મુખ્ય સમાચાર
News of Saturday, 22nd February 2020

ટ્રમ્પ વિઝા આપવાની જાહેરાત કરે તો એક કરોડ નહીં, સાડા છ કરોડ લોકો ભેગા થઈ જાય

સોશિયલ મીડિયાના મેસેજમાં આવી કોમેન્ટ ફરતી થઈ છે

અમદાવાદ, તા.૨૨: જગત જમાદાર અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદ મુલાકાતને લઈને સોશિયલ મીડિયા ઉપર રસપ્રદ મેસેજનો મારો ચાલી રહ્યો છે, ડોનાલ્ડ ટ્રમ્પે હવે પોતે એવો દાવો કર્યો છે કે, અમદાવાદમાં એક કરોડ લોકો તેમના સ્વાગત માટે આવવાના છે, પણ સોશિયલ મીડિયાના મેસેજમાં આવી કોમેન્ટ ફરતી થઈ છે કે, 'ટ્રમ્પ એટલી જાહેરાત કરે કે રોડ શોમાં આવનાર દરેકને અમેરિકાના વિઝા, તો પછી ૭૦ લાખ નહિ સાડા છ કરોડ લોકો ભેગા થઈ જાય..' અન્ય એક આવા જ મેસેજમાં કહેવાયું છે કે, ટ્રમ્પ વિઝા આપવાની જાહેરાત કરે તો એક કરોડને બદલે સાડા છ કરોડ ભેગા થઈ જાય.

'ટ્રમ્પ કહે છે હવે તેઓને આવકારવા એક કરોડ લોકો આવશે, અમેરિકામાં આટલું ફેંકતો ભાઈ અમદાવાદમાં કેટલું ફેંકશે..'

'એક અમિતાભ બચ્ચનની દિવાર ખૂબ ચાલી, બીજી એએમસીની દીવાલ ખૂબ ચાલી..'

'ટ્રમ્પને જોવા એક કરોડ લોકો આવશે, એક લાખ જીવિત માનવીઓ હશે અને બાકીના સ્મશાનથી આત્માઓ આવશે'

'ટ્રમ્પની ગુજરાત મુલાકાત, ઝૂંપડપટ્ટી છુપાવવા ચણાવી દિવાલ, આવી રીતે જો આખા દેશની ગરીબી ઢાંકતા જશે તો ચીનની દીવાલનો રેકોર્ડ તૂટી જશે'

'ટ્રમ્પ અમદાવાદમાં આવે છે એટલે કાર્યક્રમનું નામ નમસ્તે ટ્રમ્પ રાખ્યું છે, જો સુરેન્દ્રનગર કે રાજકોટ આવવાના હોત તો કાર્યક્રમનું નામ 'કાં ટ્રમ્પ'રાખ્યું હોત.

(10:08 am IST)