મુખ્ય સમાચાર
News of Friday, 21st January 2022

એલોન મસ્કનો દાવો :માનવ મગજમાં એક વર્ષમાં ચિપ ઈમ્પ્લાન્ટ કરવા તેની કંપની ન્યુરાલિંક તૈયાર

જે કોઈપણ બાહ્ય હાર્ડવેર વિના મગજની અંદર ચાલી રહેલી પ્રવૃત્તિને વાયરલેસ રીતે ટ્રાન્સમિટ કરી શકે

નવી દિલ્હી : એલોન મસ્કે દાવો કર્યો છે કે, તેમની કંપની ન્યુરાલિંક આ ચિપને એક વર્ષથી ઓછા સમયમાં માનવ મગજમાં ઈમ્પ્લાન્ટ કરવા માટે તૈયાર છે. તમને જણાવી દઈએ કે, ન્યુરાલિંકે એવું ન્યુરલ ઈમ્પ્લાન્ટ વિકસાવ્યું છે જે કોઈપણ બાહ્ય હાર્ડવેર વિના મગજની અંદર ચાલી રહેલી પ્રવૃત્તિને વાયરલેસ રીતે ટ્રાન્સમિટ કરી શકે છે. એલોન મસ્ક મનુષ્યો પર બ્રેન-કોમ્પ્યુટર ઈન્ટરફેસ ટેક્નોલોજીનું પરીક્ષણ કરવા માટે એક પગલું આગળ વધ્યા છે. આ માટે, એલોન મસ્કનાં ન્યુરોટેક સ્ટાર્ટઅપ ન્યુરાલિંકે ક્લિનિકલ ટ્રાયલ ડિરેક્ટર માટે જોબ પોસ્ટ કરી છે. એટલે કે, ન્યુરાલિંક બ્રેન-ચિપ સંશોધનને આગલા તબક્કામાં લઈ જવા માટે તૈયાર છે.

  ન્યુરાલિંક પહેલાથી જ ડુક્કર અને વાંદરાઓ પર ટ્રાયલ કરી ચૂકી છે. 9 વર્ષનાં એક વાંદરામાં પણ એક ચિપ હતી, જેથી તે માત્ર મનથી જ વીડિયો ગેમ રમી શકતો હતો. આ સ્ટાર્ટઅપ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને માનવ-AI સિમ્બાયોસિસ બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. એલોન મસ્કે ગયા મહિને કહ્યું હતું કે માનવીઓ પર તેના પ્રારંભિક પરીક્ષણો 2022 માં શરૂ થશે. લકવાગ્રસ્ત લોકોને આમાં સામેલ કરવામાં આવે તેવી શક્યતા છે. આની મદદથી કોમ્પ્યુટર કર્સરનું ડાયરેક્ટ ન્યુરલ કંટ્રોલ મેળવવાનો પ્રયાસ કરવામાં આવશે.

જે પોસ્ટ માટે આ જોઇનિંગ કરવામાં આવી રહી છે તેમાં કહેવામાં આવી રહ્યું છે કે આ હોદ્દો એવા ઉમેદવાર માટે છે જે મિશનને સમજે છે તથા ઉપર અને આગળ જવા માટે ઈચ્છુક અને આતુર છે.” Clinical Trial Director ઉમેદવારને સૌથી વધુ ઇનોવેટિવ ડોક્ટર્સ અને ટોપ એન્જિનિયર્સની સાથ કામ કરવાનુ રહેશે. આ સાથે, ન્યુરાલિંકનાં પ્રથમ ક્લિનિકલ ટ્રાયલ સહભાગી તરીકે કામ કરવાની તક પણ મળશે. બ્લૂમબર્ગે અગાઉ આ અંગે જાણ કરી હતી.

  મસ્કનાં જણાવ્યા અનુસાર, ન્યુરાલિંક ઉપકરણ એક સિક્કાની સાઇઝનું છે અને તેને સ્કલ અથવા ખોપડીમાં લગાવી શકાય છે. ન્યુરાલિંકની ટેક્નોલોજીનો પ્રથમ વ્યવહારુ ઉપયોગ મગજની વિકૃતિઓ અને રોગોથી પીડિત લોકોને ઇલાજ કરવા માટે હશે. એલોન મસ્કએ એમ પણ કહ્યું છે કે, મગજ અને કરોડરજ્જુની સમસ્યાને માત્ર એક ઉપકરણથી સરળતાથી ઉકેલી શકાય છે. સ્પેસએક્સ અને ટેસ્લાનાં ચીફ મસ્કનાં જણાવ્યા અનુસાર, ન્યુરાલિંકનાં મગજની ચિપની સંભાવના અમર્યાદિત છે. તેનાથી લકવો, શ્રવણ, અંધાપો દૂર થઈ શકે છે.

(1:03 am IST)