મુખ્ય સમાચાર
News of Wednesday, 22nd January 2020

કાશ્મીરનો રાગ આલાપ્યો ઇમરાનેઃ ટ્રમ્પે 'મદદ'ની આપી ખાતરી

દાવોસમાં ટ્રમ્પ-ઇમરાન વચ્ચે મુલાકાત

દાવોસ, તા.૨૨: સ્વિટ્ઝરલેન્ડના દાવોસમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની મુલાકાત થઇ. બંને નેતાઓની આ મુલાકાત વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF)ની અંદર થઇ. આ દરમ્યાન ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમે ભારત અને પાકિસ્તાનના સંબંધમાં કાશ્મીરને લઇ વિચારી રહ્યા છીએ અને જો અમે મદદ કરી શકીએ છીએ તો ચોક્કસ કરીશું. કાશ્મીરની સ્થિતિ પર અમારી નજીકથી નજર છે. આ સિવાય તેમણે દ્વિપક્ષીય વેપાર અંગે વાત કરી.

WEFની અંદર બેઠકમાં બંને નેતાઓએ અમેરિકા અને પાકિસ્તાનની વચ્ચે સંબંધોને વધારવા પર સહમતિ વ્યકત કરી. રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને વડાપ્રધાન ઇમરાન ખાને પરસ્પર હિત, ક્ષેત્રીય સુરક્ષા, કાશ્મીર અને અફદ્યાનિસ્તાન શાંતિ પ્રક્રિયા પર પણ વાત કરી. બેઠકમાં ઇમરાન ખાને કહ્યું કે પાકિસ્તાન શરૂઆતથી પોતાના ક્ષેત્રમાં શાંતિ સ્થાપવા માટે હિમાયતી રહ્યું છે અને આ સંદર્ભમાં બરાબર કોશિષો પણ ચાલુ છે.

બેઠકમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે ઇમરાન ખાન તેમનો સારો મિત્ર છે. બંને નેતાઓની આ બેઠક પહેલાં જ રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહી દીધું હતું કે કાશ્મીર મુદ્દા અને અફદ્યાન શાંતિ પ્રક્રિયા પર વ્યાપક વાતચીત કરાશે. દાવોસના આ સંમેલનમાં કેટલાંય દેશોના રાષ્ટ્રાધ્યક્ષ પહોંચ્યા છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇમરાન ખાનની મુલાકાત પણ આ સંમેલનની અંદર થઇ છે.

જો કે આ પહેલો મોકો નથી કે જયારે રાષ્ટ્રપતિ ટ્રમ્પે કાશ્મીર પર પોતાનો અભિપ્રાય મૂકયો છે. ગયા વર્ષે ઓગસ્ટમાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે જો ભારત ઇચ્છશે તો તેઓ કાશ્મીર મામલામાં મધ્યસ્થતા કરવા માટે તૈયાર છે, પરંતુ બાદમાં તેમણે કહ્યું કે આ મામલાને ભારત અને પાકિસ્તાનને દ્વિપક્ષીય સ્તર પર ઉકેલવો જોઇએ. આ મુદ્દા પર ખૂબ ચર્ચા થઇ અને ભારતે તેનો જડબાતોડ જવાબ પણ આપ્યો. ભારત શરૂઆતથી કહેતું રહ્યું છે કે કાશ્મીર મુદ્દો પાકિસ્તાનની સાથે દ્વિપક્ષીય છે અને તેના પર ત્રીજા દેશની દખલગીરી તેને કયારેય પસંદ નથી.

ભારત એકબાજુ કાશ્મીરને આંતરિક મુદ્દો ગણાવ્યો છે તો બીજીબાજુ પાકિસ્તાન તેને દુનિયાને અલગ-અલગ મંચો પર ઉઠાવી રહ્યું છે. ગયા વર્ષે નવેમ્બરમાં વડાપ્રધાન ઇમરાન ખાને રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે ફોન પર વાત કરી હતી અને કાશ્મીરના દુઃખડા રોયા હતા. ઇમરાન ખાને એ વાત પર જોર આપ્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પને કાશ્મીર મુદ્દાના શાંતિપૂર્ણ સમાધાન માટે પોતાના પ્રયાસોને ચાલુ રાખવા જોઇએ. આ દરમ્યાન તેમણે કાશ્મીર પર તેની મધ્યસ્થતાની રજૂઆત કરવાના વખાણ કર્યા. તેની સાથે જ ઇમરાન ખાને રાષ્ટ્રપતિ ટ્રમ્પને જમ્મુ-કાશ્મીરની હાલની સ્થિતિથી અવગત કરાવ્યા.

(10:17 am IST)