મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd January 2019

૧૦૦ - ૨૦૦ ભારતીયોને ન્યુઝીલેન્ડ લઇ જઇ રહેલી બોટ મધદરિયે ગુમ : શોધખોળ ચાલુ

આ બોટ ૧૨ જાન્યુઆરીના રોજ કેરળના મુનામબામ હાર્બરથી રવાના થઇ હતી

નવી દિલ્હી તા. ૨૨ : ૧૦૦થી ૨૦૦ ભારતીયોને લઈને જઈ રહેલી એક બોટ ગુમ થઈ ગઈ છે. ભારતીય પોલીસે કહ્યું છે કે શકયતા છે કે આ બોટ ન્યૂઝીલેન્ડ તરફ જઈ રહી હશે. પોલીસને આ લોકોની ૭૦થી વધુ બેગ મળી છે. આ ભારતીયોમાં મોટાભાગના નવી દિલ્હી અને તમિલનાડુના છે.

 

ભારતીયો એક ફિશિંગ બોટમાં સવાર હતા. પ્રારંભિક અહેવાલો મુજબ તમામ શરણાર્થી હતા. આ બોટ ૧૨ જાન્યુઆરીના રોજ કેરળના મુનામબામ હાર્બરથી રવાના થઈ હતી. આ મામલામાં બે અધિકારી પણ સામેલ હોવાનું બહાર આવ્યું છે. આ મામલામાં નવી દિલ્હીથી એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. દેશની રાજધાની દિલ્હીથી ધરપકડ કરાયેલા વ્યકિતનું નામ પ્રભુ ધાંડાપાની છે. પોલીસનું કહેવું છે કે આ ઘટનાક્રમમાં સામેલ બંને અધિકારીઓએ જણાવ્યું કે બોટ ન્યૂઝીલેન્ડ જવા માટે રવાના થઈ હતી.

મળતી માહિતી મુજબ, બોટમાં ૧૦૦થી ૨૦૦ લોકો સવાર હતા. જેમાં મહિલા અને બાળકોનો પણ સમાવેશ થાય છે. પોલીસ અધિકારી વીજી રવિન્દ્રએ જણાવ્યું કે બોટમાં સવાર લોકોની ૭૦થી વધુ બેગ મળી આવી છે. તેમાંથી ૨૦થી વધુ લોકોના ઓળખ પત્ર પણ પોલીસને મળ્યા છે.

પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ, આ બેગમાં કપડા અને ડ્રાઈ ફ્રૂટ જેવો સામાન મળ્યો છે. એટલે કે લાંકો લાંબી યાત્રાની તૈયારીના ઉદ્દેશ્યથી ગયા હતા. પોલીસ અધિકારી એમજે સોજને કહ્યું કે મળેલા સામાનથી લાગે છે કે લાંબી દરિયાઈ યાત્રાના ઉદ્દેશ્યથી લોકોએ પોતાની બેગ કરી હતી.

મળતી માહિતી મુજબ, ગુમ થેયલા લોકો મધદરિયામાં જ કયાંક ફસાઈ ગયા છે. પોલીસનું કહેવું છે કે ભારતીય એજન્સીઓની આ લોકોની તલાશમાં લાગેલી છે. તેમાં કોસ્ટ ગાર્ડની ટીમો પણ સામેલ છે.

ન્યૂઝીલેન્ડ જવા માટે શરણાર્થીઓને ૭૦૦૦ માઇલ દરિયાઈ યાત્રા કરવી પડે છે. આ યાત્રાને દુનિયાની સૌથી મુશ્કેલ દરિયાઈ યાત્રાઓમાં એક માનવામાં આવે છે. આ દરમિયાન સુમદ્રમાં સાઇકલોન, તોફાન અને વરસવાદમાં ફસાવા અને હવામાન ખરાબ હોવાનો ડર રહે છે. સૌથી મુશ્કેલ પડકાર ઇન્ડોનેશિયાથી ઓસ્ટ્રેલિયાની વચ્ચેના રસ્તામાં આવે છે.

ન્યૂઝીલેન્ડના ઇમિગ્રેશન અધિકારી પાસેથી આ વિશે માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો પરંતુ તેમનો સંપર્ક ન થઈ શકયો. હાલ ભારતીય પોલીસ આ મામલામાં ગુમ થયેલા લોકોના પરિવાર પાસેથી વધુ જાણકારી એકત્ર કરવાનો પ્રયાસ કરી રહી છે. બીજી તરફ, દરિયામાં પણ આ લોકોનું સર્ચ અભિયાન ચાલી રહ્યું છે.

(10:32 am IST)