શોખિન છે અને તેમની પાસે હાલમાં ૩ ઘોડા છે. આ વખતે બાડમેરના તિલવાડા પશુ મેળામાં પણ બાજે બાજી મારી છે. તિલવાડાના પ્રસિદ્ધ રાવ મલ્લીનાથ પશુ મેળામાં દર વર્ષની માફક આ વખતે પણ ઘોડાદોડનું આયોજન કર્યું. ઘોડાદોડની હરીફાઈમાં લગભગ ૨ ડઝનથી વધારે ઘોડાએ ભાગ લીધો, જો કે, ફરી એક વાર તિલવાડાનું મેદાન બાજે જીતી લીધું.

ઘોડાના માલિક રુપસિંહ ખારાનું કહેવું છે કે, તેમણે ફક્‍ત ૧૭ મહિનાનું બચ્‍ચુ લીધું હતું. જે બાદ છોકરા કરતા પણ વધારે દેખરેખ રાખી મોટો કર્યો. એટલુ જ નહીં હવામાનના હિસાબે બાજને ખાવા ખવડાવવાનું કર્યું. તેઓ જણાવે છે કે, અત્‍યાર સુધીમાં બાલોતરાના તિલવાડામાં ૩ ઘોડેસવારી રેસની હરીફાઈ જીતી ચુકયો છે. બે વાર જૈસલમેર, સાંચૌર, ગુજરાતમાં પણ પ્રથમ નંબરે આવી ચુકયો છે.

રુપ સિંહ જણાવે છે કે, બાજને ડાઈટમાં માખણ, કાજૂ, બદામ પણ ખવડાવે છે. તે જણાવે છે કે, કોઈ તેમને ૧ કરોડ રૂપિયા આપે તો પણ તેઓ વેચવા માટે તૈયાર નથી. તેઓ જણાવે છે કે, ઘોડો સિંધી નસલનો છે. આ ઘોડાનું નામ બાજ છે. જેવી રીતે બાજ ઉડાન ભરે છે, એવી જ રીતે આ ઘોડો પણ દોડે છે.

(4:07 pm IST)