મુખ્ય સમાચાર
News of Saturday, 22nd February 2020

જધન્ય અપરાધમાં સામેલ સગીર ઉપર એડલ્ટની જેમ જ કેસ ? સરકાર તૈયારીમાં

કેન્દ્ર સરકારે એક બેઠક યોજીઃ ગૃહમંત્રી શાહ સહિત અનેક પ્રધાનો સામેલઃ જુવેનાઈલ જસ્ટીસ એકટમાં ફેરફારો કરાશેઃ જઘન્ય અપરાધની શ્રેણીને ફરીથી વર્ગીકૃત કરાશે : સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ પ્રધાનોની બેઠક મળી હતીઃ જધન્ય અપરાધોમાં સગીરની સામેલગીરીના બનાવો વધ્યા છેઃ ચિંતા વ્યકત થઈ

નવી દિલ્હી, તા. ૨૨ :. આવતા દિવસોમાં જધન્ય અપરાધમાં સામેલ થવા લોકોની જેમ કેસ ચલાવી શકાશે. આ માટે સરકાર નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. સરકાર ઝુવેનાઈલ જસ્ટીસ એકટમાં ફેરફાર કરવામાં આવશે. ફેરફારમાં જધન્ય અપરાધની શ્રેણીને ફરીથી વર્ગીકૃત કરવામાં આવશે. તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહ સાથે પ્રધાનોની બેઠકમાં આ બાબતે ચર્ચા થઈ હતી. અત્રે એ નોંધનીય છે કે લાંબા સમયથી સુપ્રીમ કોર્ટની સાથે સાથે સામાન્ય જનતા વચ્ચે પણ એ મુદ્દો ઉઠતો રહ્યો છે કે કાયદામાં ફેરફારની જરૂર છે.

આ મીટીંગમાં કાનૂન મંત્રી રવિશંકર પ્રસાદ, મહિલા વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની, વિદેશમંત્રી એસ. રવિશંકર, હરસિમરતસિંહ બાદલ અને સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન સામેલ હતા. પ્રધાનોની આ બેઠક સુપ્રીમ કોર્ટના એક નિર્દેશ બાદ મળી હતી. જાન્યુઆરી ૨૦૨૦ના નિર્દેશમાં કોર્ટે કેન્દ્રને કહ્યુ હતુ કે વહેલામાં વહેલી તકે જુવેનાઈલ જસ્ટીસ એકટ ૨૦૧૫ની ખામીઓને દૂર કરવામાં આવે.

કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યુ હતુ કે જે ક્રાઈમ રેપ, મર્ડર કે ત્રાસવાદની શ્રેણીમાં નથી આવતા પરંતુ તેમા સજા ૭ વર્ષ કે તેથી વધુ છે તેની શ્રેણી નક્કી કરવામાં આવે. સૂચન થયુ હતુ કે તેને પણ ગંભીર ક્રાઈમ શ્રેણીમાં રાખવામાં આવે. અત્રે નોંધનીય છે કે જે.જે. એકટ ૨૦૧૫ અનુસાર જધન્ય અપરાધ એ છે જેમાં ઓછામાં ઓછી સજા ૭ વર્ષ છે. મીટીંગમાં એ બાબતે પણ ચર્ચા થઈ હતી કે જધન્ય અપરાધોમાં સગીરોની સામેલગીરી વધી છે.

આવા અનેક કેસો સામે આવે છે. જ્યારે મોટા ક્રાઈમમા સામેલ શખ્સ સગીર બહાર આવતો હોય છે. એવામાં કાયદાના હાથ બંધાઈ જતા હોય છે. નિર્ભયા રેપ કેસમાં પણ આવુ જ હતું. સૌથી વધુ બર્બરતા આચરનાર જ સગીર નિકળ્યો હતો પછી બાળ સુધાર ગૃહની સજા પુરી થયા બાદ તેને છોડવો પડયો હતો. આવો જ એક મામલો હાલમાં સામે આવ્યો છે. જામીયામાં સીએએ વિરૂદ્ધ દેખાવ દરમિયાન એક શખ્સે ગોળી ચલાવી હતી. ગોળી એક છાત્રને લાગી હતી. બાદમાં એ શખ્સ સગીર નિકળ્યો હતો. હીટ એન્ડ રનના પણ આવા મામલા સામે આવ્યા છે. જેમાં ગાડી ચલાવનાર સગીર જોવા મળતો હોય છે.

(3:40 pm IST)