મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd January 2019

શીખ રમખાણ : સજ્જને હાજર કરવા વોરંટ જારી

૨૮મી જાન્યુઆરીના દિવસે હાજર કરવા આદેશ : તિહાર જેલના અધિકારીઓ સજ્જનકુમારને કોર્ટમાં હાજર કરવામાં નિષ્ફળ રહેતા દિલ્હી કોર્ટ દ્વારા વોરંટ જારી થયું

નવી દિલ્હી, તા. ૨૨ : દિલ્હીની ખાસ અદાલતે ૧૯૮૪ના શીખ વિરોધી રમખાણના એક મામલામાં કોંગ્રેસના પૂર્વ નેતા સજ્જનકુમારને ૨૮મી જાન્યુઆરીનાદિવસે રજૂ કરવા માટેનો આજે આદેશ કર્યો હતો. જિલ્લા ન્યાયાધીશ પૂનમ બાંબા દ્વારા કુમારની ઉપસ્થિતિને લઇને આ વોરંટ જારી કરવામાં આવ્યું હતું. તિહાર જેલના અધિકારી આજે તેમને કોર્ટમાં રજૂ કરી શક્યા ન હતા. રમખાણના એક અન્ય મામલામાં અપરાધી જાહેર થયા બાદ સજ્જનકુમાર હાલમાં તિહાર જેલમાં હવા ખાઈ રહ્યા છે. નિચલી કોર્ટમાં ચાલી રહેલા બીજા મામલામાં ત્રણ લોકો કુમાર, બ્રહ્માનંદ ગુપ્તા અને વેદપ્રકાશ ઉપર રમખાણો ભડકાવવાનો આરોપ થયેલો છે. આ તમામ ઉપર એવા આરોપ સુલ્તાનપુરીના સુરજિતસિંહની હત્યાના સંબંધમાં ઘડી કાઢવામાં આવ્યા હતા. આ રમખાણો પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની તેમના શીખ બોડીગાર્ડ દ્વારા ૩૧મી ઓક્ટોબર ૧૯૮૪ના દિવસે હત્યા કરવામાં આવ્યા બાદ ભડકી ઉઠ્યા હતા. સાક્ષી ચમકોરે ગયા વર્ષે ૧૯મી નવેમ્બરના દિવસે કોર્ટની સામે કુમારની એવી વ્યક્તિ તરીકે ઓળખ કરી હતી જેમાં શીખોને મારવા માટે કથિતરીતે ભીડને ઉશ્કેરવામાં આવી હતી. કોરે કોર્ટમાં કહ્યું હતું કે, ૧૯૮૪માં રાષ્ટ્રીય પાટનગરના સુલ્તાનપુરી વિસ્તારમાં કુમારને એક ભીડને સંબોધતા દર્શાવવામાં આવ્યા હતા. દિલ્હી હાઈકોર્ટે મામલાને કડકડડુમા કોર્ટથી પટિયાલા હાઉસ કોર્ટમાં ટ્રાન્સફર કર્યો હતો. જિલ્લા ન્યાયાધીશને આરોપીઓના ખર્ચથી કાર્યવાહના વિડિયો રેકોર્ડિંગની માંગ કરી હતી. કુમાર અને અન્ય આરોપી બ્રહ્માનંદ અને વેદપ્રકાશ ખર્ચ ઉપાડવા માટે તૈયાર હતા. દિલ્હી હાઈકોર્ટે ૧૯૮૪ના શીખ વિરોધી રમખાણોના એક મામલામાં ગયા વર્ષે ૧૭મી ડિસેમ્બરના દિવસે કુમારને દોષિત ઠેરવીને આજીવન કેસની સજા ફટકારી હતી.

(7:35 pm IST)