મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd January 2019

આર્થિક મોરચે મોદી સરકાર સુપરહીટઃ આઈએમએફનો દાવો

ચૂંટણી પહેલા મોદી સરકાર માટે આવ્યા સારા સમાચારઃ ૨૦૧૯માં અર્થવ્યવસ્થાનો વૃદ્ધિ દર ૭.૫ ટકા રહેશેઃ બે વર્ષમા ભારતનો વિકાસ દર ચીન કરતા પણ આગળ થઈ જશે

નવી દિલ્હી, તા. ૨૨ :. લોકસભાની ચૂંટણી પહેલા આર્થિક મોરચે મોદી સરકાર માટે આઈએમએફનો રીપોર્ટ ખુશખબર લઈને આવ્યો છે. આઈએમએફએ ૨૦૧૯માં ભારતીય અર્થવ્યવસ્થાનો વૃદ્ધિ દર ૭.૫ ટકા રહેવાનું અનુમાન લગાવ્યુ છે. ૨૦૨૦માં તે વધીને ૭.૭ ટકા થવાનુ અનુમાન છે.

આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષે આ અનુમાન લગાવતા કહ્યુ છે કે ૨૦૧૯ અને ૨૦૨૦માં ચીનની સરખામણીમાં ભારતીય અર્થવ્યવસ્થાનો વૃદ્ધિ દર એક અંક વધુ રહેશે, કારણ કે ૨૦૧૯ અને ૨૦માં ચીનની અર્થવ્યવસ્થાનો વૃદ્ધિ દર ૬.૨ ટકા રહેવાનું અનુમાન છે.

આ સિવાય આઈએમએફના રીપોર્ટમાં મોદી સરકાર માટે વધુ એક રાહત ભર્યા સમાચાર છે. જેમાં જણાવાયુ છે કે, વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ભારત દુનિયાની સૌથી ઝડપી મુખ્ય અર્થવ્યવસ્થા તરીકે ચાલુ રહેશે. આઈએમએફએ કહ્યુ છે કે, ૨૦૧૯માં ભારતીય અર્થવ્યવસ્થા રફતાર પકડશે. આનુ મુખ્ય કારણ ક્રૂડના ભાવમાં ઘટાડો અને ફુગાવો નિયંત્રણમાં છે તે રહેશે.

બીજી તરફ ચીનની અર્થવ્યવસ્થામા મંદીના સંકેતો છે, ત્યાં ૨૦૧૮માં ૬.૬ ટકાના દરે અર્થતંત્ર આગળ વધ્યુ છે જે ત્રણ દાયકાનો સૌથી ધીમો આર્થિક વૃદ્ધિ દર છે આનુ કારણ ટ્રેડવોર ગણી શકાય છે.(૨-૪)

 

(10:28 am IST)