મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd January 2019

પેટ્રોલ-ડીઝલ સતત ૧૩મા દિવસેમોંધા

ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ દિલ્હી કોલકાતા અને મુંબઇમાં પેટ્રોલની કિંમતમાં ૧૩ પૈસા જયારે ચેન્નાઇમાં ૧૪ પૈસા પ્રતિ લિટરનો વધારો કર્યો છે

મુંબઇ, તા.૨૨: પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત વધારો થઇ રહ્યો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ દિલ્હી કોલકાતા અને મુંબઇમાં પેટ્રોલની કિંમતમાં ૧૩ પૈસા જયારે ચેન્નાઇમાં ૧૪ પૈસા પ્રતિ લિટરનો વધારો કર્યો છે. જયારે ડીઝલનાં ભાવમાં દિલ્હી અને કોલકાતમાં ૧૯ પૈસા જયારે મુંબઇમાં ૨૦ પૈસા અને ચેન્નાઇમાં ૨૧ પૈસા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો છે. દિલ્હી, કોલકાતા, મુંબઇ અને ચેન્નાઇમાં મંગળવારે પેટ્રોલનાં ભાવ ક્રમશ ૭૧.૨૭ રૂપિયા, ૭૩.૩૬ રૂપિયા, ૭૬.૯૦ રૂપિયા અને ૭૩.૯૯ રૂપિયા પ્રતિ લિટર નોંધાયા છે. ચારેય મહાનગરોમાં ડીઝલની કિંમત ભાવ વધારા બાદ ક્રમશ ૬૫.૯૦ રૂપિયા, ૬૭.૬૮ રૂપિયા, ૬૯.૦૧ રૂપિયા અને ૬૯.૬૨ રૂપિયા પ્રતિ લિટર થઇ ચુકી છે.

બીજી તરફ દિલ્હીના પાડોશમાં રહેલા નોએડામાં પેટ્રોલ ૭૦.૮૨ રૂપિયા પ્રતિ લિટર અને ડિઝલ ૬૪.૮૯ રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે,દિલ્હીની તુલનામાં ગાઝિયાબાદ અને નોએડામાં ટેકસ ઓછો હોવાનાં કારણે પેટ્રોલ-ડીઝલ પ્રમાણમાં સસ્તું મળે છે.

આંતરરાષ્ટ્રીય વાયદા બજાર કાચા તેલમાં નરમી જોવા મળી રહી છે. જો કે બ્રેંટ ક્રુડનો ભાવ અત્યાર સુધી ૬૨ ડોલર પ્રતિ ડોલરથી ઉપર ચાલી રહ્યો છે અને ડબલ્યુટીઆઇ પણ ૫૩ ડોલર પ્રતિ બેરલનાં ઉચ્ચ ભાવ પર યથાવત્ત્ છે. કોમોડિટી વિશ્લેષક જણાવે છે કે ચીનની મંદીના રિપોર્ટ આવ્યા બાદ વૈશ્વિક અર્થવ્યવસ્થાનાં વિકાસની ગતિ અટકવાનાં અંદેશા વચ્ચે કાચા તેલની કિંમતમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.(૨૨.૧૦)

 

(3:44 pm IST)