મુખ્ય સમાચાર
News of Friday, 22nd January 2021

અરે વાહ...અડધા વિશ્વને જોઇએ છે 'મેડ ઇન ઇન્ડીયા' વેકસીન

અમને પહેલા રસી આપો ૯ર જેટલા દેશોએ સંપર્ક કર્યો ભારતનો : વિશ્વસ્તરે ભારતના ડંકા વાગ્યાઃ રસી સૌથી સુરક્ષિત હોવાથી ભારે ડિમાન્ડ

નવી દિલ્હી તા. રર : ભારતમાં કોરોના સામે રસીકરણ અભિયાન શરૂ થયા પછી અન્ય દેશોમાં પણ તેની માંગ જોર પકડવા લાગી છે. દુનિયાના ૯ર દેશોએ મેડ ઇન ઇન્ડિયા રસી માટે ભારતનો સંપર્ક કર્યો છે તેનાથી વેકસીન હબ તરીકેની શાખ વધુ મજબુત થઇ છે. ગયા શનિવારે રસીકરણ અભિયાન શરૂ થયા પછી ભારતમાં બનેલી રસીઓમાં મામૂલી સાઇડ ઇફેકટ જોવા મળી છે.

આને જોતા દુનિયાના કેટલાયે દેશોની તેમાં દિલચશ્પી વધી છે.ડોમીનીકન રિપબ્લીકના વડા પ્રધાન રૂઝવેલ્ટ સ્કેરીટે વડાપ્રધાન મોદીને પત્ર લખીને રસી મોકલવા અનુરોધ કર્યો છે. તેમણે પત્રમાં લખ્યું છે કે પુરી વિનમ્રતા સાથે હું આપને રસી મોકલવા અનુરોધ કરૂ છે. જેથી અમે અમારા લોકોને મહામારીથી સુરક્ષિત કરી શકીએ.

આ સિવાય બ્રાઝીલે રસી લાવવા માટે ખાસ વિમાન ભારત મોકલ્યું છે. ત્યાંના રાષ્ટ્રપતિ જાયર બોલસોનારો વડાપ્રધાન મોદીને પત્ર લખીને રસી મોકલવાનો અનુરોધ કરી ચુકયા છે. તો બોલીવીયાની સરકારે પ૦ લાખ ડોઝ માટે સીરમ ઇન્સ્ટીટયુટ સાથે કરાર કર્યો છે ભારત સરકાર સદ્દભાવના રૂપે નેપાલ, બાંગ્લાદેશ અને મ્યાંમાર સહિત ઘણા પાડોશી દેશોને પણ રસી મોકલી રહી છે. ભારતે પાડોશી દેશ બાંગ્લાદેશ અને નેપાળ સાથે મિત્રતા નિભાવના તેમને કોરોના રસીના ર૦ લાખ અને ૧૦ લાખ ડોઝ મોકલ્યા છે. મહામારી સામે લડવા માટે આ બન્ને મિત્ર દેશોને રસીના આ ડોઝ મફતમાં અપાયા છે. ભારત ટુંક સમયમાં જ મ્યાંમાર અને સેશેલ્સને પણ રસી સપ્લાય કરશે. આશા છે કે મ્યાંમાર આજે એટલે કે શુક્રવારે ૧પ લાખ ડોઝ મોકલવામાં આવશે આ પહેલા બુધવારે રસીના દોઢ લાખ ડોઝ ભુટાનને અને એક લાખ ડોઝ માલદિવને મોકલાયા હતા વિદેશ પ્રધાન જયશંકર ટવીટ કરીને કહ્યું કે નેપાળે સૌ પહેલા ભારતીય રસી મેળવી છે અમે સૌથી પહેલા પાડોશીઓની મદદ કરીએ છીએ. ભારતે જાહેરાત કરી હતી કે પોતાના પાડોશી દેશો ભુટાન, માલદીવ, બાંગ્લાદેશ, નેપાળ, મ્યાંમાર અને સેશેલ્સને બહુ જલ્દી રસી સપ્લાય કરશે જયારે શ્રીલંકા, અફઘાનીસ્તાન અને મોરેશ્યને રસી ત્યારે સપ્લાય કરવામાં આવશે જયારે ત્યાંથી નિયામક સંસ્થાઓ ભારતીય રસીને મંજુરી આપશે.

(11:01 am IST)