મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd January 2019

અમેરિકી ચુંટણી ૨૦૨૦: ભારતીય મૂળના અમેરિકી સેનેટર કમલા હેરિસ લડશે રાષ્ટ્રપતિની ચૂંટણી

વોશિંગ્ટન તા. ૨૨ : ભારતીય મૂળના પહેલા અમરિકી સેનેટર કમલા હેરિસે જાહેરાત કરી છે કે તેઓ આગામી ૨૦૨૦માં થનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પોતાની ઉમેદવારી રજુ કરશે. તેમની પાર્ટીએ હાલમાં થયેલી મીડટર્મ ચૂંટણીઓમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. સાથે છેલ્લા બે વર્ષમાં કમલા સેનેટમાં પાર્ટીના એક સ્ટાર નેતા તરીકે ઉભરી આવ્યાં છે. તેઓ વર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ઘ ડેમોક્રેટિક પાર્ટી  તરફથી અવાજ ઉઠાવનારા પ્રમુખ નેતાઓમાં સામેલ છે.

તેમને આફ્રીકી મૂળના અમેરિકી નાગરિકો અને શ્વેત પરાવિસ્તારની મહિલાઓના સારા એવા મતો મળી શકે છે. વર્ષ ૨૦૨૦ની રાષ્ટ્રપતિ ચૂંટણીની રૂઆત ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ આઈઓવામાં થશે, જયાં પ્રથમ પ્રાઈમરી ચૂંટણી થવાનો કાર્યક્રમ છે. મીડિયામાં આવેલા અહેવાલોમાં સંકેત અપાયા છે કે કમલાનો વારંવાર આઈઓવા પ્રવાસ તેમની સભાઓમાં ઓબામા જેવી ઉર્જાનો સંકેત આપે છે.

તેઓ પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાની નીકટ ગણાય છે. ઓબામાએ તેમને ૨૦૧૬માં અમેરિકી સેનેટ સહિત વિવિધ ચૂંટણીઓના મેદાનમાં ઉતાર્યા હતાં. કેલિફોર્નિયાના ઓકલેન્ડમાં જન્મેલા કમલા ભારતના  રહીશ શ્યામલા ગોપાલન અને જમૈકા મૂળના અમેરિકી નાગરકિ ડોનાલ્ડ હેરિસના સંતાન છે. કમલાના માતા શ્યામલા ગોપાલન ૧૯૬૦માં ચેન્નાઈથી અમેરિકા ગયા હતાં.

ઓબામાના કાર્યકાળ દરમિયાન તેઓ ફીમેલ ઓબામા તરીકે ઓળખાતા હતાં. એક દાયકા પહેલા પત્રકાર ગ્વેન ઈફિલે તેમને ફીમેલ ઓબામા કહ્યાં હતાં. ત્યારબાદ વિલોબાયના એક કારોબારી ટોની પિન્ટોએ તેમને એક યુવતી અને રાષ્ટ્રપતિનું મહિલા સ્વરૂ ગણાવ્યાં હતાં.

તેઓ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીમાંથી બે ડઝન જેટલા સંભવિત ઉમેદવારોમાં સામેલ છે. જો કે કોઈ પણ નેતાએ પોતાની ઉમેદવારી માટે હજુ સુધી ઔપચારિક જાહેરાત કરી નથી. નેતાઓમાં સેનેટર બર્ની સેન્ડર્સ, પૂર્વ વિદેશ મંત્રી હિલેરી કિલન્ટન, અને પૂર્વ ઉપ રાષ્ટ્રપતિ જો બિડેન મુખ્યપણે સામેલ છે. હવાઈથી અમેરિકી કોંગ્રેસમાં પ્રથમ હિન્દુ સાંસદ તુલસી ગબાર્ડ પણ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઉમેદવારી મેળવવાની રેસમાં સામેલ છે. (૨૧.૨૭)

(3:48 pm IST)