મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd January 2019

વરસાદ અને હિમપાતથી ઉત્તર ભારત બેહાલઃ હિમાચલમાં ૨૦૦ માર્ગો બંધઃ દિલ્હીમાં દિવસે અંધારૂ છવાયું: રાતભર વરસાદ પડયો

દિલ્હીમાં દિવસે અંધારૂ છવાતા વાહનચાલકોને લાઈટો ચાલુ કરવી પડીઃ ટ્રેન-વિમાન સેવાને અસરઃ કાશ્મીર અને હિમાચલમાં નવેસરથી બરફવર્ષાઃ જનજીવન ખોરવાયું: કાતિલ ઠંડીનું મોજુ

નવી દિલ્હી, તા. ૨૨ :. દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતમાં હવામાન બદલાયુ છે. હિમાલયના રાજ્યોમાં વરસાદ સાથે બરફ પડયો છે તો આજે સવારે દિલ્હી અને એનસીઆરના નઝારાએ લોકોને આશ્ચર્યમાં મુકી દીધા હતા. દિલ્હી અને તેની સાથેના નોઈડા, ગાઝીયાબાદ, ગુડગાવ અને ફરીદાબાદમાં સવારે ૯ વાગ્યે એવુ અંધારૂ છવાઈ ગયુ જાણે કે રાત પડી ગઈ હોય ! માર્ગો ઉપર વાહનોની હેડ લાઈટ ચાલુ કરવી પડી હતી. હવામાનની અસર ફલાઈટ અને ટ્રેનો પર પણ પડી હતી. દિલ્હીથી દોડતી ૧૫ ટ્રેનો મોડી છે.

દિલ્હી એનસીઆરમાં વરસાદની શરૂઆત ગઈકાલે સાંજે થઈ હતી. ગઈ મોડી રાતથી વરસાદ ચાલુ હતુ જેના કારણે ઠંડી વધી હતી. દિલ્હીના સુભાષનગર અને ગુડગાવમાં વરસાદ સાથે કરા પડયા હતા. ઠેર ઠેર પાણી ભરાયેલ જોવા મળ્યુ હતું. હવામાન ખાતાના કહેવા મુજબ હજુ ચાર દિવસ આવુ હવામાન રહેશે.

આજે સવારે ૯ વાગ્યે અંધારૂ છવાઈ ગયુ હતુ. જેને કારણે વાહનચાલકોને લાઈટો ચાલુ કરવી પડી હતી અને મુશ્કેલી પડી હતી.  હિમાચલ અને જમ્મુ કાશ્મીરમાં નવેસરથી બરફ પડતા મુશ્કેલી પડી છે. સીમલા, કુલુમનાલી, ચંબા, મંડી, કિન્નોરમા પણ ભારે બરફ પડતા જનજીવન ખોરવાઈ ગયુ છે. નેશનલ હાઈવે સહિત ૨૦૦ નાના મોટા માર્ગો બંધ છે. અનેક વિસ્તારોમાં વિજળી-પાણીનું સંકટ ઉભુ થયુ છે.(૨-૭)

(11:20 am IST)