મુખ્ય સમાચાર
News of Friday, 21st January 2022

અમેરિકા-કેનેડાની સરહદે કાતિલ ઠંડીમાં થીજી જતાં ભારતના એક પરિવારના ચાર સભ્યોનાં મોત

મૃતકોમાં પતિ-પત્ની, એક ટીનેજર પુત્ર અને એક નવજાત બાળકનો પણ સમાવેશ

અમેરિકા-કેનેડાની સરહદે કાતિલ ઠંડીમાં થીજી જતાં ભારતના એક પરિવારના ચાર સભ્યોનાં મોત થયા હતા. આ પરિવારનું અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કરવાના પ્રયાસમાં મોત થયું હતું. મૃતકોમાં એક નવજાત બાળકનો પણ સમાવેશ થાય છે. અમેરિકાના મિનેસોટામાંથી માનવ તસ્કરીનો આરોપી ઝડપાયો હતો.

અમેરિકા-કેનેડાની સરહદે એક ભારતીય પરિવારનું અમેરિકામાં ઘૂસણખોરીના પ્રયાસમાં મોત થયું હતું.

ચાર સભ્યોનો આ પરિવાર કાતિલ ઠંડી અને બરફવર્ષામાં ફસાઈ ગયો હતો. ઠંડીમાં થીજી જવાથી પતિ-પત્ની, એક ટીનેજર પુત્ર અને એક નાનકડાં બાળકનું મોત થયું હતું. મેનટોબા રોયલ કેનેડિયન માઉન્ટેઈન પોલીસે જણાવ્યું હતું કે એમર્સન નજીક કેનેડા-અમેરિકાની સરહદે કેનેડાની હદમાં ચાર મૃતદેહો મળ્યા હતા. પેટ્રોલિંગ દરમિયાન પતિ-પત્ની, એક કિશોર અને એક નવજાત બાળના મોત થયાનું જણાયું હતું.

કેનેડાના પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ ભારતીય પરિવાર સંભવતઃ અમેરિકાની સરહદમાં માનવ તસ્કરી કરાવતા સમુહના સંપર્કમાં હતો. કેનેડાથી અમેરિકામાં ઘૂસણખોરીનો પ્રયાસ થયો હતો, પરંતુ સંપર્ક કે મદદ ન મળવાથી તેમણે સરહદે જ દમ તોડી દીધો હતો. અમેરિકાની સરહદથી સાવ નજીક ૯થી ૧૨ મીટરની દૂરી પર આ મૃતદેહો મળી આવ્યા હતા. ખૂબ અંધારું હોવાથી આ પરિવાર ગુ્રપથી પાછળ રહી ગયા હોવાની શક્યતા છે. રસ્તો ભટકી જવાથી તેઓ આગળ વધી શક્યા નહીં હોય એવી પણ ધારણાં વ્યક્ત થઈ છે.
કેનેડાની પોલીસે અમેરિકન બોર્ડર પોલીસને જાણકારી આપી હતી. એ પછી અમેરિકન પોલીસે તપાસ હાથ ધરી હતી. તેમાં માનવ તસ્કરીમાં સંડોવાયેલો ૪૭ વર્ષનો એક આરોપી ઝડપાયો છે. તે ઉપરાંત અમેરિકામાં ઘૂસણખોરી કરનારા એક ગુ્રપની અટકાયત થઈ હતી. એ ગુ્રપના સભ્યો પાસે બાળકનો સામાન મળ્યો હતો. એ ગુ્રપ આ પરિવારના સભ્યો સાથે હોય એવી શક્યતા વ્યક્ત થઈ હતી. તેના પરથી જ પોલીસે આ પરિવાર પણ ઘૂસણખોરીના પ્રયાસમાં હતો એવું તારણ રજૂ કર્યું છે.
સરહદે મૃતદેહો મળ્યા પછી બંને તરફની બોર્ડર પોલીસ સક્રિય થઈ હતી. તુરંત બંને તરફ ઓપરેશન હાથ ધરાયું હતું. અજાણ્યા લોકોની પૂછપરછ શરૂ કરાઈ હતી. એમાં ફ્લોરિડાનો સ્ટીવ શેન્ડ માનવ તસ્કરીના આરોપમાં પકડાયો હતો. સ્ટીવ શેન્ડે જ આ તમામ લોકોને અમેરિકામાં ઘૂસાડવાની કોશિશ કરાવી હતી. અમેરિકાની બોર્ડર પોલીસ હવે તેની પૂછપરછ કરશે. એ દરમિયાન કેનેડાની પોલીસે પણ મૃતક પરિવારની વધુ ઓળખ અને માહિતી મેળવવાના પ્રયાસો શરૂ કર્યા છે.

(1:10 am IST)