મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd January 2019

૧ ફેબ્રુઆરીથી કેન્દ્રનાં તમામ વિભાગોમાં લાગુ થશે આર્થિક અનામત

સામાન્ય શ્રેણીના આર્થિક રીતે નબળા વર્ગ (EWS)ના લોકોને ૧ ફેબ્રુઆરીથી કેન્દ્ર સરકારની નોકરીઓમાં ૧૦ ટકા અનામતનો લાભ મળી શકશે

નવી દિલ્હી તા. ૨૨ : આર્થિક અનામત (EWS)નાં લોકોને ૧ ફેબ્રુઆરીથી કેન્દ્ર સરકારની નોકરીઓમાં ૧૦ ટકા અનામતનો લાભ મળી શકે છે. કેન્દ્ર સરકારની તે નોકરીઓ જેની નિયુકિત પ્રક્રિયાનું નોટિફિકેશન બહાર પાડી દેવાયું છે તેમાં લાગુ નહી પડે, પરંતુ ૧ ફેબ્રુઆરી બાદનાં તમામ નોટિફિકેશનમાં ૧૦ ટકા અનામત લાગુ પડી જશે. આ અંગે કેન્દ્ર સરકારનાં કાર્મિક વિભાગે એક આદેશ બહાર પાડીને અનામત માટે જરૂરી નિયમોનો ઉલ્લેખ કર્યો છે.

૧૯ જાન્યુઆરીએ કાર્મિક વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા સર્કુલરમાં જણાવવામાં આવ્યું કે, સામાન્ય વર્ગનાં તે લોકો જેમણે અત્યાર સુધી કોઇ પણ પ્રકારની અનામત મળી નથી અને જેમનાં પરિવારની કુલ આવક ૮ લાખ રૂપિયાથી ઓછી છે તે તમામને નવી અનામત વ્યવસ્થા હેઠળ પાત્ર માનવામાં આવશે.

વિભાગનાં આદેશ અનુસાર અનામત માટે અરજી કરનારા વ્યકિત સાથે તેના માતા-પિતા, ૧૮ વર્ષથી ઓછી ઉંમરના ભાઇ બહેન, પત્ની અને નાના બાળકોને પરિવારને શ્રેણીમાં મુકવામાં આવશે. તે ઉપરાંત પરિવારની તપાસ દરમિયાન પરિવારનાં તમામ  સ્ત્રોતો થકી થનારી કુલ આવકની તપાસ થશે. આ દરમિયાન ખેતી, નોકરી, વ્યાપાર અને અન્ય મદોંથી પરિવારની કુલ આવકને જોડવામાં આવશે અને જો ૮ લાખ રૂપિયાથી ઓછાની હોય તો અરજદારને અનામત મળવા પાત્ર થશે.

કેબિનેટ દ્વારા મંજુર પ્રસ્તાવ અનુસાર જે પરિવારો પાસે ૫ એકર અથવા તેનાથી વધારેની ખેતી યોગ્ય જમીન અથવા ૧ હજાર સ્કવેર ફીટ અથવા તેનાથી વધારે ક્ષેત્રફળનું ઘર હશે તેમને અનામતનો લાભ નહી આપવામાં આવે. સાથે જ તે લોકો જેમની પાસે ૨૦૦ ગજથી વધારેની નિગમની બિન અધિસુચીત જમીન હોય અથવા ૧૦૦ ગજથી વધારેની અધિસૂચિત જમીન હોય તેઓ પણ અનામત નહી મેળવી શકે.(૨૧.૮)

(10:32 am IST)