મુખ્ય સમાચાર
News of Friday, 22nd March 2019

ભાજપના ઉદયનું શ્રેય અડવાણીનેઃ બે સાંસદવાળા પક્ષને પહોંચાડયો શિખરેઃ હવે ટિકિટ ન મળીઃ સન્યાસનાં દિવસો શરૂ

એક વખત કહેવાતુ કે ભાજપનું સંગઠન તેમની મુઠ્ઠીમાં છેઃ આજે બની ગયા ઇતિહાસ

નવી દિલ્હી તા. ૨૨ : ભારતીય જનતા પાર્ટીને બે સાંસદોવાળી પાર્ટીમાંથી મુખ્ય વિરોધ પક્ષ અને પછી સત્તાના સિંહાસન સુધી પહોંચાડવાનું શ્રેય જો કોઈને જાય છે તો તે છે રાજનીતિના લોહપુરુષ એટલે કે લાલ કૃષ્ણ અડવાણી. દેશમાં ભારતીય જનતા પાર્ટીના ઉદયમાં તેમનું સૌથી વધુ અને સૌથી મોટું યોગદાન રહ્યું છે.

૧૯૯૦ના દાયકામાં રામ મંદિર આંદોલન અને રથયાત્રા દ્વારા અડવાણીએ સમગ્ર ભારત દેશમાં ભાજપની એક આગવી ઓળખ ઊભી કરી હતી. દેશમાં ભાજપની લહેર ઊભી કરવાનું શ્રેય અડવાણીને જાય છે. અહીંથી જ ભારતીય જનતા પાર્ટી મજબૂત થતી ગઈ અને પછી ધીમે-ધીમે તે દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસને પડકાર આપનારી મુખ્ય પાર્ટી બની હતી.

લાલ કૃષ્ણ અડવાણીનો જન્મ ૮ નવેમ્બર, ૧૯૨૭ના રોજ કરાચી(પાકિસ્તાન)માં થયો હતો. આજે તેઓ ૯૧ વર્ષની વયના છે, તેમ છતાં રાજનીતિમાં સંપૂર્ણ સક્રિય જોવા મળે છે. તેમણે અટલ બિહારી વાજપેયીના સહાયક તરીકે જનસંઘમાં રાજનીતિનું કામકાજ જોવાનું શરૂ કર્યું હતું. તેઓ ૧૯૭૭માં બનેલી જનતા પાર્ટીની સરકારમાં માહિતી અને પ્રસારણ મંત્રી બન્યા હતા. અટલજીની સાથે અડવાણી અને મુરલી મનોહર જોશીએ ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવાનું કામ કર્યું હતું.

અડવાણીનું નામ આજે સૌથી વધુ ચર્ચામાં આવી ગયું છે, તેનું કારણ તેઓ પ્રથમ વખત ગુજરાતની રાજધાની ગાંધીનગરની પોતાની પરંપરાગત બેઠક પરથી ચૂંટણી નથી લડી રહ્યા. આ વખતે તેમને ગાંધીનગર બેઠક પર ટિકિટ મળી નથી. તેઓ આ બેઠક પર સતત ૬ વખત જીત્યા છે અને સંસદમાં પહોંચ્યા છે.

અડવાણી ૧૯૪૧માં માત્ર ૧૪ વર્ષની વયે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)માં પ્રચારક તરીકે જોડાયા હતા. ૧૯૫૧માં તેઓ ભારતીય જન સંઘના સભ્ય બન્યા અને પછી જનસંઘમાં જનલ સેક્રેટરીના પદ સુધી પહોંચ્યા હતા. ૧૯૭૦માં તેઓ દિલ્હીથી રાજયસભાના સાંસદ તરીકે છ વર્ષની ટર્મ માટે ચૂંટાયા હતા.

અડવાણીની રાજકીય યાત્રામાં ગાંધીનગરનું યોગદાન સૌથી મહત્વનું છે. ત્યાર પછી ૧૯૭૬થી ૧૯૮૨ સુધી તેઓ ગુજરાતમાંથી રાજયસભાના સાંસદ તરીકે ચૂંટાયા અને આ રીતે તેમનો ગાંધીનગર સાથે નાતો જોડાયો. તેઓ ૧૯૭૦થી ૧૯૮૯ એમ ૧૯ વર્ષ સુધી રાજયસભામાંથી જ ચૂંટાઈને સાંસદ બનતા રહ્યા હતા. જેમાં તેઓ બે વખત મધ્ય પ્રદેશથી ચૂંટાયા હતા.

૧૯૮૨માં જનસંઘમાંથી ભારતીય જનતા પાર્ટીની રચના થઈ અને અટલ બિહારી વાજપેયી તેના પ્રથમ અધ્યક્ષ બન્યા. તેમણે હિન્દુત્વના મુદ્દે ૧૯૮૪ની લોકસભા ચૂંટણી લડી પરંતુ પાર્ટીને માત્ર બે લોકસભા સીટ જ મળી. ત્યાર પછી ભાજપના રામજન્મભૂમિનો મુદ્દો મળ્યો અને તેણે તેને જોરશોરથી ઉઠાવ્યો. લાલકૃષ્ણ અડવાણીએ સમગ્ર દેશમાં ગુજરાતના સોમનાથથી શરૂ કરીને રથયાત્રા કાઢી અને પાર્ટીને દેશમાં મોટું જનસમર્થન મળી ગયું.

૧૯૯૧માં ૧૦મી લોકસભા ચૂંટણીમાં તેમણે ગાંદીનગર બેઠક પરથી ચૂંટણી લડી અને મોટો વિજય પ્રાપ્ત કર્યો. ૧૯૯૬ની લોકસભા ચૂંટણીમાં ભાજપ સૌથી મોટી પાર્ટી બની અને રાષ્ટ્રપતિએ અટલ બિહારી વાજપેયીને સરકાર રચવા આમંત્રણ આપ્યું. જોકે, ૧૩ દિવસમાં જ તેમની સરકાર પડી ગઈ.

જૈન હવાલા કાંડમાં નામ આવ્યા બાદ તેમણે રાજીનામું આપ્યું. ૧૯૯૬માં તેમણે જણાવ્યું કે, જયાં સુધી હવાલા કાંડમાંથી તેમનું નામ દૂર થતું નથી તેઓ ચૂંટણી નહીં લડે. કલીન ચીટ મળ્યા બાદ ૧૯૯૮માં તેઓ ફરી ગાંધીનગરથી ચૂંટણી જીતીને સંસદ પહોંચ્યા. ત્યાર પછી સતત ૧૯ વર્ષ સુધી તેઓ આ સીટ પરથી જીતીને સંસદ પહોંચતા રહ્યા છે.

અડવાણીએ ત્યાર પછી ૧૯૯૯, ૨૦૦૪, ૨૦૦૯ અને ૨૦૧૪માં આ બેઠક પરથી લોકસભા ચૂંટણી જીતી છે. એટલું જ નહીં, સૌથી મોટા માર્જિન સાથે ચૂંટણી આ બેઠક પરથી ચૂંટણી જીતવાનો પણ તેમના નામે રેકોર્ડ છે. ૯૦ના દાયકાનો ભાજપનો નારો હતો 'ભાજપા કી તીન ધરોહર, અટલ, અડવાણી, મુરલી મનોહર.'

દેશના ગૃહમંત્રી તરીકે સેવા આપી ચુકેલા ૯૧ વર્ષના અડવાણી ગાંધીનગર લોકસભા સીટ પરથી ૬ વખત ચૂંટણી જીતી ચૂકયા છે. ૧૯૮૪ની લોકસભા ચૂંટણીમાં દેશમાં માત્ર બે લોકસભા બેઠક જીતનારી ભાજપના ઉદયનો શ્રેય અડવાણીને આપવામાં આવે છે. તેમણે વર્ષ ૨૦૧૪માં નરેન્દ્ર મોદીને પાર્ટીના વડા પ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવા સામે વાંધો ઉઠાવ્યો હતો અને ત્યાર બાદથી તેઓ પાર્ટીમાં હાંસિયામાં ધકેલાઈ ગયેલા છે.

અડવાણીએ રાજકીય જીવનમાં હંમેશાં પરિવારવાદનો વિરોધ કર્યો છે. તેમનો પુત્ર કે પુત્રી બંનેમાંથી એક પણ રાજકારણમાં નથી. અડવાણીએ તેમને રાજકારણમાં પ્રવેશવા દીધા નથી. એક સમયે એવું કહેવાતું હતું કે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન અડવાણીની મુઠ્ઠીમાં છે, પરંતુ હવે આ વખતે લોકસભા ચૂંટણીમાં ટિકિટ ન મળવાની સાથે જ ૯૧ વર્ષના અડવાણીના રાજકીય સન્યાસના દિવસો શરૂ થઈ ગયા છે.(૨૧.૬)

 

(10:23 am IST)