મુખ્ય સમાચાર
News of Friday, 22nd January 2021

યુપીમાં ૩પ૦૦૦ વિદ્યાર્થીઓનો સર્વે

કોરોનાએ બદલી નાખ્યો ટ્રેન્ડઃ બિઝનેસને બદલે નોકરી કરવા માંગે છે યુવા પેઢી

કાનપુર તા. રર :.. કોરોનાએ નોકરી અંગેની દૃષ્ટિ બદલાવી નાખી છે. યુપીમાં ૩પ હજાર વિદ્યાર્થીઓ પરના સર્વેમાં જાણવા મળ્યું કે મહામારી પહેલા તેમનામાં બિઝનેસ કરવા બાબતે વધારે રસ હતો પણ લોકડાઉન પછી સરકારી નોકરી તેમની પહેલી પસંદ બની ગઇ હતી.

આઇઆઇટી કાનપુરના સીનીયર વૈજ્ઞાનિક અને એનઆઇટીટીટીઆર, કોલકતાના ડાયરેકટર પ્રોફેસર ડી. પી. મિશ્રાએ ફેબ્રુઆરી ર૦૧૯ થી ડીસેમ્બર ર૦ર૦ વચ્ચે રપ૦ સરકારી અને ખાનગી શાળાઓ પર આ સર્વે કર્યો. જેમાં જાણવા મળ્યું કે મહામારી પહેલા વિદ્યાર્થીઓને બીઝનેસમાં વધારે તક દેખાતી હતી. પણ કોરોના મહામારીના લીધે હાલક ડોલક થયેલ બીઝનેસની અસર તેમની વિચારધારા પર પણ પડી. તેના લીધે બીઝનેસ તરફનું તેમનું વલણ ઘટતું ગયું. મોટાભાગના વિદ્યાર્થીઓએ સરકારી નોકરી પછી ડોકટર અને એન્જીનીયર બનવાની ઇચ્છા વ્યકત કરી.

જો કે બધા વિદ્યાર્થીઓને શિક્ષક બનવું પણ પસંદ નથી. ફકત બે ટકા વિદ્યાર્થીઓએ શિક્ષક બનવાની ઇચ્છા વ્યકત કરી જયારે ડોકટર, એન્જીનીયર અને સરકારી નોકરીની ઇચ્છા ધરાવનારાઓ ૮પ ટકા હતાં. સર્વેમાં સામેલ વિદ્યાર્થીઓએ ત્યાં સુધી કહયું કે જો ડોકટર એન્જીનીયર નહીં બની શકીએ તો શિક્ષક બની જશું.

(11:28 am IST)