મુખ્ય સમાચાર
News of Friday, 22nd March 2019

નિરવે જામીન ઉપર છુટવા અનેક પ્રકારનાં ધમપછાડા કર્યા'તાઃ ૪.૫ કરોડ આપવા તૈયાર હતો

નોકરી કરૂ છું અને પુરાવા સ્વરૂપે ૧૮ લાખની પગાર સ્લીપ પણ બતાડી

લંડન, તા. ૨૨ :. પંજાબ નેશનલ બેંકમાં ૧૩ હજાર કરોડના કૌભાંડના આરોપી નિરવ મોદીને મંગળવારે લંડનમાં ગીરફતાર કરાયો હતો. લંડનની વેસ્ટ મિન્સ્ટર કોર્ટમાં નિરવ મોદીને બુધવારે રજૂ કરાયો, જ્યાં નિરવે જામીન માટે અરજી કરી હતી, પણ કોર્ટે નિરવની અરજી રદ્દ કરી હતી અને ૨૯ માર્ચ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો હતો. જો કે જમીન મેળવવા માટે નિરવ મોદીએ કોર્ટમાં ઘણી દલીલો કતરી પણ કોર્ટે તેને કસ્ટડીમાં મોકલવાનોે ચુકાદો કર્યો હતો. એક સમાચાર અનુસાર, નિરવ મોદીએ જામીન મેળવવા માટે એમ પણ જણાવ્યુ કે તે અહીં નોકરી કરે છે અને તેની સાબિતી માટે નિરવે પોતાની ૨૦૦૦૦ પાઉન્ડની સેલરી સ્લીપ પણ બતાવી હતી.

એટલું જ નહીં મોદીએ અદાલતમાં પોતાના જામીન માટે ૫ લાખ પાઉન્ડ એટલે કે ૪.૫ કરોડ રૂપિયા જમા કરાવવાની ઓફર પણ આપી હતી અને એમ પણ કહ્યુ હતુ કે તે તપાસમાં સંપૂર્ણ સહકાર આપશે, પણ લંડનની કોર્ટે તેમ છતા મોદીને સ્કોટલેન્ડ યાર્ડ પોેલીસની કસ્ટડીમાં મોકલવાનો નિર્ણય કર્યો હતો. નિરવ મોદીએ તેમાંથી બચવા માટે કોર્ટને જણાવ્યુ કે તે અહીંયા ટેક્ષ પણ ભરી રહ્યો છે અને તેણે પોતાનો નેશનલ ઈન્સ્યોરન્સ નંબર પણ કોર્ટને દેખાડયો. નિરવે જણાવ્યું કે તે ગયા વર્ષે જાન્યુઆરીમાં લંડન આવ્યો હતો અને તે વખતે તેના પર કોઈ આરોપ નહોતો. પ્રત્યારોપણની ભારતની કોશિષો અંગે મોદીએ કહ્યું કે તે કાયદેસર રીતે બ્રિટનમાં રહી રહ્યો છે.

નિરવ મોદીએ એમ પણ કહ્યું કે તેનો દીકરો ૫ વર્ષથી લંડનની એક સ્કૂલમાં ભણી રહ્યો છે અને તે પોતે પણ અહીં કામ કરી રહ્યો છે અને નિયમીત ટેક્ષ ભરે છે. નિરવ મોદીના વકીલે કોર્ટમાં તેનો એમ્પ્લોયમેન્ટ પાસ, હોંગકોંગ બેંકનું આઈડી કાર્ડ અને બેંક ખાતાઓ સંબંધીત બીજા કાગળો પણ દેખાડયા. વકીલે જણાવ્યું કે ટ્રાવેલ ડોકયુમેન્ટ જોઈને કહી શકાય કે નિરવ મોદીની લંડનથી ભાગી જવાની કોઈ ઈચ્છા નથી. કોર્ટ ૨૯ માર્ચે હવે તેના કેસની સુનાવણી કરશે, ત્યાં સુધી તેણે પોલીસ કસ્ટડીમાં રહેવું પડશે. એક અખબારના સમાચાર અનુસાર નિરવ મોદી સોહોમાં હીરાનો વેપાર કરવાની યોજના બનાવી રહ્યો છે.(૨-૨)

(10:21 am IST)