મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd January 2019

મહિલાઓને મળશે મોટી રાહત : મેટરનિટી લીવની સેલેરી થઇ શકે છે ટેકસ ફ્રી

નવી દિલ્હી તા. ૨૨ : કેન્દ્રની મોદી સરકારના વર્તમાન કાર્યકાળનું અંતિમ બજેટ વિશેષ રહેશે. CNBC આવાઝને મળેલી એકસકલૂઝિવ જાણકારી મુજબ, મહિલાઓને મેટરનિટી લીવ વખતે મળતો પગાર આ બજેટમાં ટેકસ ફ્રી થઈ શકે છે. મહિલા મતદાતાઓને રિજવવા માટે સરકારનું આ પગલું ખૂબ જ કારગર નિવડી શકે છે.

સુત્રોના જણાવ્યા મુજબ, મહિલા બાળ વિકાસ મંત્રાલયે નાણા મંત્રાલયને પ્રપોઝલ મોકલી છે. આ પ્રપોઝલમાં ટાંકવામાં આવ્યું છે કે મહિલાઓને મેટરનિટી લીવ વખતે મળતી સેલેરી ટેકસ ફ્રી કરવામાં આવે. અત્રે ઉલ્લેખનીય છે કે સરકારી મેટરનિટી લીવ ૬ મહિનાની મળે છે તો લગભગ મહિલાઓન ૬ મહિનાની સેલેરીના ઇનકમ ટેકસમાંથી મુકિત મળી શકે છે.

આ વર્ષે સરકાર દ્વારા વચગાળાનું બજેટ ફેબ્રુઆરીની પ્રથમ તારીખથી શરૂ થનારા સત્રમાં પ્રસ્તુત કરાશે. આ બજેટના ડોકયુમેન્ટનું પ્રિન્ટિંગ પણ સોમવારથી શરૂ થઈ ગયું છે. બજેટના ડોકયુમેન્ટના પ્રિન્ટિંગ પહેલાં દર વર્ષની જેમ સોમવારે હલવા સેરેમની પણ યોજાઈ હતી.

આ વર્ષે હલવા સેરેમનીમાં નાણા મંત્રી અરુણ જેટલીના સ્થાને રાજયકક્ષાના નાણા મંત્રી શિવ પ્રતાપ શુકલએ હલવાની વિધિ પૂર્ણ કરી હતી. આજથી આશરે ૧૦૦ લોકો બજેટ પ્રસ્તુત નહીં થાય ત્યાં સુધી નોર્થ બ્લોકની બહાર નીકળી શકશે નહીં.(૨૧.૪)

(10:07 am IST)