મુખ્ય સમાચાર
News of Friday, 21st January 2022

દેશનો વિદેશી મુદ્રા ભંડાર ઘટીને 632.736 અરબ ડોલર થયો

સોનાના ભંડારનું મૂલ્ય 27.6 કરોડ ડોલર વધીને 39.77 અરબ ડોલર થયું

મુંબઈ : ગત 14 જાન્યુઆરીના રોજ પૂરા થયેલા સપ્તાહમાં દેશનો વિદેશી મુદ્રા ભંડાર  2.229 અરબ ડોલર વધીને 634.965 અરબ ડોલર થયો છે. શુક્રવારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, 7 જાન્યુઆરીએ પૂરા થયેલા સપ્તાહની શરૂઆતમાં વિદેશી મુદ્રા ભંડાર 87.8 કરોડ ડોલર ઘટીને 632.736 અરબ ડોલર થઈ ગયો હતો. જ્યારે 3 સપ્ટેમ્બર, 2021ના રોજ પૂરા થતા સપ્તાહમાં આ રેકોર્ડ 642.453ના ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો. RBIના સાપ્તાહિક ડેટા અનુસાર, 14 જાન્યુઆરીએ પૂરા થયેલા રિપોર્ટિંગ સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડારમાં ઉછાળાનું કારણ વિદેશી ચલણ અસ્કયામતો (FCA) અને સોનાના ભંડારમાં વધારો છે, જે કુલ અનામતનો નોંધપાત્ર ભાગ માનવામાં આવે છે.

રિઝર્વ બેંકના ડેટા અનુસાર, સપ્તાહ દરમિયાન FCA 1.345 અરબ ડોલર વધીને 570.737 અરબ ડોલર થઈ ગયું છે. ડૉલરમાં દર્શાવવામાં આવેલી વિદેશી ચલણ અસ્કયામતોમાં વિદેશી હૂંડિયામણ અનામતમાં રાખવામાં આવેલ યુરો, પાઉન્ડ અને યેન જેવી બિન-યુએસ ચલણની વધ-ઘટનો પણ સમાવેશ થાય છે.

 

આ સમયગાળા દરમિયાન, સોનાના ભંડારનું મૂલ્ય 27.6 કરોડ ડોલર વધીને 39.77 અરબ ડોલર થયું છે. સમીક્ષા હેઠળના સપ્તાહમાં ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) સાથે સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ્સ 12.3 કરોડ ડોલર વધીને 19.22 અરબ ડોલર થઈ ગયા છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડમાં દેશનું ચલણ અનામત પણ 3.6 કરોડ ડોલર વધીને 5.238 અરબ ડોલર થઈ ગયું છે.

 આ વર્ષે દેશના વિદેશી મુદ્રા ભંડારની કસોટી થવાની છે. ભારતે 256 બિલિયન ડોલરના વિદેશી દેવાની ચૂકવણી કરવાની છે. અહીં યુએસ ફેડરલ રિઝર્વ નાણાકીય નીતિને વધુ કડક બનાવવાની તૈયારી કરી રહ્યું છે. વ્યાજ દરમાં વધારો ડોલરના ઘટાડાને વેગ આપશે. નાણા મંત્રાલય દ્વારા સપ્ટેમ્બરમાં જાહેર કરાયેલા આંકડા મુજબ, આગામી 12 મહિનામાં 256 બિલિયન ડોલરનું વિદેશી દેવું મેચ્યોર થઈ રહ્યું છે. સપ્ટેમ્બર 2021માં કુલ બાહ્ય દેવું 596 બિલિયન ડોલર હતું.

રિઝર્વ બેન્કની મોનેટરી પોલિસીની વાત કરીએ તો આવનારા સમયમાં આરબીઆઈ કરન્સીને બચાવવાને બદલે તેની દરમિયાનગીરી ઓછી કરે તેવી શક્યતા વધુ છે. અમેરિકામાં મોંઘવારી દર 39 વર્ષના સૌથી ઉચ્ચા સ્તરે છે. આવી સ્થિતિમાં, ફેડરલ રિઝર્વ સમય પહેલા વ્યાજ દરમાં વધારો કરી શકે છે. જો આમ થશે તો ભારત જેવા દેશોમાંથી ડોલર ઘટશે અને વિદેશી મુદ્રા ભંડાર પર દબાણ વધશે. જેમ જેમ વિશ્વના વિકસિત દેશો વ્યાજદરમાં વધારો કરે છે તેમ તેમ ભારત જેવી ઉભરતી અર્થવ્યવસ્થામાંથી ડોલર આઉટફ્લો વધશે.

(1:05 am IST)