મુખ્ય સમાચાર
News of Friday, 22nd January 2021

સ્પર્મ પર પત્નીનો પહેલો હક્ક : કોર્ટ

સ્વર્ગસ્થ યુવકના સ્પર્મ પર કોનો હક્ક? સસરા અને પુત્રવધૂનો ઝઘડો કોર્ટ સુધી પહોંચ્યો

મરતા પહેલા દીકરો સ્પર્મ બેંકમાં જમા કરાવી ગયો હતો સ્પર્મ. પિતા દીકરાની આખરી નિશાનીને વંશવેલો વધારવા માટે પોતાને સોંપાય તેવી માગ સાથે કોર્ટમાં પહોંચ્યા.

કોલકાતા, તા. રર :  મૃતક વ્યકિતના સ્પર્મ બેંકમાં સ્ટોર કરાયેલા સ્પર્મ પર કોનો હક્ક? મૃતકની પત્નીનો, કે પછી તેના પિતાનો? કોલકાતા હાઈકોર્ટમાં આ પ્રકારના એક પેચીદો મામલો સુનાવણી માટે આવ્યો. જેમાં મૃતક યુવકના પિતાએ કોર્ટ સમક્ષ યાચિકા કરી હતી કે પોતાનો વંશવેલો આગળ વધારવા માટે તેમના દીકરાના સ્પર્મ તેમને સોંપવામાં આવે. વૃદ્ધનું કોર્ટમાં પહોંચવાનું કારણ એ હતું કે તેમની પુત્રવધૂ તેના માટે તૈયાર નહોતી, અને પુત્રવધૂની સહમતિ વિના સ્પર્મ બેંક તેમને તેમના દીકરાના સ્પર્મ આપવા માટે તૈયાર નહોતી.

સ્વ. યુવક મૂળ પશ્ચિમ બંગાળનો હતો, અને તેણે દિલ્હીની એક યુવતી સાથે લગ્ન કર્યા હતા. યુવક પહેલાથી જ થેલેસેમિયાથી પીડાતો હતો. જોકે, તેની મેડિકલ કન્ડિશન જોતાં ડોકટરે તેને લગ્ન માટે પરવાનગી આપી હતી. દિલ્હી યુનિ.માં પીએચડી કરતા આ યુવકે ત્યારબાદ ઓકટોબર ૨૦૧૫માં દિલ્હીની એક યુવતી સાથે લગ્ન કર્યા હતા. અભ્યાસ પૂરો થતાં પતિ-પત્ની બંગાળના વેસ્ટ મિદનાપુરમાં પરત ફર્યા હતા અને યુવકે ત્યાંની એક કોલેજમાં ભણાવવાનું શરુ કર્યું હતું.

યુવક દિલ્હીમાં રહેતો હતો ત્યારે જ ડોકટરની સલાહ પર તેણે પોતાના સ્પર્મને સ્પર્મ બેંકમાં જમા કરાવ્યા હતા, જેથી ભવિષ્યમાં સંતાન પ્રાપ્તિમાં કોઈ તકલીફ ના પડે. જોકે, ૨૦૧૮માં આ યુવકનું અચાનક જ મોત થયું હતું. દીકરાએ પોતાનું વીર્ય સ્પર્મ બેંકમાં મૂક્યું છે તે તેના માતાપિતા પણ જાણતા હતા. તેના અવસાન બાદ તેમણે સ્પર્મ બેંકને પત્ર લખીને જણાવ્યું કે બે વર્ષનો કોન્ટ્રાકટ પૂરો થયા બાદ પણ તેમની પરવાનગી વિના દીકરાના સ્પર્મનો નાશ ના કરવામાં આવે.

જોકે, ૨૦૧૯માં હોસ્પિટલે તેમને વળતો પત્ર લખ્યો હતો કે તેમના દીકરાએ પોતાની પત્નીની પ્રેગનેન્સી માટે સ્પર્મ ડોનેટ કર્યા હતા અને તેની પત્નીની પરવાનગી વિના તેઓ સ્પર્મને બીજા કોઈ વ્યકિતને આપી શકે નહીં. સ્પર્મ બેંકના જવાબ બાદ વૃદ્ધે પોતાની પુત્રવધૂને દીકરાના સ્પર્મનો કબજો આપવા માટે જણાવ્યું, પરંતુ તે તેના માટે તૈયાર ના થઈ. આખરે, પોતાના દીકરાના સ્પર્મ માટે વૃદ્ધને કોર્ટમાં જવું પડ્યું.

વૃદ્ધે કોર્ટને જણાવ્યું હતું કે તેમની પુત્રવધૂ દીકરાના સ્પર્મ માટે નો ઓબ્જેકશન સર્ટિ. આપવા માટે તૈયાર નથી. આખરે મામલો નીચલી કોર્ટમાંથી હાઈકોર્ટમાં પહોંચ્યો અને ત્યાં મૃતક યુવકના પિતાએ તેના સ્પર્મ પર પોતાનો હક્ક છે તેવી માગ મૂકી કોર્ટને તેનો કબજો અપાવવા માટે આદેશ કરવા વિનંતી કરી.

જોકે, બંને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ કોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું કે સ્વ. યુવકના લગ્ન થઈ ગયા હતા. જેના કારણે તેના સ્પર્મ પર બીજા કોઈનો નહીં, પરંતુ તેની પત્નીનો પહેલો હક્ક છે. કોર્ટમાં યુવકના પિતાએ એવો ડર વ્યકત કર્યો હતો કે સ્પર્મ બેંક સાથેના એગ્રિમેન્ટના સમયગાળામાં જો તેનો કોઈ ઉપયોગ ના થયો તો શક્ય છે કે તેનો નાશ કરી દેવાય. જોકે, કોર્ટે તેમની આ દલીલ માનવાનો ઈનકાર કરતા કહ્યું હતું કે મૃતકની પત્નીએ કાયદા વિરુદ્ધનું કોઈ કામ નથી કર્યું, જેથી કોર્ટ તેને અરજકર્તાની માગ પ્રમાણે કોઈ પ્રકારનો આદેશ આપી શકે નહીં.

(3:53 pm IST)