મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd January 2019

EVM હેકિંગ મામલે ચૂંટણી પંચની ફરિયાદ બાદ દિલ્હી પોલીસે કેસ દાખલ કર્યો :કાયદાકિય પ્રક્રિયા હાથ ધરાશે

ચૂંટણી આયોગે કહ્યું આ મામલે સૈયદ સૂજાનાં નિવેદનને આધારે તપાસ થવી જોઈએ

નવી દિલ્હી :વર્ષ 2014ની લોકસભાની સામાન્ય ચૂંટણીમાં EVM મશીન હેક કરવાનાં સમાચાર વહેતા થતા સમગ્ર દેશનું રાજકારણ ગરમાયું છે અને ઈવીએમ મશીન પર અનેક સવાલો ઉભા થયા છે. ત્યારે આ મામલે કેન્દ્રિય ચૂંટણી પંચે દિલ્હી પોલીસને પત્ર લખીને કાર્યવાહી કરવા જણાંવ્યું છે. દિલ્હી પોલીસે જણાંવ્યું કે, ચૂંટણી પંચ તરફથી તેમને ફરિયાદ મળી છે. આ મુદ્દે આઈપીસી કલમ 505 અંતર્ગત કાયદાકિય પ્રક્રિયા હાથ ધરાશે.

  કેન્દ્રિય ચૂંટણી પંચે દિલ્હી પોલીસને પત્ર લખીને FIR નોંધવા આગ્રહ કર્યો છે. આયોગે જણાંવ્યું છે કે આ મામલે સૈયદ સૂજાનાં નિવેદનને આધારે તપાસ થવી જોઈએ. સોમવારે લંડનમાં સૈયદ સૂજાએ EVM મશીન હેક કરવાનો દાવો કર્યો હતો. આ દરમિયાન સૈયદ સૂજાએ કહ્યું હતું કે, 2014ની ચૂંટણીમાં ભાજપે EVM મશીન હેક કરાવ્યા હતા

 . આ મામલે ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ સૈયદ સૂજાનાં દાવાને ખોટો ઠેરવ્યો અને કહ્યું હતું કે સૈયદ સૂજા સંપૂર્ણ ખોટા છે અને તે કંપનીનાં કર્મચારી નથી કે અન્ય કોઈ પણ રીતે કંપની સાથે જોડાયેલા નથી.

(11:39 pm IST)