મુખ્ય સમાચાર
News of Wednesday, 22nd January 2020

શનિવાર હોવા છતાં બજેટ દિને શેરબજાર ચાલુ રહેશે

૨૦૧૫માં શનિવારે બજેટ રજૂ થયું હતું : બજેટમાં શેરબજારથી જોડાયેલી ઘણી જાહેરાતોની આશા

મુંબઈ,તા.૨૨ : બજેટના દિવસે શનિવાર હોવા છતાંય બોમ્બે સ્ટોક એક્સ્ચેન્જ ખુલશે. ટ્રેડિંગનો સમય અન્ય દિવસોની જેમ સવારે ૯.૧૫ વાગ્યાથી ૩.૩૦ વાગ્યા સુધીનો રહેશે. બીએસઈએ તેનું નોટિફિકેશન જાહેર કરી દીધું છે. મળતી માહિતી પ્રમાણે શેરબજારથી જોડાયેલા લોકોની અપીલ પર આ નિર્ણય લેવામાં આવ્યો છે કારણ કે બજેટની જાહેરાતોથી બજારમાં ઘણી વધઘટ જોવા મળે છે. ૨૦૧૫માં પણ બજેટનો દિવસ શનિવાર હોવા છતાંય બીએસઈમાં ટ્રેડીંગ થયું હતું.સામાન્ય રીતે શનિવાર-રવિવારે શેરબજાર બંધ રહે છે. આ વર્ષે બજેટમાં ઇનકમ ટેક્સ અને શેરબજારથી જોડાયેલી જાહેરાતોની આશા છે.

             સરકાર ખાનગી અને વિદેશી રોકાણને પ્રોત્સાહન આપતી જાહેરાતો કરી શકે છે. દેશનો ત્રિમાસિક જીડીપી ગ્રોથ ૬ વર્ષના નિચલા સ્તર પર છે. સરકારે વાર્ષિક ગ્રોથ ૫ ટકા રહેવાનું અનુમાન જાહેર કર્યું છે. તે ૧૧ વર્ષમાં સૌથી ઓછો હશે. ગત વર્ષે ૫ જુલાઈએ પૂર્ણ બજેટના દિવસે સેન્સેક્સ ૦.૯૮ ટકા અને નિફ્ટી ૧.૧૪ ટકા નુકસાનમાં રહ્યું હતું. મોદી સરકારના છેલ્લા ૬માંથી ૪ પૂર્ણ બજેટના દિવસે શેરબજારમાં પછડાટ જોવા મળી હતી. જોકે ગત વર્ષે ૧ ફેબ્રુઆરીએ આવેલા અંતરિમ બજેટના દિવસે સેન્સેક્સ ૦.૬ ટકા ફાયદામાં રહ્યો હતો. બજેટના દિવસે સેક્ટર વિશેષથી જેડાયેલી જાહેરાતો થવાથી તે સેક્ટરની કંપનીઓના શેરમાં પણ વધારો અને ઘટાડો જોવા મળે છે.

(7:54 pm IST)