મુખ્ય સમાચાર
News of Friday, 22nd January 2021

મોટા બદલાવ માટે બોલીવુડ તૈયારઃ નવી ફિલ્મોની જાહેરાતોઃ શુટીંગમાં વ્યસ્ત સિતારાઓ

મોટા બજેટ અંગે પુનઃમંથનઃ નાના બજેટ દ્વારા ઓટીટીમાં પ્રવેશઃ પાટા ઉપર પરત ફરી રહી છે ફિલ્મી દુનિયા

મુંબઇઃ કેન્દ્ર સરકારના ૧પ ઓકટોબરથી સીનેમાગૃહો અડધી ક્ષમતાથી ખોલવાના એલાન બાદ ૩ મહિના વિત્યા છતાં કોઇ મોટો ફિલ્મકાર રીલીઝ માટે આગળ નથી આવ્યો. જો કે તામીલ ફિલ્મ 'માસ્ટર' માટે દર્શકો ઉમટી પડતા નિર્માતાઓ ખુશ છે અને બોલીવુડમાં રીલીઝ અંગે યોજના બનાવી રહયા છે.

એપ્રિલમાં રણવીરની '૮૩' ની સાથે પ્રભાતની 'રાધે શ્યામ' આવી શકે છે. મે માં જોનની 'સત્યમેવજયતે-ર', સલમાનની 'રાધે- ધ મોસ્ટ વોન્ટેડ ભાઇ' રીલીઝ થશે. ઉપરાંત આ વર્ષે અક્ષયની 'બેલ બોટમ' અને કાર્તિકની 'ભુલ ભૂલૈયા-ર', અજયની 'મેદાન', શાહરૂખની 'પઠાન' અને આમિરખાનની 'લાલસિંહ ચઢ્ઢા' રીલીઝ થવાની છે.

ગયા વર્ષે ઘણા કલાકારો ખરાબ સમયથી પસાર થયા છે. આ વર્ષે દીપીકા ૬ ફિલ્મોમાં વ્યસ્ત છે. જેમાં રૂત્વીક સાથેની 'ફાઇટર' પણ સામેલ છે. અક્ષય કુમાર પણ ૪ ફિલ્મો માટે કામ કરી રહ્યા છે. અભિષેક પણ ૩ ફિલ્મોમાં અભિનય કરી રહ્યા છે. જયારે અજય દેવગણની ૩ ફિલ્મો રીલીઝ માટે તૈયાર છે. અને ૩ ફિલ્મોના શુટીંગમાં વ્યસ્ત છે.

કોરોનાની રસી આવતા બોલીવુડે પણ રાહતનો શ્વાસ લીધો છે. ગયા વર્ષે વેપાર ખુબ જ પ્રભાવિત થતા હવે તેઓ ફુંકી-ફુંકીને પગલા લે છે. સ્ટારના તોતીંગ મહેનતાણા અને ફિલ્મના બજેટનો પણ પુનઃ વિચાર કરાઇ રહ્યો છે. ઓછા બજેટની ફિલ્મો ઓટીટી માટે બનાવાઇ રહી છે. મોટા સ્ટારતો પોતે જ નિર્માતા છે એટલે પગાર કાપ નથી પણ નાના કલાકારો, ટેકનીશ્યનોના પગાર ઘટયા છે. ઉપરાંત શુટીંગ દરમિયાન કોરોના ગાઇડ લાઇન મુજબ ઓછા લોકો હાજર રહેતા ઘણાને આર્થિક તકલીફ પડે છે.

બોલીવુડમાં ઘણા લોકો પણ કોરોનાથી સંક્રમીત થયા છે. જેમાં બચ્ચન પરીવારથી લઇને મલાઇકા, વરૂણ ધવન વગેરે સામેલ છે. કોરોનાના ડરના કારણે તેમને ઘરમાં સીમીત કર્યા છે. દરરોજના જીવનમાં પણ બદલાવ આવ્યો છે. હાથ મીલાવવા, ગળે મળવાનું બંધ થયું છે. ઉપરાંત ફિલ્મ અંગેની મીટીંગો રૂબરૂને બદલે વિડીયો કોલ ઉપર જ થાય છે. પાર્ટીઓની સંખ્યા પણ ન બરાબર થઇ ગઇ છે. શુટીંગમાં પણ સોશ્યલ ડીસ્ટન્સીંગ, માસ્ક વગેરેનું કડકાઇથી પાલન થઇ રહયું છે.

(3:57 pm IST)