મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd January 2019

જમીન ખરીદી કેસ

વાડ્રાની મુશ્કેલી વધી : ED સમક્ષ હાજર થવા ફરમાન

૧૨ ફેબ્રુ.એ ઇડી સમક્ષ હાજર થવું પડશે

બીકાનેર તા. ૨૨ : કોલયાત વિસ્તારમાં ૨૭૫ વીઘા જમીન ખરીદીના મામલે રોબર્ટ વાડ્રા અને તેમની માત મૌરીન વાડ્રાને રાજસ્થાન હાઈકોર્ટમાંથી રાહત નથી મળી. તેઓને ૧૨મી ફેબ્રુઆરી EDની સામે હાજર થવું પડશે. EDએ નવેમ્બરના છેલ્લાં સપ્તાહમાં વાડ્રાને ત્રીજી વખત સમન જાહેર કર્યું હતું. તે પહેલાં બે સમનને તેઓએ મચક આપી ન હતી.

 

હાઈકોર્ટના જસ્ટિસ પુષ્પેન્દ્ર સિંહ ભાટીની બેંચ વાડ્રાની કંપની સ્કાઈ લાઈટ હોસ્પિટાલિટી લિમિટેડની અરજી પર સોમવારે સુનાવણી કરી રહી હતી. કેન્દ્ર સરકાર તરફથી એડીશનલ સોલિસિટર જનરલ રાજદીપ રસ્તોગીએ કહ્યું હતું કે આ કોઈ FIR નથી, જેને રોકી ન શકાય. આ અંગે કોર્ટે કંપનીના તમામ લોકોને EDની સામે હાજર થવાના આદેશ આપ્યાં છે.

વકીલની દલીલ - વાડ્રાની પુત્રીનું ઓપરેશન થવાનું છે

૧.વાડ્રાના વકીલ કુલદીપ માથુરે કોર્ટે જણાવ્યું કે તેમના અસીલ તપાસમાં સહયોગ માટે તૈયાર છે, પરંતુ તેમની પુત્રીનું ઈંગ્લેન્ડમાં ગોઠણનું ઓપરેશન થવાનું છે. આ અંગે કોર્ટે કહ્યું કે બંને પક્ષના વકીલ હાજર થવાની તારીખ પોતે જ નક્કી કરી લે. જે બાદ ૧૨ ફેબ્રુઆરીની તારીખ નક્કી કરાઈ છે. રોબર્ટ વાડ્રા અને પ્રિયંકા ગાંધીની પુત્રી મિરાયા (૧૬ વર્ષ)  બાસ્કેટબોલ ખેલાડી છે. તે સબ જૂનિયર વર્ગમાં રાષ્ટ્રીય સ્તરે રમી ચૂકી છે. સૂત્રોનું માનવામાં આવે તે રમત દરમિયાન મિરાયાના ગોઠણમાં ઈજા થઈ હતી.

ધરપકડ માટે અરજી  આપવી પડશે

૨.એએસજી રસ્તોગીએ કોર્ટને નિવેદન કર્યું કે વાડ્રા અને તેમની કંપનીના લોકો દોષી જાહેર થાય તો તેમની ધરપકડ પર લગાવવામાં આવેલી રોક હટાવવામાં આવે. આ અંગે કોર્ટે કહ્યું કે તેના માટે બાદમાં એક અરજી રજૂ કરી આદેશ લઈ શકાય છે.

શું છે મામલો?

૩.બીકાનેરના કોલાયત વિસ્તારમાં ૨૭૫ વીઘા જમીન ખરીદવામાં આવી હતી. એએસજી રાજદીપ રસ્તોગીએ કોર્ટને જણાવ્યું કે રોબર્ટ વાડ્રાએ મૌરીન વાડ્રાને એક ચેક આપ્યો હતો. આ ચેકથી વચેટિયા મહેશ નાગરે પોતાના ડ્રાઈવરના નામે જમીન ખરીદી આ સમગ્ર કૌભાંડને પાર પાડ્યું હતું. આ તપાસનો વિષય છે.(૨૧.૬)

 

(10:30 am IST)