મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd January 2019

ગરીબ બુઝુર્ગ, દિવ્યાંગ, વિધવા પેન્શન યોજનામાં વધારાની તૈયારી

સવર્ણ આરક્ષણ બાદ કેન્દ્ર સરકાર વધુ એક મોટી જાહેરાત કરવાની તૈયારીમાં: ગ્રામીણ વિકાસ મંત્રાલયે તૈયાર કરેલી દરખાસ્તને મંજુરીની તૈયારીઃ પેન્શન માસિક રૂ. ૨૦૦થી વધારીને રૂ. ૮૦૦ કરવા પ્રસ્તાવઃ ૮૦ વર્ષથી ઉપરના વડીલોનું પેન્શન રૂ. ૫૦૦થી વધારીને ૧૨૦૦ કરાશેઃ ૧૮૦૦૦ કરોડનો નવો બોજો આવે તેવી શકયતા

નવી દિલ્હી, તા. ૨૨ :. આગામી લોકસભાની ચૂંટણી માટે હવે થોડાક મહિનાનો સમય બાકી રહ્યો છે. એવામાં કેન્દ્ર સરકાર એક પછી એક મોટા મોટા નિર્ણયો લઈ રહી છે કે જેથી મોદી સરકાર ફરીથી સત્તા પર આવી શકે. ગરીબ સવર્ણોને ૧૦ ટકાનો લાભ આપ્યા બાદ હવે ગરીબ બુઝુર્ગો, વિધવા મહિલાઓ, દિવ્યાંગો વગેરેનું પેન્શન વધારવા સરકાર ગંભીરપણે વિચારી રહી છે. ગ્રામિણ વિકાસ મંત્રાલયે ગરીબ બુઝર્ગ, દિવ્યાંગ અને વિધવા મહિલાઓનું માસિક પેન્શન વધારવાનો પ્રસ્તાવ કર્યો છે. આ લોકોના માસિક પેન્શનને ૨૦૦ રૂ.થી વધારી ૮૦૦ રૂ. સુધી કરવાનો પ્રસ્તાવ છે. સાથોસાથ જે બુઝુર્ગ લોકોની ઉંમર ૮૦ વર્ષથી વધુ હોય તેમનુ પેન્શન ૫૦૦ રૂ.થી વધારીને ૧૨૦૦ રૂ. કરવાનો પ્રસ્તાવ છે.

મંત્રાલય તરફથી પ્રસ્તાવ સરકારને આપી દેવાયો છે. એવામાં આ પ્રસ્તાવને લાગુ કરવામાં આવે તો સરકાર ઉપર ૧૮૦૦૦ કરોડનું વધારાનો બોજો પડી શકે છે. એવુ માનવામાં આવે છે કે, ૧લી ફેબ્રુઆરીએ રજુ થનારા વચગાળાના બજેટમાં કેન્દ્ર સરકાર આને સામેલ કરી શકે છે. ગ્રામીણ વિકાસ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ છે કે આ પ્રસ્તાવ પર વિચાર થઈ રહ્યો છે અને તેને લાગુ કરવાની સંભાવનાઓ ઉપર ચર્ચા શરૂ થઈ રહી છે. એવામાં જો આ પ્રસ્તાવનું એલાન થાય તો મંત્રાલય કેબીનેટમાં તેને લઈને જશે.

આની સાથે સાથે આ યોજનાઓમાં વધારાના લોકોને સામેલ કરવા પણ વિચારવામા આવી રહ્યુ છે. રાજ્ય સરકારો સાથે પણ આને લઈને ચર્ચા થઈ રહી છે જેથી કેન્દ્ર ઉપરાંત રાજ્યમાં પણ લોકોને આ યોજનાનો લાભ મળી શકે. તાજેતરમાં ૩ રાજ્યોની ચૂંટણીમાં ભાજપને પરાજયનો સામનો કરવો પડયો છે. તે પછી માનવામાં આવે છે કે, કેન્દ્ર સરકાર ગ્રામીણ ભારતમાં આ યોજનાને લાગુ કરવા વિચારી રહી છે. લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્ર સરકાર તમામ ગરીબો સાથે જોડાયેલ યોજનાઓ, ખેડૂતો સાથે જોડાયેલી યોજનાઓને લાગુ કરવા માગે છે.

મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યુ છે કે, પેન્શનને ૮૦૦થી વધારી ૧૨૦૦ કરવામાં આવે તો ૩૦૦૦૦ કરોડનો વધારાનો બોજો પડી શકે છે. અત્રે નોંધનીય છે કે ૨૦૧૮ના બજેટમાં જેટલીએ કહ્યુ હતુ કે સરકાર ગરીબોની સામાજિક સુરક્ષા માટે અનેક કાર્યક્રમો શરૂ કરશે. જેનાથી ગરીબ બુઝુર્ગ, વિધવા, અનાથ બાળકો, દિવ્યાંગોને વધુમાં વધુ લાભ થાય.

હાલ રાષ્ટ્રીય સામાજિક સુરક્ષા સહાય કાર્યક્રમ હેઠળ દર વર્ષે રૂ. ૯૯૭૫ કરોડ ખર્ચવામાં આવે છે. જેમાં ૮૦ લાખ વિધવાઓ, ૧૦ લાખ દિવ્યાંગો અને ૨.૨ કરોડ બુઝુર્ગ વડીલો સહિત કુલ ૩ કરોડ લોકોને આમા આવરી લેવાયા છે.(૨-૫)

 

(10:28 am IST)