મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd January 2019

ખેડૂત દેવા માફીથી નહીં થાય ફાયદો, કેશ સબસિડી સારી

IMFની ચીફ ઇકોનોમિસ્ટ ગીતા ગોપીનાથનો દાવોઃ ગોપીનાથે કહ્યું કે, કૃષિ ક્ષેત્ર અને રોજગારનું સર્જન એનડીએ સરકાર માટે મુખ્ય મુદ્દા છે : આ વર્ષે ભારતીય અર્થવ્યવસથા માટે મુખ્ય ચિંતાના વિષય પણ રહેશે

નવી દિલ્હી તા. ૨૨ : ભારતીય મૂળની જાણીતી અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ (IMF)ની ચીફ ઇકોનોમિસ્ટનું પદ સંભાળ્યા બાદ વૈશ્વિક વિકાસનો પહેલો રિપોર્ટ રજૂ કરતાં ભારતીય અર્થવ્યવસ્થા પર મોટી ભવિષ્યવાણી કરી છે. તેમણે કૃષિ લોન માફીને લઈને કહ્યું કે આવી લોકલુભાવન ઉપાયોથી ખેડૂતોની સમસ્યાઓનું સ્થાઈ સમાધાન નહીં થાય. તેને બદલે કેશ સબસિડી સારી રહેશે.

દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમના અવસરે સીએનબીસી-ટીવી૧૮ સાથેની મુલાકાતમાં ગીતા ગોપીનાથે જણાવ્યું કે, મારું માનવું છે કે કૃષિ ક્ષેત્ર પર ભારે સંકટ છે અને કૃષિ લોન માફી સ્થાઈ સમાધાન નથી. તેઓએ કહ્યું કે કેશ સબસિડી લોન માફીની સામે સારી રહેશે.

ગોપીનાથે કહ્યું કે લોન માફી કરતાં કેશ સબસિડીની અસર સારી અને વ્યાપક રહેશે. તેઓએ કહ્યું કે સરકારોને ખેડૂતોને પાક વધારવા માટે સારી ટેકનીક એન બીજ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી જોઈએ. આગામી લોકસભા ચૂંટણીને જોતા અનેક રાજય સરકારોએ કૃષિ લોન માફીની જાહેરાત કરી છે.

ઉત્તર ભારતના ત્રણ હિન્દી ભાષી રાજય મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં કોંગ્રેસે સતામાં આવ્યા બાદ તરત કૃષિ લોન માફીની જાહેરાત કરતાં ખેડૂતોને કરેલા વાયદાને પૂરો કર્યો. તેને જોતા ભાજપ શાસિત રાજય ગુજરાત અને આસામે પણ તેને અપનાવ્યું.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે તેમની પાર્ટી તથા અન્ય લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આરામ નહીં કરવા દે, જયાં સુધી સમગ્ર ભારતમાં લોન માફી યોજના લાગુ થઈ જાય.

બીજી તરફ, આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને પણ કૃષિ લોન માફી પર વિરોધ વ્યકત કર્યો હતો. સાથોસાથ ઇલેકશન કમીશનને રાજકીય પાર્ટીઓને તેને ચૂંટણી વાયદાનો મુદ્દો બનાવવાથી રોકવાની માંગ કરી હતી.(૨૧.૨૫)

(3:45 pm IST)