મુખ્ય સમાચાર
News of Friday, 21st January 2022

શીત યુદ્ધના એંધાણ :બ્રિટને આપી રશિયાના પ્રમુખ પુતીન અને ચીનના પ્રમુખ શી જિનપિંગને સ્પષ્ટ ચેતવણી

કહ્યું હતું કે, બ્રિટન અને તેનાં સાથી રાષ્ટ્રો લોકશાહીનાં રક્ષણ માટે સરમુખત્યારશાહી સામે લડી લેનાર છે

નવી દિલ્હી : બ્રિટને રશિયાના પ્રમુખ વ્હલાદીમીર પુતીન અને ચીનના પ્રમુખ શી જિનપિંગને સ્પષ્ટ ચેતવણી આપતા કહ્યું હતું કે, બ્રિટન અને તેનાં સાથી રાષ્ટ્રો લોકશાહીનાં રક્ષણ માટે સરમુખત્યારશાહી સામે લડી લેનાર છે. યાદ રાખો કે, અમો 'શીત-યુદ્ધ'ના સમય પછી ફરીવાર પ્રબળ બની ગયાં છીએ.

એન્યુઅલ 'ઓસ્ટ્રેલિયા-યુકે મીનીસ્ટ્રીયલ કન્સલટેશન્સ'માં ઉપસ્થિત રહેવા ઓસ્ટ્રેલિયા આવેલા બ્રિટનનાં વિદેશમંત્રી લીઝ-સ્ટ્રેસે આ સાથે વધુમાં કહ્યું હતું કે, 'બ્રિટન અને તેનાં મુક્ત જગતનાં સાથી રાષ્ટ્રોએ વૈશ્વિક સ્તરે લોકશાહી અને ધમકીરૂપ બની રહેલી સરમુખત્યારશાહી સામે એક થઈ ઉભા રહેવું જ જોઈશે અને ઈન્ડો-પેસિફિક વિસ્તારના લોકશાહી દેશોએ 'આર્થિક સહાય'નાં નામે 'પદાક્રમણ' કરી રહેલાઓનો મજબૂત સામનો કરવો જ પડશે.

ટ્રસની સાથે બ્રિટનના સંરક્ષણ મંત્રી બેન-વૉલેસ પણ તે પરિષદમાં ભાગ લેવા ઓસ્ટ્રેલિયા આવ્યા છે. તેઓ ઓસ્ટ્રેલિયાના સંરક્ષણ મંત્રીને મળ્યા હતા. ટૂંકમાં, 'AUKMIN' નામક આ પરિષદમાં ઓસ્ટ્રેલિયા દ્વારા પ્રાપ્ત કરાનારી અણુ-સબમરીનના પ્રશ્નની પણ ચર્ચા કરવામાં આવી હતી.

ઓસ્ટ્રેલિયાના સંરક્ષણ મંત્રી પીટર ડયુટને, રશિયા દ્વારા યુક્રેન સરહદે કરાયેલી લશ્કરી જમાવટ અંગે કહ્યું હતું કે, 'યુક્રેનનાં સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાને અમારો સંપૂર્ણ ટેકો છે.' જ્યારે ટ્રસે પુતિનને ચેતવણી આપતાં કહ્યું હતું કે, 'તમો અટકી જાવ, તમારે યુક્રેનથી પાછા હઠી જવું જોઈએ. આ તમો કોઈ વ્યૂહાત્મક ભૂલ કરો તે પહેલાં જ કરી લેવું જોઈએ. કારણ કે તે તમારી ભયંકર વ્યૂહાત્મક ભૂલ બની રહેશે.' લીઝ-ટ્રસે આ વિધાનો સીડની સ્થિત 'લૉવી ઈન્સ્ટીટયુટ ઓફ ફોરેન-અફેર્સ-થિંક-ટેંક'માં આપેલા એક વક્તવ્યમાં કર્યા હતા

(1:12 am IST)