મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd January 2019

ખોટા સમાચાર કેમ છાપ્યા? અજીત ડોભાલના પુત્રએ કોંગ્રેસ મેગેઝીન સામે કર્યો માનહાની કેસ

જયરામ રમેશ સામે પણ કેસ : આજે સુનાવણી

નવી દિલ્હી તા. ૨૨ : રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલના પુત્ર વિવેક ડોભાલે કોંગ્રેસની ન્યૂઝ મેગેઝિન દ્વારા બદનક્ષી કરતો આર્ટિકલ પબ્લિશ કરવા પર માનહાનિનો દાવો માંડ્યો છે. મેગેઝિન ઉપરાંત વિવેક ડોભાલે આર્ટિકલના લેખક કૌશલ શ્રોફ અને કોંગ્રેસના નેતા જયરામ રમેશ જેણે ૧૭મી જાન્યુઆરીએ પ્રેસ કોન્ફરન્સ કરીને આર્ટિકલમાં લખેલા તથ્યો વિનાના આરોપોનું પુનરાવર્તન કર્યું હતું, તેમની વિરુદ્ઘ પણ ફરિયાદ દાખલ કરી છે. મેગેઝિનમાં પબ્લિશ થયેલા આર્ટિકલમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે વિવેક ડોભાલ એક હેઝ ફંડ ચલાવે છે, જેના પ્રમોટર્સ શંકાસ્પદ છે. વિવિકે દાવો કર્યો છે કે મેગેઝિન દ્વારા ઈરાદાપૂર્વક રીતે તેમના પિતા પાસેથી બદલો લેવા માટે તેને બદનામ કરવામાં આવ્યો છે.

આ પહેલા કારવાને ૧૬ જાન્યુઆરીએ પોતાની જર્નલમાં પબ્લિશ 'ધ ડિ કંપનીઝ'માં કહ્યું હતું કે વિવેકે ડોભાલે કેયમેન નામના ટાપુ પર રોકાણ કરેલું છે, જે ટેકસ હેવન તરીકે ઓળખાય છે. અને તેની કંપનીનું રજીસ્ટ્રેશન ૨૦૧૬માં મોદી સરકારે કરેલી નોટબંધીના માત્ર ૧૩ દિવસમાં કરાવેલું છે.

આજે એડિશનલ ચીફ મેટ્રોપોલિયન મેજીસ્ટ્રેટ સમર વિશાલ આ કેસની સુનાવણી કરવાના છે. વિવેકે આરોપ લગાવ્યો છે કે આર્ટિકલમાં લખેલું તેનું સંપૂર્ણ વર્ણન એવી રીતે કરવામાં આવ્યું છે, જે વાંચકોને કંઈક ખોટું હોય તેમ જણાવી રહ્યું છે. ફરિયાદમાં કહેવાયું છે કે, આર્ટિકલમાં ફકરાઓની ગોઠવણ વાંચકોને ગૂંચવણમાં નાખવાના હેતૂથી અને તેમને એવા વિચાર સાથે છોડી દેવાના હેતૂથી કરાઈ છે કે ત્યાં કોઈ મોટું ષડયંત્ર રચાયેલું છે.(૨૧.૭)

 

(10:30 am IST)