મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd January 2019

ભારતમાં કોઢના રોગીઓ માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરનાર ફ્રાંસના પિયર રેનિયરનું અવસાન

 

Photo: Pierre-Reyniers-640x474

દહેરાદૂનઃ ફ્રાંસના પિયર રેનિયરે ૨૧ વર્ષની ઉંમરે જ ભારતને પોતાનું બીજુ ઘર બનાવી કોઢના દર્દીઓની અનન્ય સેવા કરી હતી. ઉત્તરાખંડમાં કેટલાક કોઢના રોગીઓની દયનીય સ્થિતિ જોઈને તેમણે અહીં જ પોતાનું ઘર બનાવી લીધું.

તેમને ઓળખતા લોકો કહે છે કે જ્યારે પણ કોઈ કોઢના રોગથી પીડિત વ્યક્તિને જોયુ કે તેમનું હૃદય દ્રવી ઉઠતું હતું. પહેલાના સમયમાં કોઢનો રોગ થતા જ દર્દીને ઘર-પરિવારથી અલગ પાડી દેવામાં આવતો હતો અને સમાજ પણ તેમનો બહિષ્કાર કરી દેતો. આવા વ્યક્તિઓ પરિવાર અને સમાજથી દૂર રહેવા માટે મજબૂર બની જતા હતા. તેમની મદદ કરવા માટે રેનિયરે દહેરાદૂન અને ઋષિકેષમાં ચાર હેંડલૂમ સ્ટોર્સ ખોલ્યા હતા અને કોઢના રોગીઓને કામ આપી સમ્માનભેર તેમનું જીવન ચાલે તે માટે પ્રયાસો કર્યા હતા.

હાલ આ સેન્ટર્સમાં 100 લોકો કામ કરી રહ્યા છે. તમામ લોકો કોડ પીડિત અને ત્યજાયેલા છે. આ લોકો હેંડલૂમ અને હેન્ડીક્રાફ્ટ આઇટમ બનાવે છે. આશ્રમમાં કામ કરતા આ લોકોએ કહ્યું કે, ‘તેઓ અમારા માટે દેવદૂત સમાન હતા. અમને અમારા પરિવારે છોડી દીધા હતા પરંતુ તેમણે અમને મદદ કરી. અમારા જેવા અનેક લોકોને અપનાવ્યા હતા.’ 72 વર્ષના પિયરને 7 જાન્યુઆીના રોજ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. જ્યારે સ્વાઇન ફ્લૂના કારણે તેમના ફેંફસા, લિવર અને હાર્ટ કામ કરતા બંધ થઈ ગયા હતા.

પિયર જ્યારે બીમાર પડ્યા ત્યારે તેમના ઇલાજ માટે અનેક લોકો મદદ માટે દોડી આવ્યા હતા. તેમના પરિવાર અને મિત્રોએ પિયરની સારવાર માટે આ દ્વારા રુ.9 લાખનું ફંડ ઉભું કર્યું હતું. તેમના પારિવારીક મિત્ર મંજૂ લોરેંસે કહ્યું કે, ‘જરુરિયાતમંદોની મદદ માટે તેઓ સમર્પિત હતા. તેમણે આ સેન્ટર્સ રાજ્યની હેન્ડીક્રાફ્ટ કળાને સુરક્ષીત રાખવા અને પરિવાર દ્વારા ત્યજી દેવાયેલા લોકોને રોજગાર મળે તે માટે બનાવ્યા હતા.’ તેમણે કહ્યું કે પિરયરની ઇચ્છા હતી કે તેમના અસ્થિઓનો એક ભાગ ગંગામાં વહેડાવવામાં આવે અને બીજો ભાગ કબ્રસ્તાનમાં રાખવામાં આવે. પિયર કોઈ જાતી, ધર્મ કે લીંગ ભેદમાં માનતા નહોતા. તેમની અંતીમ ક્રિયાઓમાં પણ આ ઇચ્છાઓનું સમ્માન કરવામાં આવશે.

(5:10 pm IST)