મુખ્ય સમાચાર
News of Friday, 22nd March 2019

હવે ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ પ્રમુખ સામ પિત્રોડાનો મોદી સરકાર ઉપર પ્રહાર : એર સ્ટ્રાઇક અંગે શંકા વ્યક્ત કરી : 300 લોકોના મોતના પુરાવાઓ માંગ્યા : હું ગાંધીવાદી છું : પાકિસ્તાન સાથે ચર્ચાથી નિવેડો લાવવાની તરફેણ કરું છું તેમ જણાવ્યું

ન્યુદિલ્હી : ભારતમાં ટેલિકોમ સહીત ટેક્નોલોજી ક્ષેત્રે ક્રાંતિ લાવનાર ,ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ પ્રમુખ સામ પિત્રોડાએ મોડી સરકાર ઉપર પ્રહાર કરતા એર સ્ટ્રાઇક અંગે શંકા ઉઠાવી છે. એક ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું  કે, જો સરકાર કહે છે કે, 300 લોકોના મોત થયા છે તો તે વિશે પુરાવા આપવા જોઈએ. આ વાત માત્ર હું નહીં પરંતુ સમગ્ર દેશ જાણવા માગે છે. મેં ન્યૂયોર્ક ટાઈમ્સ સહિત ઘણાં ન્યૂઝ પેપર્સમાં રિપોર્ટ્સ વાંચ્યા છે કે ભારતીય હુમલામાં કોઈનું મોત નથી થયું. હું ખરેખર જાણવા માંગુ છું કે, શું ખરેખરમાં કોઈ હુમલો થયો હતો?

પિત્રોડા 2019 લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસનો મેનિફેસ્ટો તૈયાર કરનાર સમિતિમાં છે. તેમણે કહ્યું કે, હું એક ગાંધીવાદી છું અને પાકિસ્તાન સાથે વાતચીત કરવી જોઈએ તે મતનો છું. મારુ માનવું છે કે, દરેકનું સન્માન જાળવવું જોઈએ. માત્ર પાકિસ્તાન જ કેમ, દરેક સાથે વાતચીતથી સમસ્યાનો ઉકેલ લાવી શકાય છે.

તેમણે ઉમેર્યું હતું કે પુલવામા હુમલા માટે સમગ્ર પાકિસ્તાન પર આરોપ ન લગાવી શકીએ. અમુક લોકોની ભુલની સજા સમગ્ર દેશને ન આપવી જોઈએ. સરળતાથી સમજી શકાય એવું છે કે, અમુક લોકો અહીં આવે છે અને હુમલો કરે છે તો તે માટે કોઈ દેશના દરેક નાગરિકો પર આરોપ ન લગાવી શકાય. હું નથી માનતો કે આ યોગ્ય પદ્ધતિ છે.

(12:21 pm IST)