મુખ્ય સમાચાર
News of Friday, 22nd January 2021

રાજસ્થાનઃ લાંચકાંડમાં ફસાયેલા SDM પિંકી મીણાના લગ્નમાં વિધ્નઃ કોર્ટે જામીન ન આપ્યા

ફેબ્રુઆરીમાં છે લગ્નઃ હોટલ પણ બુક થઇ ગઇ છે

જયપુર, તા.૨૨: રાજસ્થાનના બહુચર્ચિત લાંચ કાંડ મામલામાં ગુરુવારે લાંચ લેનારા મહિલા સબ-ડિવિઝનલ મિજિસ્ટ્રેટ (SDM) પિંકી મીણાની જામીન અરજી પર કોર્ટમાં સુનાણી થઈ. RAS (રાજસ્થાન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ) પિંકી મીણાએ લગ્નનું કારણ ધરીને કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી, પરંતુ સરકારી વકીલે દલીલ આપતા કહ્યું કે, જો પિંકી મીણાને જામીન મળશે તો તપાસ પ્રભાવિત થઈ શકે છે. તેના આધારે જ કોર્ટે RAS પિંકી મીણાની જામીન અરજીને નકારી કાઢી.

RAS પિંકી મીણાએ લગ્નનું કારણ આપીને જામીન અરજી દાખલ કરી હતી અને કહ્યું હતું કે તેમને કારણ વિના આ કેસમાં ફસવાઈ રહ્યા છે. એસીબીને ન તો તેમની પાસેથી લાંચની રકમ મળી છે અને ના તેમણે લાંચ માગી હતી.

લાંચ કેચમાં SDM પિંકી મીણાના ફેબ્રુઆરીમાં લગ્ન નક્કી થયા છે અને તેમના ભાવી પતિ પણ ન્યાયાધિકારી છે. પરંતુ હવે જામીન અરજી રદ થઈ જવાથી નિયત તારીખે લગ્ન થવા પર હવે શંકા છે. બીજી તરફ એસીબીની કાર્યવાહી પહેલા પિંકી મીણાના પરિજનો અને તે પોતાના લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત હતા. આ માટે દૌસા નજીક જટવાડામાં એક આલીશાન હોટલ પણ બૂક કરી રખાઈ હતી.

લાંચ કેસનો આ મામલો રાજસ્થાનના દૌસા જિલ્લાનો છે, જયાં હાઈવે નિર્માણ કરનારી કંપનીના માલિકે ફરિયાદ કરી હતી કે ખેડૂતોની જમીનના અધિગ્રહણ અને વળતર આપીને રોડનું નિર્માણ કાર્ય અપાવવાના બદલામાં લાંચ માગવામાં આવી રહી છે. લાંચ માગવાનો સીધો આરોપ દૌસા અને બાંદીકુઈના SDM પર લગાવાયો હતો, જે લાંચ ન આપવાના કારણે પરેશાન કરી રહ્યા હતા. આ ફરિયાદ બાદ ACBના ડીજીએ તેની તપાસ કરાવી તો મામલો સાચો નીકળ્યો. ACBનાજયપુરની ટીમે તપાસ કરતા SDM પિંકી મીણા ૧૦ લાખ રૂપિયાની લાંચ સ્વીકારતા રંગેહાથ પકડાઈ ગયા હતા.

કોણ છે પિંકી મીણા?

સરકારી સ્કૂલથી અભ્યાસ કરનારા પિંકી મીણા ખૂબ જ હોશિંયાર વિદ્યાર્થિની રહ્યા છે. તેમણે પહેલા જ પ્રયાસમાં રાજસ્થાન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસની પરીક્ષા પાસ કરી લીધી હતી. પરંતુ આ દરમિયાન તેઓ ૨૧ વર્ષના ન હોવાથી ઈન્ટરવ્યૂ આપી શકયા નહોતા. પરંતુ ૨૦૧૬માં તેમણે ફરીથી મેરિટ સાથે પરીક્ષા પાસ કરી લીધા. આ બાદ તેમને પહેલું પોસ્ટિંગ ટોંકમાં મળ્યું હતું. પિંકીના તમામ ભાઈ પણ સરકારી વિભાગોમાં નિયુકત છે.

લાંચના આરોપી પિંકી મીણાના સરકારી આવાસ પર ગુરુવારે વીજળી નિગમની ટીમ પહોંચી અને SDMના ઘરનું વીજ કનેકશન કાપી નાખ્યું હતું. SDM દ્વારા વીજ બિલ ભરવામાં નહોતું આવ્યું અને તેમનું ૧૨૫૧૫૪ રૂપિયા બિલ ભરવાનું બાકી હતું. SDMના જેલમાં જતા જ વીજળી વિભાગની ટીમ તેમના દ્યરે પહોંચી અને લાઈટનું કનેકશન કાપી નાખ્યું હતું.

(3:54 pm IST)