મુખ્ય સમાચાર
News of Friday, 22nd January 2021

નવો પ્રસ્તાવ ન આપતા ખેડૂતો સાથે સરકારની બેઠક અનિર્ણિત

૧૧મા તબક્કાની બેઠક બાદ પણ મડાગાંઠ યથાવત : તમામ પ્રસ્તાવ આપી દીધા હોઈ તે સિવાયના વિકલ્પો ખેડૂતોને લાવવા કહી સરકારે ચર્ચા માટે તારીખ ન આપી

નવી દિલ્હી, તા. ૨૨ : કૃષિ કાયદાઓ ને લઈને ખેડૂત સંગઠનો  અને કેન્દ્ર સરકારની વચ્ચે શુક્રવારના ચાલી રહેલી ૧૧મા તબક્કાની બેઠક ફરી એક વખત અનિર્ણિતતા સાથે સમાપ્ત થઈ ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે સરકાર તરફથી વધુ કોઈ તારીખ આપવામાં આવી નથી. આજની બેઠકમાં સરકારે યૂનિયનોને આપેલા સંભવિત વિકલ્પો વિશે જણાવ્યું અને કહ્યું કે તેમણે કાયદાઓને સ્થગિત કરવાના પ્રસ્તાવ પર આંતરિક ચર્ચા કરવી જોઇએ. કેન્દ્ર સરકારનું કહેવું છે કે તેમણે ખેડૂતોને તમામ પ્રસ્તાવ આપી દીધા છે, પરંતુ જો ખેડૂતોની પાસે સારો વિકલ્પ છે તો તેઓ સરકારની પાસે લઈને આવી શકે છે.

રિપોર્ટ્સ પ્રમાણે સરકારે કૃષિ કાયદાઓને લઈને સતત ચાલી રહેલી બેઠકોનું કોઈ પરિણામ ના નીકળતું જોઇને પોતાનું વલણ સખ્ત કરી લીધું છે. કહેવામાં આવી રહ્યું છે કે સરકારે ખેડૂતોને કહ્યું છે કે સૌથી સારો અને અંતિમ પ્રસ્તાવ તેમને આપવામાં આવી રહ્યો છે. આગળ વધુ કોઈ પ્રસ્તાવ નહીં આપવામાં આવે. ખેડૂત યુનિયનોએ બેઠકમાં પણ સરકારને કહ્યું કે, ત્રણેય વિવાદાસ્પદ કૃષિ કાયદાઓને સંપૂર્ણ રીતે રદ્દ કરવામાં આવે. બેઠક બાદ ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે, સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે . વર્ષની જગ્યાએ વર્ષ સુધી કૃષિ કાયદાઓને સ્થગિત કરીને ચર્ચા કરી શકાય છે.

તેમણે કહ્યું કે જો પ્રસ્તાવ પર ખેડૂતો તૈયાર છે તો કાલે ફરીથી વાત કરી શકાય છે, બીજો કોઈ પ્રસ્તાવ સરકારે નથી આપ્યો. રાકેશ ટિકૈતે કહ્યું કે, ૨૬ નવેમ્બરના પ્રસ્તાવિત ટ્રેક્ટર રેલી પહેલાની માફક આયોજિત કરવામાં આવશે. ખેડૂત સંગઠનો આજની બેઠકમાં સરકારના વલણથી નારાજ જોવા મળ્યા. ખેડૂત મજૂર સંઘર્ષ કમિટીના નેતા એસએસ પંઢેરે કહ્યું કે, મંત્રીએ અમને સાડા ત્રણ કલાક સુધી રાહ જોવડાવી. જ્યારે તેઓ આવ્યા તો તેમણે અમને સરકારના પ્રસ્તાવ પર વિચાર કરવા કહ્યું અને કહ્યું કે, તેઓ બેઠકોની પ્રક્રિયા સમાપ્ત કરી રહ્યા છે. આંદોલન શાંતિપૂર્ણ રીતે ચાલુ રહેશે.

જો કે કેન્દ્ર સરકારે ખેડૂત નેતાઓને ૧૨-૧૮ મહિના સુધી કાયદાના સ્થગિત રાખવા સંબંધિત તેના પ્રસ્તાવ પર પુનઃવિચાર કરવા કહ્યું છે. લગભગ મહિનાથી ચાલી આવી રહેલા અવરોધને ખત્મ કરવા માટે બંને પક્ષોની વચ્ચે આજે ૧૧માં સ્તરની વાતચીત થઈ. બુધવારના થયેલી વાતચીતના આગળના સમયમાં સરકારે ત્રણેય કૃષિ કાયદાઓને સ્થગિત રાખવા અને સમાધાન નીકાળવા માટે એક સંયુક્ત સમિતિ બનાવવાની રજૂઆત કરી હતી. જો કે ગુરૂવારના વિચાર-વિમર્શ બાદ ખેડૂત યૂનિયનોએ રજૂઆતને ફગાવવાનો નિર્ણય લીધો અને તેઓ કાયદાઓને રદ્દ કરવા અને એમએસપીની કાયદાકીય ગેરંટીની માગ પર મક્કમ રહ્યા હતા.

(8:57 pm IST)